આફ્રિકામાં ફેલાયો ઈબોલા વાઈરસ, ભારત સરકાર એલર્ટ; વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી એડવાઈઝરી જાહેર
આફ્રિકામાં ઈબોલા વાઈરસના નવા કેસો નોંધાતા ભારત સરકાર એલર્ટ મોડ પર આવી છે. આરોગ્ય મંત્રાલયે આફ્રિકાથી આવતા પ્રવાસીઓ માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. જાણો લક્ષણો અને બચાવની સંપૂર્ણ માહિતી.
જોકે, મંત્રાલયે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હાલમાં ભારતમાં ઈબોલાનો એક પણ કેસ નોંધાયો નથી.
કોરોના જેવી મહામારી બાદ હવે દુનિયા પર ઈબોલા વાઈરસનો નવો ખતરો મંડરાઈ રહ્યો છે. આફ્રિકાના કેટલાક દેશોમાં ઈબોલાના નવા કેસ સામે આવતા ભારત સરકાર સંપૂર્ણપણે સાવચેત થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મંગળવારે એક નવી પબ્લિક હેલ્થ એડવાઈઝરી (આરોગ્ય માર્ગદર્શિકા) બહાર પાડવામાં આવી છે.
જોકે, મંત્રાલયે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હાલમાં ભારતમાં ઈબોલાનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ આગોતરી સાવચેતીના ભાગરૂપે આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેથી વાઈરસને દેશમાં પ્રવેશતો અટકાવી શકાય.
આફ્રિકાથી આવતા પ્રવાસીઓ માટે 21 દિવસનો નિયમ
આરોગ્ય મંત્રાલયે પોતાની એડવાઈઝરીમાં ખાસ સૂચના આપી છે કે, જે લોકો છેલ્લા 21 દિવસમાં ઈબોલાથી પ્રભાવિત દેશોનો પ્રવાસ કરીને આવ્યા છે અથવા તે દેશોમાંથી પસાર (ટ્રાન્ઝિટ) થયા છે, તેમણે પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખવું પડશે. જો વિદેશથી આવેલા કોઈ પણ પ્રવાસીમાં 21 દિવસની અંદર આ બીમારીના લક્ષણો દેખાય તો તરત જ સાવધાન થઈ જવું.
⚠️ Health Advisory on Ebola Disease As on 2nd June, 2026, there are no cases of Ebola disease reported in the country. However, if you have travelled from or transited through an Ebola-affected country in the last 21 days and develop symptoms such as fever, headache, muscle… pic.twitter.com/dSn8w7J1WM
જો નીચે મુજબના કોઈ પણ લક્ષણો જણાય તો તેને હળવાશથી ન લેવા:
સખત તાવ આવવો
માથામાં ભયંકર દુખાવો થવો
સ્નાયુઓમાં અસહ્ય પીડા થવી
ઊલટી અને ઝાડા થવા
શરીરમાંથી અચાનક લોહી નીકળવું
લક્ષણો દેખાય તો દર્દીએ શું કરવું?
જો કોઈ વ્યક્તિમાં આ લક્ષણો દેખાય, તો તેણે ગભરાયા વગર તરત જ પોતાની જાતને ઘરમાં અલગ (આઇસોલેટ) કરી લેવી જોઈએ. આ અંગે સ્થાનિક આરોગ્ય તંત્રને તાત્કાલિક જાણ કરો. સરકારની અપીલ છે કે સમયસર લેવાયેલા પગલાં દર્દીનો જીવ બચાવી શકે છે અને અન્યોમાં રોગ ફેલાતો રોકી શકે છે.
કોઈપણ પ્રકારની માહિતી કે ઈમરજન્સી સહાય માટે સરકારે 24 કલાક ચાલતો ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1075 જાહેર કર્યો છે, જેના પર નાગરિકો સીધો સંપર્ક કરી શકે છે.
કેટલો ખતરનાક છે ઈબોલા વાઈરસ?
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના રિપોર્ટ મુજબ, ઈબોલા એક અત્યંત જીવલેણ અને ગંભીર બીમારી છે. ભૂતકાળના આંકડાઓ દર્શાવે છે કે આ રોગમાં સરેરાશ મૃત્યુદર 50 ટકા છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં તો આ આંકડો 25 થી લઈને 90 ટકા સુધી પણ પહોંચી શકે છે.
કેવી રીતે ફેલાય છે આ બીમારી?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વાઈરસ સંક્રમિત વ્યક્તિ કે પ્રાણીના લોહી, લાળ કે શરીરના અન્ય પ્રવાહીના સીધા સંપર્કમાં આવવાથી ઝડપથી ફેલાય છે. આ બીમારીનો ઇન્ક્યુબેશન પિરિયડ વધુમાં વધુ 21 દિવસનો હોય છે. આ જ કારણ છે કે વિદેશથી આવતા મુસાફરો પર 21 દિવસ સુધી ઝીણવટભરી નજર રાખવામાં આવે છે.