ક્રૂડ-LNG સંકટ પર સરકાર એક્શનમાં: અમિત શાહના વડપણ હેઠળ ત્રણ સભ્યોની ખાસ કમિટી બનાવાઈ, 24 જહાજ અને 600 ભારતીયો ફસાયા | Moneycontrol Gujarati
Get App

ક્રૂડ-LNG સંકટ પર સરકાર એક્શનમાં: અમિત શાહના વડપણ હેઠળ ત્રણ સભ્યોની ખાસ કમિટી બનાવાઈ, 24 જહાજ અને 600 ભારતીયો ફસાયા

ક્રૂડ-LNG સંકટ પર અમિત શાહના વડપણ હેઠળ ત્રણ સભ્યોની કમિટી બની. 24 ભારતીય જહાજ અને 600 ભારતીયો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ફસાયા. બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર વટ્યું.

અપડેટેડ 04:23:08 PM Mar 12, 2026 પર
Story continues below Advertisement
વિદેશ મંત્રાલય ઈરાન સરકાર સાથે સતત સંપર્કમાં છે. ભારતીય જહાજોને સલામત રીતે પસાર કરાવવા માટે વિવિધ વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખાતે ઉભી થયેલી તંગ પરિસ્થિતિને લઈને ભારત સરકાર હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. ક્રૂડ ઓઈલ અને LNG સપ્લાયને લગતા આ ગંભીર સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે ત્રણ સભ્યોની એક ખાસ કમિટીની રચના કરી છે.

કમિટીમાં કોણ કોણ છે?

આ મહત્વપૂર્ણ કમિટીમાં ત્રણ સિનિયર કેબિનેટ મંત્રીઓનો સમાવેશ કરાયો છે. જેમાં અધ્યક્ષ તરીકે ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી સામેલ છે. આ કમિટી ઈરાન સંકટ અને ભારતીય જહાજોની સલામત અવરજવરને લગતા તમામ નિર્ણયો લેશે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે શું સ્થિતિ છે?

સૂત્રોના જણાવ્યા મુજબ હાલ ઘણી ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. બે જહાજ - પરિમલ અને પુષ્પક - હાલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે. 24 ભારતીય જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની બીજી તરફ ફસાયેલા છે. આ જહાજોમાં 600 થી વધુ ભારતીય નાગરિકો હાજર છે.


ઈરાન સાથે વાટાઘાટ ચાલુ

વિદેશ મંત્રાલય ઈરાન સરકાર સાથે સતત સંપર્કમાં છે. ભારતીય જહાજોને સલામત રીતે પસાર કરાવવા માટે વિવિધ વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. સીમિત સંખ્યામાં ભારતીય જહાજોની અવરજવરની છૂટ મળે તે માટે ચર્ચા ચાલી રહી છે. જોકે, ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે અમેરિકા અને તેના સમર્થક દેશોને કોઈ રાહત નહીં મળે. ઈરાને ચેતવણી આપી છે કે, અમેરિકાનું એક ટીપું તેલ પણ આ માર્ગેથી પસાર નહીં થવા દેવાય.

વૈકલ્પિક માર્ગોથી સપ્લાય વધારાઈ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સિવાયના અન્ય માર્ગોથી તેલ સપ્લાય 55% થી વધીને 70% પર પહોંચી ગઈ છે. આ દર્શાવે છે કે ભારત સહિત અન્ય દેશો વૈકલ્પિક રસ્તાઓ પર ઝડપથી નિર્ભર થઈ રહ્યા છે. આ તંગદિલી વચ્ચે ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલને વટાવી ગયું જ્યારે WTI ક્રૂડ 96 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. 27 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ભાવમાં 37% નો વધારો થયો છે

જહાજો પર હુમલા થયા

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક 3 કાર્ગો જહાજો પર હુમલા થયા છે. રોઈટર્સના અહેવાલ મુજબ થાઈલેન્ડનું એક કન્ટેનર શિપ પણ હુમલાનો શિકાર બન્યું છે. IRGCએ આ ફાયરિંગની જવાબદારી સ્વીકારી છે. બીજી તરફ, અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો છે કે અનેક ઈરાની જહાજોને ડુબાડવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, ઈરાને સંકેત આપ્યો છે કે તે શરતો સાથે યુદ્ધવિરામ માટે તૈયાર છે. ઈરાનની મુખ્ય માંગણીઓમાં અમેરિકા અને ઈઝરાયલ ભવિષ્યમાં હુમલો નહીં કરે તેની ગેરંટી, ઈરાનના અધિકારોની માન્યતા, યોગ્ય વળતર, સુરક્ષાની ગેરંટી, SPRમાંથી તેલ છૂટું કરાશે.

વૈશ્વિક તેલ સંકટને હળવું કરવા માટે મોટા પગલાં લેવાઈ રહ્યા છે, IEA (International Energy Agency) 400 મિલિયન બેરલ તેલ જાહેર કરશે - આ IEAના ઈતિહાસમાં સૌથી મોટી રિલીઝ હશે. અમેરિકા - ટ્રમ્પે 172 મિલિયન બેરલ તેલ જાહેર કરવાની જાહેરાત કરી (તેમના રિઝર્વમાં 415 મિલિયન બેરલ છે). જાપાન - આવતા અઠવાડિયે રિઝર્વમાંથી તેલ જાહેર કરશે. આ તેલ બજારમાં પહોંચતા લગભગ 13 દિવસ લાગશે.

માર્કેટ એક્સપર્ટ્સ શું કહે છે?

બજાર નિષ્ણાતોના મતે ક્રૂડના ભાવ 150 ડોલર સુધી પહોંચવાની શક્યતા ઓછી છે. જો હાલત ન સુધરે તો ભાવ 125 ડોલર સુધી જઈ શકે છે, જો પરિસ્થિતિ સામાન્ય થાય તો ભાવ ઘટીને 80 ડોલર આસપાસ આવી શકે છે.

ભારત માટે શું છે ચિંતા?

ભારત ક્રૂડ ઓઈલનો મોટો આયાતકાર દેશ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થકી ભારતમાં મોટી માત્રામાં તેલ અને LNG આવે છે. જો આ સપ્લાય ખોરવાય તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે, ફુગાવો વધી શકે છે અને અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી શકે છે. સરકારે આ જ કારણસર ઉચ્ચ સ્તરીય કમિટી બનાવીને ઝડપી પગલાં લેવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો-Closing Bell: ક્રૂડ ઓઈલના ભાવ વધતા શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 830 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,650ની નીચે બંધ

MoneyControl News

MoneyControl News

First Published: Mar 12, 2026 4:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.