Ind vs Pak: કોલંબોમાં રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, મેચ નક્કી થતા જ ફ્લાઈટના ભાડા રોકેટ ગતિએ વધ્યા
T20 World Cup 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે. આ સમાચાર આવતાની સાથે જ કોલંબોની ફ્લાઈટ ટિકિટના ભાવ ડબલ થઈ ગયા છે. જાણો કેટલું મોંઘું થયું ભાડું.
મુંબઈ-કોલંબો-મુંબઈ (રાઉન્ડ ટ્રીપ) ના ભાડામાં સીધો 30,000 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં આ ટિકિટનો ભાવ લગભગ 60,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
India vs Pakistan T20 World Cup 2026: ક્રિકેટના મેદાનમાં જે મેચની આખી દુનિયા રાહ જોઈ રહી હતી, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલા પરનું સસ્પેન્સ હવે ખતમ થઈ ગયું છે. ICC T20 World Cup 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ નક્કી થઈ ગઈ છે. આ મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં રમાશે. જોકે, આ ખુશખબરની સાથે જ ક્રિકેટ ફેન્સના ખિસ્સા પર મોટો બોજ પણ આવી ગયો છે, કારણ કે આ જાહેરાત થતાની સાથે જ ભારતથી કોલંબો જતી ફ્લાઈટના ભાડામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
ફ્લાઈટના ભાડામાં ‘રૉકેટ’ જેવી તેજી
મેચની તારીખ અને સ્થળની સત્તાવાર પુષ્ટિ થતાની સાથે જ માત્ર થોડી મિનિટોમાં ભારતથી કોલંબો માટેની ફ્લાઈટના ભાવ લગભગ બમણા થઈ ગયા હતા. સામાન્ય દિવસોમાં જે ટિકિટ વ્યાજબી ભાવે મળતી હતી, તેના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે.
મુંબઈ-કોલંબો-મુંબઈ (રાઉન્ડ ટ્રીપ) ના ભાડામાં સીધો 30,000 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં આ ટિકિટનો ભાવ લગભગ 60,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. દિલ્હીથી કોલંબો જતા રૂટ પર પણ ફ્લાઈટના ભાડામાં આવી જ તેજી જોવા મળી રહી છે. આ અચાનક આવેલો ભાવ વધારો દર્શાવે છે કે ભારતીય ફેન્સમાં આ મેચને લઈને કેટલો જબરદસ્ત ક્રેઝ છે. ઘણા ચાહકો અનિશ્ચિતતાને કારણે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જેવી જાહેરાત થઈ કે તરત જ ટિકિટ બુકિંગ માટે પડાપડી શરૂ થઈ ગઈ.
ICCને થયો મોટો ફાયદો
પાકિસ્તાન સરકારે ઘણા દિવસોની આનાકાની અને અનિશ્ચિતતા બાદ અંતે યુ-ટર્ન લીધો છે અને પોતાની ટીમને 15 ફેબ્રુઆરીએ ભારત સામે રમવાની મંજૂરી આપી દીધી છે. 'ઈન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ, આ નિર્ણયથી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને આર્થિક રીતે મોટી રાહત થઈ છે. જો આ મેચ રદ થઈ હોત, તો ICC ને અંદાજે 17.4 કરોડ ડોલરના રેવન્યુનું નુકસાન વેઠવું પડ્યું હોત. ભારત-પાકિસ્તાન મેચ વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ કમાણી કરાવતી ઈવેન્ટ માનવામાં આવે છે.
કેવી રીતે આવ્યો સસ્પેન્સનો અંત?
શરૂઆતમાં પાકિસ્તાને સુરક્ષાના કારણો આગળ ધરીને અને બાંગ્લાદેશને ટૂર્નામેન્ટમાંથી હટાવવાના વિરોધમાં ભારત જવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાને ICC પર પક્ષપાતનો આરોપ પણ લગાવ્યો હતો. આ કારણે આખી ટૂર્નામેન્ટના આર્થિક પાસા પર જોખમ ઊભું થયું હતું.
પરંતુ, ICC, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે થયેલી લાંબી મંત્રણાઓ બાદ ઉકેલ આવ્યો છે. પાકિસ્તાન સરકારે નિવેદન આપ્યું છે કે મિત્ર દેશો અને ક્રિકેટ બોર્ડની વિનંતીને ધ્યાનમાં રાખીને તેમણે ટીમને રમવા માટે લીલી ઝંડી આપી છે.
ફેન્સમાં ખુશીનો માહોલ
આ નિર્ણય માત્ર ICC માટે જ નહીં પરંતુ વિશ્વભરના કરોડો ક્રિકેટ પ્રેમીઓ માટે પણ રાહતના સમાચાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા રોમાંચક હોય છે અને દર્શકો આ મેચ જોવા માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હોય છે, જે અત્યારે ફ્લાઈટના વધેલા ભાડા પરથી સ્પષ્ટ દેખાય છે. હવે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ક્રિકેટનું અસલી યુદ્ધ જોવા મળશે.