અટલથી નબીન સુધી: 45 વર્ષના ઈતિહાસમાં હવે 45 વર્ષના યુવાને મળી BJPની કમાન, જાણો પાર્ટીની રોચક સફર
BJP National President: ભારતીય જનતા પાર્ટીના 12માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિતિન નબીનની વરણી થઈ છે. 45 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર 45 વર્ષના યુવાને કમાન મળી છે. જાણો 1980થી અત્યાર સુધી અટલજીથી લઈને શાહ સુધીનો ઈતિહાસ.
હવે નિતિન નબીન પાર્ટીના 12માં અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. તેમની ઉંમર માત્ર 45 વર્ષ છે. આ પહેલા અમિત શાહ 49 વર્ષે અને નિતિન ગડકરી 52 વર્ષે અધ્યક્ષ બન્યા હતા.
BJP National President: ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. પાર્ટીની સ્થાપના 1980માં થઈ હતી અને તેને 45 વર્ષ પૂર્ણ થયા છે. આ રસપ્રદ સંયોગ છે કે પાર્ટીના 45 વર્ષના ઈતિહાસમાં હવે અધ્યક્ષ પદની જવાબદારી 45 વર્ષના યુવા નેતા નિતિન નબીન સંભાળવા જઈ રહ્યા છે. અટલ બિહારી વાજપેયીથી શરૂ થયેલી આ સફર હવે એક યુવા નેતૃત્વ સુધી પહોંચી છે.
લોકસભા ચૂંટણી 2024 બાદ જે.પી. નડ્ડાનો કાર્યકાળ પૂરો થતા જ નવા અધ્યક્ષની શોધ શરૂ થઈ હતી. સોમવારે નિતિન નબીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં નામાંકન દાખલ કર્યું છે. તેઓ એકમાત્ર ઉમેદવાર હોવાથી પાર્ટીના 12માં અધ્યક્ષ તરીકે તેમની બિનહરીફ વરણી થઈ છે.
આવો જાણીએ, જનસંઘથી લઈને આજ સુધી ભાજપની કમાન કોના હાથમાં રહી અને કેવો રહ્યો આ રાજકીય સફર.
અટલજીથી થઈ શરૂઆત: શૂન્યમાંથી શિખર સુધી
6 એપ્રિલ 1980ના રોજ જનતા પાર્ટીથી અલગ થઈને અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા નેતાઓએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. અટલ બિહારી વાજપેયી પાર્ટીના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને 1980થી 1986 સુધી કમાન સંભાળી. જોકે, 1984ની ચૂંટણીમાં ભાજપ માત્ર 2 બેઠકો પર સમેટાઈ ગયું હતું.
ત્યારબાદ 1986માં લાલકૃષ્ણ અડવાણી અધ્યક્ષ બન્યા. અડવાણીએ હિન્દુત્વના મુદ્દાને વેગ આપ્યો અને રામ મંદિર આંદોલનને પાર્ટીના એજન્ડામાં સામેલ કર્યું. જેના પરિણામે 1989માં ભાજપ 2 બેઠકો પરથી સીધું 76 બેઠકો પર પહોંચ્યું અને 1991માં 120 બેઠકો જીતી દેશની બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ.
અટલ-અડવાણી અને જોશીની ત્રિપુટી
ભાજપના શરૂઆતી વર્ષોમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ત્રિપુટીએ પાર્ટીને મજબૂત કરી. 1991માં મુરલી મનોહર જોશી અધ્યક્ષ બન્યા અને એકતા યાત્રા કાઢી લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો. તેમના કાર્યકાળમાં જ 1992માં બાબરી ધ્વંસની ઘટના બની હતી.
ત્યારબાદ ફરી અડવાણી અધ્યક્ષ બન્યા અને 1996માં ભાજપ પહેલીવાર કેન્દ્રમાં સત્તામાં આવી, ભલે તે સરકાર માત્ર 13 દિવસ ચાલી. 1998 સુધી અડવાણીએ કમાન સંભાળી.
