Ola Electricને ગ્રાહક ફોરમનો મોટો ઝટકો: ખરાબ સ્કૂટર બદલી આપો અથવા 6% વ્યાજ સાથે પૂરા પૈસા પાછા આપો | Moneycontrol Gujarati
Get App

Ola Electricને ગ્રાહક ફોરમનો મોટો ઝટકો: ખરાબ સ્કૂટર બદલી આપો અથવા 6% વ્યાજ સાથે પૂરા પૈસા પાછા આપો

થાણે ગ્રાહક કમિશને ઓલા ઇલેક્ટ્રિકને ગ્રાહકનું ખરાબ સ્કૂટર બદલી આપવા અથવા 6% વ્યાજ સાથે 96,997 રૂપિયા રિફંડ કરવાનો આદેશ આપ્યો છે. જાણો આ સમગ્ર કેસની પૂરી વિગત.

અપડેટેડ 03:32:04 PM Mar 29, 2026 પર
Story continues below Advertisement
કંપનીની આ બેદરકારીને જોતા ગ્રાહક પંચે આ મામલે એકતરફી ચુકાદો સંભળાવીને ગ્રાહકને ન્યાય અપાવ્યો છે.

જો તમે પણ ઓલા ઇલેક્ટ્રિકનું સ્કૂટર ચલાવો છો અથવા ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે જાણવા ખૂબ જરુરી છે. ગ્રાહકને ખરાબ સ્કૂટર પધરાવીને સર્વિસમાં બેદરકારી દાખવવી ઓલા ઇલેક્ટ્રિકને ભારે પડી છે. થાણેના ગ્રાહક પંચે કંપનીને ગ્રાહકનું ખરાબ ઇલેક્ટ્રિક સ્કૂટર બદલી આપવા અથવા પૂરા પૈસા 6% વાર્ષિક વ્યાજ સાથે પાછા આપવાનો કડક આદેશ કર્યો છે.

શું છે સમગ્ર મામલો?

નવી મુંબઈમાં રહેતા એક વકીલે જુલાઈ 2024 માં 96,997 રૂપિયા આપીને ઓલા ઇલેક્ટ્રિકનું એક નવું સ્કૂટર ખરીદ્યું હતું. પરંતુ ડિલિવરીના માત્ર 2 દિવસ બાદ જ્યારે તેમણે પહેલી લાંબી રાઇડ લીધી, ત્યારે જ સ્કૂટરમાં ખામીઓ દેખાવા લાગી. એક્સેલરેશનમાં તકલીફ થવા લાગી અને ટ્રાફિક વચ્ચે સ્કૂટર વારંવાર બંધ પડવા લાગ્યું.

સૌથી મોટી સમસ્યા 29 ઓગસ્ટ 2024 ના રોજ સર્જાઈ. આ દિવસે સ્કૂટરની બેટરી માત્ર 500 મીટર ચાલ્યા પછી 21% થી સીધી 3% પર આવી ગઈ અને સ્કૂટર અચાનક રસ્તા વચ્ચે ઊભું રહી ગયું. ગ્રાહકનું કહેવું છે કે આ અચાનક આવેલી ખામીના કારણે મોટો અકસ્માત પણ થઈ શક્યો હોત.

કંપનીની બેદરકારી અને સોશિયલ મીડિયા પર ફરિયાદ


ગ્રાહકે કંપનીને વારંવાર ઇમેઇલ અને વોટ્સએપ મેસેજ કર્યા, છતાં કોઈ જવાબ ન મળ્યો. આખરે કંટાળીને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ફરિયાદ કરી, ત્યારે જઈને કંપનીએ જવાબ આપ્યો. કંપનીએ રિપેરિંગ માટે સ્કૂટર તો લીધું, પણ મહિનાઓ સુધી ગ્રાહકને પાછું ન આપ્યું.

વીમા કંપનીએ પણ જણાવ્યું કે સ્કૂટર નક્કી કરેલા ગેરેજમાં પહોંચ્યું જ નહોતું. કંટાળીને ગ્રાહકે આયોગમાં ફરિયાદ કરી. જ્યારે ગ્રાહક સુરક્ષામાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે જ કંપનીએ સ્કૂટર પાછું આપ્યું, પણ તે ગંદી હાલતમાં હતું અને તેના પર ઘણા સ્ક્રેચ પડેલા હતા.

ગ્રાહક પંચનો કડક આદેશ અને દંડ

થાણેના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને આ મામલે કડક વલણ અપનાવ્યું છે. કમિશને બેટરીની સમસ્યા, વાહનનું લોકેશન અપડેટ ન કરવું અને મહિનાઓ સુધી સ્કૂટર પોતાના કબજામાં રાખવાને 'સેવામાં ગંભીર ખામી' અને અયોગ્ય વ્યાપારી રીતભાત ગણાવી છે. આયોગે કંપનીને આદેશ આપ્યો છે કે:

ગ્રાહકને સમાન સ્પેસિફિકેશનવાળું એક નવું સ્કૂટર આપવામાં આવે અથવા 96,997 રૂપિયાની પૂરી રકમ 6% વાર્ષિક વ્યાજ સાથે પરત કરવામાં આવે. ગ્રાહકને થયેલી માનસિક પીડા માટે 20,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. કેસ લડવાના ખર્ચ પેટે 15,000 રૂપિયા અલગથી આપવા.

કંપની કોર્ટમાં હાજર જ ન થઈ

આશ્ચર્યની વાત એ છે કે, ઓલા ઇલેક્ટ્રિક તરફથી કોઈ પણ પ્રતિનિધિ કોર્ટમાં હાજર રહ્યો નહોતો અને કોઈ લેખિત ખુલાસો પણ જમા કરાવ્યો નહોતો. કંપનીની આ બેદરકારીને જોતા ગ્રાહક પંચે આ મામલે એકતરફી ચુકાદો સંભળાવીને ગ્રાહકને ન્યાય અપાવ્યો છે.

આ પણ વાંંચો-PM Modi Mann Ki Baat: મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે 4.26 લાખ ભારતીયોની સુરક્ષિત ઘરવાપસી, પીએમ મોદીએ ખાડી દેશોનો માન્યો આભાર

MoneyControl News

MoneyControl News

First Published: Mar 29, 2026 3:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.