આ ઇંધણ સંકટની સીધી અસર હવે ખેતી અને અનાજ પર પણ જોવા મળી રહી છે. શ્રીલંકા જેવા દેશોમાં ખાતરની અછતને કારણે ખાવાની ચીજવસ્તુઓના ભાવમાં 15% સુધીના વધારાની શક્યતા છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને Strait of Hormuzની નાકાબંધીના કારણે આખી દુનિયાની અર્થવ્યવસ્થા હચમચી ગઈ છે. આ દરિયાઈ રૂટ પરથી રોજનું 2 કરોડ બેરલ એટલે કે દુનિયાના કુલ ઓઈલ વેપારનું 20% જેટલું ક્રૂડ ઓઈલ પસાર થાય છે. આ રસ્તો બંધ થવાથી દુનિયામાં ઓઈલની સપ્લાય ઘટી ગઈ છે અને ડિમાન્ડ સામે સપ્લાયનું મોટું સંકટ ઊભું થયું છે. આ વૈશ્વિક મુશ્કેલીને પહોંચી વળવા અલગ-અલગ દેશોએ કેવા કડક પગલાં લીધા છે, ચાલો જાણીએ.
ભારત: ટેક્સ ઘટાડ્યો અને દેશમાં સપ્લાય પર ફોકસ
મોંઘવારીના મારથી સામાન્ય જનતાને બચાવવા ભારત સરકારે પોતાની તિજોરી પર બોજ સહન કરવાનો મોટો નિર્ણય લીધો છે.
સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટીમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલ કે એવિએશન ફ્યુઅલની અછત ન સર્જાય તે માટે તેની નિકાસ પર ડ્યૂટી લગાવી દીધી છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં LPG કે કોઈ ઇંધણની કમી નથી. બજારમાં અછતની જે પણ વાતો ચાલી રહી છે તે માત્ર એક અફવા છે.
પાકિસ્તાન: હવાઈ મુસાફરીના ભાવ આસમાને પહોંચ્યા
પાકિસ્તાન અત્યારે વૈશ્વિક ભાવ અને પોતાના દેશની આર્થિક સ્થિતિ વચ્ચે બેલેન્સ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ તો સ્થિર રાખ્યા છે, પરંતુ કેરોસીન મોંઘુ કરી દીધું છે. બીજી તરફ વિમાનના ઇંધણના ભાવ વધતા ત્યાં ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકિટ 150% સુધી મોંઘી થઈ ગઈ છે, જેનાથી લોકોની મુશ્કેલી વધી છે.
વિયેતનામ: પેટ્રોલ અને ડીઝલને ટેક્સ ફ્રી કર્યા
વિયેતનામે ભાવ વધારાને કાબૂમાં લેવા સૌથી મોટું અને આક્રમક પગલું ભર્યું છે. સરકારે એપ્રિલના મધ્ય સુધી પેટ્રોલ-ડીઝલ પર લાગતો 'પર્યાવરણ સુરક્ષા ટેક્સ' નાબૂદ કરી દીધો છે. આ નિર્ણયથી વિયેતનામમાં પેટ્રોલ 26% અને ડીઝલ 15% જેટલું સસ્તું થઈ ગયું છે.
ઇજિપ્ત અને શ્રીલંકા: વીજળી અને ઇંધણનું રેશનિંગ શરૂ
આ દેશોએ ઇંધણની બચત કરવા માટે બહુ કડક નિયમો લાગુ કર્યા છે.
ઇજિપ્તમાં દુકાનો, કાફે અને રેસ્ટોરન્ટને રાત્રે 9 વાગ્યા સુધીમાં ફરજિયાત બંધ કરવાનો આદેશ અપાયો છે અને રસ્તાની સ્ટ્રીટ લાઈટો પણ ડીમ કરી દેવાઈ છે. બીજી બાજુ શ્રીલંકામાં ફરીથી QR કોડ દ્વારા જ પેટ્રોલ-ડીઝલ આપવાનું શરૂ થયું છે. ત્યાં અઠવાડિયામાં લિમિટમાં જ ઓઈલ મળે છે. વધુમાં, ઇંધણ બચાવવા બુધવારને 'નો-વર્ક ડે' જાહેર કરાયો છે.
વેનેઝુએલા: ગરમી અને પાવર કટનો બેવડો માર
વેનેઝુએલાની હાલત થોડી અલગ પણ વધુ ગંભીર છે. ત્યાં ભયંકર ગરમી પડી રહી છે અને વીજળીના મોટા સંકટને કારણે સરકારે તમામ શાળાઓ, શિક્ષણ જગત અને સરકારી કચેરીઓમાં 1 અઠવાડિયાની રજા જાહેર કરી દીધી છે.
ખેતી અને ખાદ્ય સુરક્ષા પર મોટો ખતરો
આ ઇંધણ સંકટની સીધી અસર હવે ખેતી અને અનાજ પર પણ જોવા મળી રહી છે. શ્રીલંકા જેવા દેશોમાં ખાતરની અછતને કારણે ખાવાની ચીજવસ્તુઓના ભાવમાં 15% સુધીના વધારાની શક્યતા છે. ભારતમાં પણ ગેસની સપ્લાય ખોરવાતા યુરિયા ખાતરની અછત ઊભી થવાનો ડર છે. જોકે, રાહતની વાત એ છે કે ભારત પાસે અત્યારે પૂરતો ખાતરનો સ્ટોક છે, પરંતુ આવનારા દિવસોમાં ખેતીની વાવણીનો સમય હોવાથી આ સંકટ લાંબુ ચાલશે તો અસર થઈ શકે છે.