ટ્રમ્પના 48 કલાકના અલ્ટીમેટમ પછી ઈરાનનો મોટો ખુલાસો: 'દુશ્મનો સિવાય બધા માટે ખુલ્લો છે હોર્મુઝનો રસ્તો'
ડોનાલ્ડ ટ્રમ્પના 48 કલાકના અલ્ટીમેટમ બાદ ઈરાનનું મોટું નિવેદન. ઈરાને સ્પષ્ટ કર્યું કે હોર્મુઝનો રસ્તો 'દુશ્મનો' સિવાય તમામ માટે ખુલ્લો છે. જાણો વિગતવાર સમાચાર.
અલી મૌસવીના જણાવ્યા અનુસાર, ખાડી દેશોમાં વધી રહેલા તણાવ પાછળ અમેરિકા અને ઈઝરાયેલ મુખ્ય જવાબદાર છે. આથી, આ બંને દેશો અને તેમના સહયોગીઓના જહાજો માટે હોર્મુઝનો રસ્તો સંપૂર્ણ બંધ રહેશે.
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સને તબાહ કરવાની ધમકી આપીને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ કડક ચેતવણીના થોડા જ કલાકોમાં ઈરાન તરફથી મોટો વળતો જવાબ સામે આવ્યો છે. ઈરાને વિશ્વના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' અંગે એક મોટું નિવેદન બહાર પાડ્યું છે.
'દુશ્મનો' માટે નો-એન્ટ્રી
આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનમાં ઈરાનના પ્રતિનિધિ અલી મૌસવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ દરિયાઈ માર્ગ માત્ર ઈરાનના દુશ્મનો માટે જ બંધ છે. તેમણે જણાવ્યું કે હોર્મુઝનો રસ્તો સંપૂર્ણપણે બંધ નથી, પરંતુ ત્યાંથી પસાર થવાના નિયમો હવે બદલાઈ ગયા છે.
અલી મૌસવીના જણાવ્યા અનુસાર, ખાડી દેશોમાં વધી રહેલા તણાવ પાછળ અમેરિકા અને ઈઝરાયેલ મુખ્ય જવાબદાર છે. આથી, આ બંને દેશો અને તેમના સહયોગીઓના જહાજો માટે હોર્મુઝનો રસ્તો સંપૂર્ણ બંધ રહેશે. અન્ય દેશોના જહાજો અહીંથી પસાર થઈ શકશે, પરંતુ સુરક્ષા અને તાલમેલ માટે તેમણે અગાઉથી ઈરાનનો સંપર્ક કરવો પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આંતરરાષ્ટ્રીય નિયમોની સાથે ઈરાનની પ્રાદેશિક અખંડિતતા અને અધિકારોનું સન્માન થવું પણ એટલું જ જરૂરી છે.
ટ્રમ્પે આપી હતી 'તબાહી' ની ચેતવણી
નોંધનીય છે કે, ઈરાનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે, "જો 48 કલાકની અંદર કોઈપણ શરત વિના હોર્મુઝનો રસ્તો સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સને ઉડાવી દેશે." દુનિયાનું 20% ઓઈલ અને ગેસ આ જ રસ્તેથી પસાર થાય છે. રસ્તો બંધ થવાથી ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જેના કારણે અમેરિકાની અંદર અને બહાર ટ્રમ્પ પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.
ઈરાનના નિવેદનોમાં વિરોધાભાસ
હોર્મુઝના મુદ્દે ખુદ ઈરાન તરફથી અલગ-અલગ નિવેદનો આવી રહ્યા છે, જેનાથી દુનિયાભરમાં ગુંચવણ ઉભી થઈ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઈરાવાનીએ ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે હોર્મુઝને બંધ કરવાની ઈરાનની કોઈ યોજના નથી. બીજી તરફ, ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ એવો સંકેત આપ્યો છે કે આ દરિયાઈ માર્ગનો ઉપયોગ 'રણનીતિક હથિયાર' તરીકે કરવામાં આવશે. આ ઉપરાંત, CNNના રિપોર્ટ અને અમેરિકન ગુપ્તચર સંસ્થાઓના અંદાજ મુજબ, ઈરાન પાસે આ રસ્તાને 1 થી 6 મહિના સુધી સંપૂર્ણ બંધ રાખવાની પૂરી તાકાત છે.
વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મંડરાતો મોટો ખતરો
હોર્મુઝના રસ્તે પસંદગીના જહાજોને જ રોકવાની ઈરાનની આ નીતિથી વૈશ્વિક ઉર્જા બજારને મોટો ફટકો પડી રહ્યો છે. ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે કે, અમેરિકા કે ઈઝરાયેલ માટે જતું એક લિટર ઓઈલ પણ તેઓ અહીંથી પસાર થવા દેશે નહીં.
ભલે ઈરાન અત્યારે એવો દાવો કરી રહ્યું હોય કે રસ્તો ખુલ્લો છે, પરંતુ 'દુશ્મન' ની વ્યાખ્યા સ્પષ્ટ ન હોવાથી વિશ્વભરની શિપિંગ કંપનીઓમાં ડરનો માહોલ છે. કોઈપણ કંપની આ વિસ્તારમાંથી પોતાના જહાજો પસાર કરવાનું જોખમ લેવા માંગતી નથી, જેની સીધી અસર આવનારા દિવસોમાં મોંઘવારી અને ઓઈલના ભાવ પર જોવા મળી શકે છે.