Iran vs USA: પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલની ચેતવણી બાદ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ બંકરમાં છુપાઈ ગયા છે. જાણો ટ્રમ્પે શું ધમકી આપી અને હવે ઈરાન શું કરશે.
ઈરાનના આ ડર પાછળનું એક મોટું કારણ વેનેઝુએલાની ઘટના પણ છે. હાલમાં જ અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોનું તેમના જ ઘરમાંથી અપહરણ કરીને સીધા અમેરિકી જેલમાં ધકેલી દીધા હતા.
Iran vs USA: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. દુનિયાભરની નજર અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલી પર મંડાયેલી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આપેલા આકરા નિવેદનો બાદ ઈરાનમાં ગભરાટનો માહોલ છે. આ ધમકીઓને ગંભીરતાથી લઈને ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ તેહરાન નજીક આવેલા એક અત્યંત સુરક્ષિત બંકરમાં શિફ્ટ થઈ ગયા હોવાના અહેવાલ છે. છેલ્લા 7 મહિનામાં આવું બીજીવાર બન્યું છે કે જ્યારે તેમને બંકરનો સહારો લેવો પડ્યો હોય.
ટ્રમ્પ અને નેતન્યાહુની ચેતવણીથી ખળભળાટ
તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં સીધો સત્તાપલટો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ટ્રમ્પે ત્યાં સુધી કહી દીધું છે કે ખામેનેઈની હાલત પણ કાસિમ સુલેમાની અથવા બગદાદી જેવી કરવામાં આવશે. બીજી તરફ, ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ પણ ચેતવણી આપી છે કે ઈરાન પર એવો જોરદાર હુમલો થશે જેવો દુનિયાએ પહેલા ક્યારેય જોયો નહીં હોય. ઈરાન સરકારને પૂરેપૂરો ડર છે કે અમેરિકન ગુપ્તચર એજન્સી અને ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ મળીને તેહરાન પર ગમે ત્યારે મોટું ઓપરેશન કરી શકે છે.
વેનેઝુએલા જેવો ડર ઈરાનને સતાવી રહ્યો છે?
ઈરાનના આ ડર પાછળનું એક મોટું કારણ વેનેઝુએલાની ઘટના પણ છે. હાલમાં જ અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોનું તેમના જ ઘરમાંથી અપહરણ કરીને સીધા અમેરિકી જેલમાં ધકેલી દીધા હતા. આ ઘટના બાદ ઈરાન હાઈ એલર્ટ પર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂન 2025માં જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવ્યા હતા, ત્યારે પણ ખામેનેઈ સુરક્ષા માટે 21 દિવસ સુધી બંકરમાં રહ્યા હતા. ઈરાનના સરકારી મીડિયાના દાવા મુજબ, ખામેનેઈ છેલ્લે 17 જાન્યુઆરીએ જાહેરમાં દેખાયા હતા, જ્યાં તેમણે અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા.
‘જો ખામેનેઈ પર હુમલો થયો તો...’ - ઈરાનની ધમકી
સ્થિતિ એટલી તંગ છે કે બંને પક્ષે યુદ્ધની તૈયારીઓ દેખાઈ રહી છે. ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયને દુનિયાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, "જો અમારા સુપ્રીમ લીડર પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે, તો તેહરાન તેને સીધું યુદ્ધ ગણશે."
પોતાની સુરક્ષા મજબૂત કરવા ઈરાને 12 જેટલા F-15 ફાઈટર જેટ વિમાનોને જોર્ડન બોર્ડર પાસે તૈનાત કરી દીધા છે. સામે પક્ષે અમેરિકાએ પણ 'યુએસએસ અબ્રાહમ' યુદ્ધ જહાજને મલક્કાની ખાડીમાં ઉતારીને ઈરાન ફરતે ઘેરાબંધી મજબૂત કરી દીધી છે. આ સંઘર્ષની વચ્ચે ઈરાનમાં આંતરિક વિરોધ પ્રદર્શન પણ ચાલી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 5000 થી વધુ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.