'પહેલા ભારત પાછા આવો, પછી જ સુનાવણી થશે', બોમ્બે હાઈકોર્ટનો વિજય માલ્યાને જડબાતોડ જવાબ | Moneycontrol Gujarati
Get App

'પહેલા ભારત પાછા આવો, પછી જ સુનાવણી થશે', બોમ્બે હાઈકોર્ટનો વિજય માલ્યાને જડબાતોડ જવાબ

બોમ્બે હાઈકોર્ટે ભાગેડુ વિજય માલ્યાને રોકડું પરખાવ્યું છે. કોર્ટે કહ્યું કે 'ભારત પાછા આવો તો જ અરજી પર સુનાવણી થશે'. જાણો 18 ફેબ્રુઆરી સુધીમાં માલ્યાએ શું કરવું પડશે.

અપડેટેડ 04:17:41 PM Feb 12, 2026 પર
Story continues below Advertisement
આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ચંદ્રશેખરની બેંચે માલ્યાના વકીલને સ્પષ્ટ કહ્યું હતું કે, માલ્યાએ પાછા આવવું જ પડશે.

કાયદાના સકંજાથી બચવા માટે વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યાને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. વિદેશમાં બેઠા-બેઠા ભારતીય કાયદાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહેલા માલ્યાને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, જો તમારે તમારી અરજી પર સુનાવણી જોઈતી હોય, તો પહેલા ભારત પાછા આવવું પડશે.

અદાલતે કડક વલણ અપનાવતા ટકોર કરી હતી કે કોઈ પણ વ્યક્તિ કાયદાની પ્રક્રિયાથી ભાગીને ભારતીય અદાલતો પાસેથી રાહતની આશા રાખી શકે નહીં.

કાયદાથી ભાગીને ફાયદો નહીં મળે

આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ચંદ્રશેખરની બેંચે માલ્યાના વકીલને સ્પષ્ટ કહ્યું હતું કે, "તમારે (માલ્યાએ) પાછા આવવું જ પડશે. જો તમે પાછા નથી આવી શકતા, તો અમે આ અરજી પર સુનાવણી કરી શકીએ નહીં." કોર્ટે ચેતવણી આપી છે કે વિદેશમાં રહીને કાયદાકીય પ્રક્રિયાનો લાભ ઉઠાવી શકાય નહીં. કોર્ટે માલ્યાને પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા માટે 18 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે.

માલ્યાએ કોર્ટમાં શું માંગ કરી છે?


70 વર્ષીય વિજય માલ્યાએ બોમ્બે હાઈકોર્ટમાં બે મુખ્ય અરજીઓ કરી છે:

પહેલી અરજીમાં તેમને 'ભાગેડુ આર્થિક અપરાધી' જાહેર કરતા આદેશને પડકારવામાં આવ્યો છે.

બીજી અરજીમાં તેમણે 'ભાગેડુ આર્થિક અપરાધી કાયદા, 2018' ની માન્યતા પર જ સવાલો ઉઠાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા 2016 થી બ્રિટનમાં રહે છે અને ભારતમાં તેમના પર બેંકો સાથે છેતરપિંડી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપો છે.

વકીલની દલીલ ફગાવી, સોગંદનામું માંગ્યું

કોર્ટે આદેશ આપ્યો છે કે માલ્યાએ એક સોગંદનામું (Affidavit) દાખલ કરવું પડશે, જેમાં તેમણે જણાવવું પડશે કે તેઓ ક્યારે ભારત પરત ફરી રહ્યા છે. જોકે, માલ્યાના વકીલ અમિત દેસાઈએ દલીલ કરી હતી કે કાયદાકીય જોગવાઈઓ મુજબ અરજદારની શારીરિક હાજરી વગર પણ સુનાવણી થઈ શકે છે, પરંતુ કોર્ટે આ વાત માનવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

બીજી તરફ, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વિરોધ કરતા કહ્યું હતું કે, માલ્યાએ આ કાયદાને ત્યારે જ પડકાર્યો જ્યારે તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા.

હવે 18 ફેબ્રુઆરીએ થશે ફેંસલો

હાઈકોર્ટે હાલમાં અરજી ફગાવી નથી પરંતુ માલ્યાને એક છેલ્લી તક આપી છે. કોર્ટે કહ્યું, "અમારે રેકોર્ડ પર લેવું પડશે કે તમે કોર્ટની પ્રક્રિયાથી બચી રહ્યા છો." હવે આગામી 18 ફેબ્રુઆરીની સુનાવણીમાં નક્કી થશે કે વિજય માલ્યા ભારત આવવાની હિંમત દાખવે છે કે પછી તેમની અરજીઓ રદ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો-AI Tsunami: 2027 સુધીમાં 99% નોકરીઓ ગાયબ થઈ જશે? જાણો કયા 5 ક્ષેત્રોમાં તમારી નોકરી રહેશે સેફ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 12, 2026 4:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.