યૂટ્યુબનું ટેન્શન વધ્યું! ઇન્સ્ટાગ્રામમાં આવી રહ્યા છે 3 મોટા ફેરફાર, ક્રિએટર્સની કમાણી અને વીડિયો જોવાની રીત બદલાશે
Instagram Features update 2026: યૂટ્યુબની ચિંતા વધારવા ઇન્સ્ટાગ્રામ લાવી રહ્યું છે ‘Features'. હવે યુઝર્સ રીલ્સ પરથી સીધા લાંબા વીડિયો જોઈ શકશે. જાણો ઇન્સ્ટાગ્રામના 3 મોટા ફેરફારો અને લેટેસ્ટ અપડેટ વિશે.
અગાઉ એડમ મોસેરી લાંબા વીડિયોને પ્લેટફોર્મ પર લાવવા માટે થોડા ચિંતિત હતા, કારણ કે તેમને ડર હતો કે આનાથી યુઝર એન્ગેજમેન્ટ અને શેર્સ ઘટી શકે છે.
Instagram Features update 2026: જો તમે ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ બનાવો છો અથવા વીડિયો જોવાનો શોખ ધરાવો છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. અત્યાર સુધી માત્ર શોર્ટ વીડિયો માટે જાણીતું ઇન્સ્ટાગ્રામ હવે યૂટ્યુબને સીધી ટક્કર આપવા જઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હવે લાંબા અને હોરિઝોન્ટલ વીડિયો પર મોટું ફોકસ કરી રહ્યું છે અને તેના માટે "Features" નામનું નવું પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહ્યું છે.
ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરી અને પ્રોડક્ટના વાઇસ પ્રેસિડેન્ટ ટેસા લાયન્સ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 6.5 મિનિટના એક ખાસ વીડિયોમાં તેમણે આ નવા અપડેટ્સ વિશે સમજાવ્યું હતું. ચાલો જાણીએ ઇન્સ્ટાગ્રામમાં કયા 3 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે.
1. શોર્ટ રીલ્સ પરથી સીધા લાંબા વીડિયો જોઈ શકાશે
અગાઉ એડમ મોસેરી લાંબા વીડિયોને પ્લેટફોર્મ પર લાવવા માટે થોડા ચિંતિત હતા, કારણ કે તેમને ડર હતો કે આનાથી યુઝર એન્ગેજમેન્ટ અને શેર્સ ઘટી શકે છે. પરંતુ હવે કંપનીએ શોર્ટ-ફોર્મ અને લોન્ગ-ફોર્મ વીડિયો વચ્ચે ગજબનું કનેક્શન બનાવ્યું છે.
હવે જ્યારે કોઈ યુઝરને પોડકાસ્ટ કે કોમેડી શૉની કોઈ નાની રીલ ગમશે, તો તે સીધા જ એક ક્લિક કરીને તેનો પૂરો અને લાંબો વીડિયો જોઈ શકશે. ક્રિએટર્સ પોતાની શોર્ટ રીલ્સને લાંબા વીડિયો સાથે લિંક કરી શકશે, જેનાથી યુઝર્સને ડીપ કન્ટેન્ટ જોવાની મજા આવશે.
2. સ્માર્ટ ટીવી પર ઇન્સ્ટાગ્રામનો વ્યાપ વધ્યો
ઇન્સ્ટાગ્રામે ગત વર્ષના અંતમાં અમેરિકામાં સૌપ્રથમ Amazon Fire TV ડિવાઇસ માટે પોતાની ટીવી એપ લોન્ચ કરી હતી. હવે આ વાઈડસ્ક્રીન અનુભવને વધુ મોટો કરવામાં આવ્યો છે. આ ટીવી એપ હવે Google TVs, Samsung TVs અને Apple TV પર પણ ઉપલબ્ધ થઈ ગઈ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આ પ્લેટફોર્મ્સ પર યુઝર્સ હવે મોટી સ્ક્રીન પર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પણ જોઈ શકશે.
3. રીલ્સની ‘સીરિઝ' અને નવું ટેસ્ટિંગ
હાલમાં ઇન્સ્ટાગ્રામ અમેરિકામાં યુઝર્સના એક નાના ગ્રુપ સાથે અને બ્રાઝિલના કેટલાક પસંદગીના ક્રિએટર્સ સાથે આ નવા "Features" નું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ઉપરાંત, ક્રિએટર્સ હવે પોતાની રીલ્સની એક 'સીરિઝ' બનાવી શકશે. લાઈવ વીડિયો ડિસ્કવરીમાં પણ મોટા સુધારા કરવામાં આવી રહ્યા છે.
એડમ મોસેરીના જણાવ્યા મુજબ, આગામી થોડા મહિનાઓમાં આ ફીચર્સને વ્યાપક ટેસ્ટિંગ માટે રોલઆઉટ કરવામાં આવશે. લાંબા વીડિયોની એન્ટ્રી થવાથી ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ માટે કમાણીના નવા રસ્તા ખુલશે અને યૂટ્યુબની મોનોપોલીને મોટી અસર પહોંચશે.