છૂટાછેડા માટે 6 મહિના રાહ જોવી જરૂરી નથી! ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હજારો યુગલોને મળશે મોટી રાહત | Moneycontrol Gujarati
Get App

છૂટાછેડા માટે 6 મહિના રાહ જોવી જરૂરી નથી! ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હજારો યુગલોને મળશે મોટી રાહત

ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાના કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. હવે પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ ફરજિયાત નથી. જાણો કોને મળશે આ નિયમનો લાભ.

અપડેટેડ 12:52:29 PM Jan 06, 2026 પર
Story continues below Advertisement
હિન્દુ મેરેજ એક્ટની કલમ-13B હેઠળ, જ્યારે પતિ-પત્ની બંને પોતાની મરજીથી છૂટા પડવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરે, ત્યારે કોર્ટ તેમને વિચારવા માટે 6 મહિનાનો સમય આપતી હતી.

લગ્ન જીવનમાં જયારે સંબંધોનો અંત છૂટાછેડા સુધી પહોંચે છે, ત્યારે કાયદાકીય પ્રક્રિયા લાંબી અને માનસિક રીતે થકવી દેનારી હોય છે. પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગતા યુગલોને મોટી રાહત આપતો એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે છૂટાછેડા માટે નિર્ધારિત 6 મહિનાનો "કૂલિંગ ઓફ પિરિયડ" હવે દરેક કિસ્સામાં ફરજિયાત નથી.

શું હતો જૂનો નિયમ અને કૂલિંગ પિરિયડનો અર્થ?

હિન્દુ મેરેજ એક્ટની કલમ-13B હેઠળ, જ્યારે પતિ-પત્ની બંને પોતાની મરજીથી છૂટા પડવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરે, ત્યારે કોર્ટ તેમને વિચારવા માટે 6 મહિનાનો સમય આપતી હતી. આ સમયગાળાને 'કૂલિંગ ઓફ પિરિયડ' કહેવાય છે. તેનો મુખ્ય હેતુ એ હતો કે જો ગુસ્સામાં કે ઉતાવળમાં નિર્ણય લેવાયો હોય, તો આ 6 મહિના દરમિયાન પતિ-પત્નીને ફરીથી વિચારીને પોતાનું લગ્નજીવન બચાવવાની તક મળે.

હાઇકોર્ટનો ચુકાદો: હવે સમય નહીં બગડે

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંગીતા કે. વિશેણ અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની બેન્ચે એક કેસની સુનાવણી દરમિયાન આ મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે:


જ્યારે પતિ-પત્ની વચ્ચે ફરી એક થવાની કોઈ જ શક્યતા ન હોય.

બંને લાંબા સમયથી, ખાસ કરીને 1 વર્ષથી વધુ સમયથી અલગ રહેતા હોય.

અને બંને મક્કમપણે છૂટા પડવા માંગતા હોય.

આવા સંજોગોમાં, 6 મહિના સુધી રાહ જોવડાવવાનો કોઈ અર્થ નથી. આનાથી માત્ર તેમની માનસિક પીડા અને સમયનો બગાડ થાય છે. તેથી, આવા ખાસ કિસ્સાઓમાં કૂલિંગ ઓફ પિરિયડને માફ કરી શકાય છે.

કોને મળશે આ ચુકાદાનો સીધો લાભ?

હાઈકોર્ટનો આ નિર્ણય એવા હજારો યુગલો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેમણે સમજી-વિચારીને અલગ થવાનો નિર્ણય કર્યો છે અને તેમના વચ્ચે સમાધાનની કોઈ ગુંજાઈશ નથી. ખાસ કરીને જે યુગલો યુવાન છે અને પોતાની કારકિર્દી અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, તેમના માટે આ 6 મહિનાનો બિનજરૂરી વિલંબ દૂર થશે.

એક ચોક્કસ કેસમાં ફેમિલી કોર્ટે અરજી નામંજૂર કરી હતી, જેને હાઈકોર્ટે રદ કરી દીધી અને કહ્યું કે જ્યારે પુનઃમિલનની કોઈ આશા જ ન હોય, ત્યારે પ્રક્રિયાને લંબાવવી એ યોગ્ય નથી. કોર્ટે ફેમિલી કોર્ટને નિર્દેશ આપ્યો કે દંપતીને કૂલિંગ ઓફ પિરિયડ માફ કરવા માટે અરજી દાખલ કરવાની તક આપવામાં આવે અને ત્યારબાદ કાયદા મુજબ ઝડપથી છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે.

આમ, ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી હવે પરસ્પર સંમતિથી છૂટાછેડાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે, જે સમયની માંગ પણ છે.

આ પણ વાંચો-'ટ્રમ્પની ધમકી સામે PM મોદી ચૂપ કેમ?' કોંગ્રેસે પૂછ્યા ત્રણ સવાલ, ખડગેનો સીધો હુમલો

MoneyControl News

MoneyControl News

First Published: Jan 06, 2026 12:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.