સંગઠનના શિલ્પી અને વિવાદોનો દોર
1998માં કુશાભાઉ ઠાકરે અધ્યક્ષ બન્યા, જેમને ભાજપના 'પિતૃ પુરુષ' કહેવામાં આવે છે. તેમણે મધ્યપ્રદેશ સહિત દેશભરમાં સંગઠનને મજબૂત કર્યું. તેમના પછી 2000માં બંગારૂ લક્ષ્મણ પહેલા દલિત અધ્યક્ષ બન્યા, પરંતુ તહલકા કાંડમાં નામ આવતા તેમણે રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ જે. કૃષ્ણમૂર્તિ અને વેંકૈયા નાયડુએ પણ કમાન સંભાળી.
2004માં અડવાણી ત્રીજીવાર અધ્યક્ષ બન્યા હતા, પરંતુ પાકિસ્તાન યાત્રા દરમિયાન જિન્નાની મઝાર પર જઈને તેમણે કરેલી તારીફને કારણે વિવાદ થયો અને તેમણે પદ છોડવું પડ્યું હતું.
રાજનાથ સિંહ, ગડકરી અને મોદી યુગનો પ્રારંભ
2005માં રાજનાથ સિંહ અધ્યક્ષ બન્યા. 2009ની હાર બાદ નિતિન ગડકરીને કમાન સોંપાઈ. ગડકરી તે સમયે સૌથી યુવા અધ્યક્ષ (52 વર્ષ) હતા. 2013માં ફરી રાજનાથ સિંહ અધ્યક્ષ બન્યા અને નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા. 2014માં ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવી અને અહીંથી પાર્ટીનો સુવર્ણકાળ શરૂ થયો.
શાહની રણનીતિ અને નડ્ડાનો કાર્યકાળ
2014માં અમિત શાહે અધ્યક્ષ પદ સંભાળ્યું અને ભાજપને દુનિયાની સૌથી મોટી પાર્ટી બનાવી. તેમના નેતૃત્વમાં 2019માં ભાજપે ફરી સત્તા મેળવી. અમિત શાહ ગૃહમંત્રી બનતા 2020માં જે.પી. નડ્ડા અધ્યક્ષ બન્યા, જેમના નેતૃત્વમાં 2024ની ચૂંટણી લડાઈ અને ભાજપે સત્તાની હેટ્રિક લગાવી.
નિતિન નબીન: સૌથી યુવા અધ્યક્ષ
હવે નિતિન નબીન પાર્ટીના 12માં અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. તેમની ઉંમર માત્ર 45 વર્ષ છે. આ પહેલા અમિત શાહ 49 વર્ષે અને નિતિન ગડકરી 52 વર્ષે અધ્યક્ષ બન્યા હતા. આમ, નબીન ભાજપના અત્યાર સુધીના સૌથી યુવા અધ્યક્ષ હશે. તેઓ કાયસ્થ સમાજમાંથી આવે છે, જે સાબિત કરે છે કે ભાજપમાં જાતિવાદ કરતા સંગઠન ક્ષમતા અને કામને મહત્વ આપવામાં આવે છે.
અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા શું છે?
ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી એક લાંબી પ્રક્રિયા છે. રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદોના સભ્યો મળીને બનેલા 'નિર્વાચક મંડળ' દ્વારા અધ્યક્ષની પસંદગી થાય છે. જોકે, નિતિન નબીન સિવાય કોઈએ ઉમેદવારી ન કરી હોવાથી, ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણ મંગળવારે તેમને વિજેતા જાહેર કરશે.
આમ, 1980માં જનતા પાર્ટીના ભંગારમાંથી ઉભી થયેલી ભાજપ આજે અટલ યુગ અને મોદી યુગ વટાવીને હવે યુવા નેતૃત્વ તરફ આગળ વધી રહી છે.