આખરે જેની કાગડોળે રાહ જોવાતી હતી તે ઘડી આવી ગઈ છે. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચેથી પસાર થઈ રહેલા દેશવાસીઓ માટે એકદમ મોટા અને રાહતના સમાચાર છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ કેરળના કાંઠે સત્તાવાર રીતે એન્ટ્રી મારી દીધી છે. ભારતીય હવામાન વિભાગની જાહેરાત સાથે જ કેરળના અનેક વિસ્તારોમાં સારો વરસાદ શરૂ થઈ ગયો છે. આકાશમાં છવાયેલા કાળાડિબાંગ વાદળોએ ગરમીમાં શેકાતા લોકોને ઘણી શાંતિ આપી છે. ખેડૂતોથી લઈને સામાન્ય માણસ હવે મેઘરાજાની આગામી ચાલ પર નજર રાખીને બેઠા છે.
હવામાન વિભાગે 4 જૂનના રોજ પુષ્ટિ કરી છે કે ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે. આ સાથે લક્ષદ્વીપ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે. વિભાગ દ્વારા 4 જૂનથી 9 જૂન વચ્ચે કેરળમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વરસાદની તીવ્રતા જોતા 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ અને ત્રિશૂર જિલ્લાઓમાં 7 થી 20 સેન્ટિમીટર જેટલો વરસાદ ખાબકી શકે છે. વહીવટીતંત્રને ખાસ એલર્ટ પર રખાયું છે કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને જનજીવન પ્રભાવિત થવાની પૂરી શક્યતા છે.
કેરળમાં ધમાકેદાર શરૂઆત બાદ ચોમાસું હવે દેશના અન્ય રાજ્યો તરફ ઝડપથી આગળ વધશે. હવામાન નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી દિવસોમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. સામાન્ય રીતે કેરળમાં 1 જૂને ચોમાસું બેસતું હોય છે. આ વર્ષે 4 જૂને તેની શરૂઆત થઈ છે.
ભારતનો કૃષિ આધાર અને અર્થતંત્ર મોટેભાગે સારા ચોમાસા પર ટકેલા છે. વરસાદની આ શાનદાર શરૂઆતથી ખરીફ પાકની વાવણીની તૈયારી કરતા ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી રહી છે. જો વરસાદ આવી જ રીતે સારો રહેશે તો દેશમાં અનાજનું ઉત્પાદન વધશે અને મોંઘવારી પર કાબુ મેળવવામાં ઘણી મદદ મળશે. હવામાનની આ બદલાયેલી પેટર્ન જોતા હવે લોકોએ પોતાની છત્રી અને રેઇનકોટ તૈયાર રાખવા જોઈએ.