ભારતીય હવામાન વિભાગ અનુસાર, આજે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, બિહાર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.
IMD rain alert: સમગ્ર દેશમાં અત્યારે ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે. પરંતુ ઘણા રાજ્યો માટે આ વરસાદ હવે આફત બની ગયો છે. રેકોર્ડબ્રેક વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે અને રસ્તાઓ જાણે નદીઓમાં ફેરવાઈ ગયા છે. આ ભયંકર પરિસ્થિતિને કારણે દિલ્હી, ગાઝિયાબાદ અને બુલંદશહેરમાં અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, આજે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, બિહાર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં તો સીધું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકોને ઘરમાં જ સુરક્ષિત રહેવાની અપીલ કરાઈ છે.
દિલ્હી-NCR માં મેઘરાજાની તોફાની બેટિંગ
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદે તાપમાનમાં તો ઘટાડો કર્યો છે, પરંતુ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી-NCR ના ઘણા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સર્જાઈ છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મધ્ય ભારતથી ઉત્તર તરફ અને હિમાલયની તળેટી તરફ ખસેલા ચોમાસાના દબાણને કારણે આ વરસાદ પડી રહ્યો છે. જ્યાં સુધી આ દબાણ વધુ ઉત્તર તરફ નહીં જાય ત્યાં સુધી દિલ્હીમાં વરસાદ ચાલુ રહેશે. 12 જુલાઈ પછી જ દિલ્હીમાં હવામાન સૂકું થવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
યુપીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. લખનૌના હવામાન કેન્દ્ર મુજબ,,,પશ્ચિમ અને મધ્ય યુપીના મુઝફ્ફરનગર, બિજનૌર, અમરોહા, મુરાદાબાદ, રામપુર, બરેલી, પીલીભીત અને બદાઉંમાં અતિભારે વરસાદની શક્યતા છે.
આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 11 જુલાઈ સુધી યુપીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. વીજળી પડવાની અને વાવાઝોડાની સંભાવના હોવાથી લોકોને એલર્ટ રહેવા જણાવાયું છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પહાડો પર સંકટ
પહાડી રાજ્યોમાં વરસાદ સૌથી વધુ તબાહી મચાવે છે. ઉત્તરાખંડ માટે હવામાન વિભાગે શુક્રવાર માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અહીં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની ચેતવણી છે. તાજેતરમાં જ અહીંના જાખોલીમાં 46 મિમી, ઉખીમઠમાં 23 મિમી અને રુદ્રપ્રયાગમાં 20 મિમી વરસાદ નોંધાયો છે.
બીજી તરફ, હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ, મંડી અને સોલન સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. સિરમૌરમાં અતિભારે વરસાદ પડી શકે છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા સોલન અને સિરમૌરમાં શુક્રવારે તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી દેવામાં આવી છે. લોકોને નદી-નાળા અને ભૂસ્ખલનવાળા વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના અપાઈ છે.
બિહાર, ઝારખંડ અને અરુણાચલ પ્રદેશની સ્થિતિ
બિહારમાં પણ સારણ, સિવાન, મુઝફ્ફરપુર, ગયા અને પશ્ચિમ ચંપારણ સહિતના ડઝનબંધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહી છે. ઝારખંડમાં પણ એલર્ટ અપાયું છે. જ્યારે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં શુક્રવારથી વરસાદનું જોર ઘટવાની આશા છે, છતાં પાપુમ પારે અને તિરાપ જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ચાલુ રખાયું છે. શનિવાર સુધીમાં અહીના હવામાનમાં સુધારો જોવા મળી શકે છે.