Iran Protests: ઈરાનની કરન્સી રિયાલ ઐતિહાસિક રીતે તૂટતા દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. 1 ડૉલરની કિંમત 14 લાખ રિયાલ સુધી પહોંચતા મોંઘવારી બેકાબૂ બની છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને બજારો સજ્જડ બંધ છે. વાંચો ઈરાનની વર્તમાન સ્થિતિ વિશે વિગતે.
અમેરિકન ડૉલરની સામે રિયાલ ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચતા લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.
Iran Protests: ઈરાનમાં હાલ સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. દેશનું અર્થતંત્ર ડામાડોળ થતા સામાન્ય જનતા રસ્તા પર ઉતરી આવી છે. ઈરાનની કરન્સી 'રિયાલ'માં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. હાલત એવી છે કે 1 અમેરિકન ડૉલરની સામે ઈરાની રિયાલની કિંમત 14 લાખ સુધી પહોંચી ગઈ છે. આ આર્થિક સંકટને કારણે ઈરાનના મોટા શહેરોમાં લોકો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને બજારો બંધ પાડી દીધા છે.
બજારો બંધ અને પોલીસ સાથે ઘર્ષણ
અમેરિકન ડૉલરની સામે રિયાલ ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચતા લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. મધ્ય ઈરાનના ઇસ્ફહાન, દક્ષિણના શિરાજ અને ઉત્તર-પૂર્વના મશહદ જેવા મોટા શહેરોમાં વિશાળ રેલીઓ અને સરઘસો કાઢવામાં આવ્યા હતા. પાટનગર તેહરાનમાં પણ સ્થિતિ તંગ છે. અહીં પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
આ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે એક મોટી ઘટના બની છે. ઈરાનની સેન્ટ્રલ બેંક (જેને 'બેંક મરકજી' પણ કહેવાય છે)ના વડા મોહમ્મદ રઝા ફરજિને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
2022 પછીનું સૌથી મોટું આંદોલન
વર્ષ 2022માં મહસા અમીનીના મૃત્યુ બાદ ઈરાનમાં જે મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા, ત્યારપછીનું આ સૌથી મોટું જનઆંદોલન માનવામાં આવે છે. વેપારીઓએ સોમવારે પોતાની દુકાનો બંધ રાખી હતી અને અન્ય લોકોને પણ સાથ આપવા અપીલ કરી હતી. ઘણી જગ્યાએ કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું.
રાષ્ટ્રપતિએ કહ્યું- લોકોની વાત સાંભળો
વધતા વિરોધને જોઈને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને પોતાની સરકારને લોકોની સાચી માંગણીઓ સાંભળવા કહ્યું છે. તેમણે ગૃહમંત્રીને સૂચના આપી છે કે તેઓ પ્રદર્શનકારીઓના પ્રતિનિધિઓ સાથે વાત કરે, જેથી સરકાર સમસ્યાનો ઉકેલ લાવી શકે અને જવાબદારીપૂર્વક પગલાં ભરી શકે.
કેમ ભડકી છે ઈરાનની જનતા?
લોકોના ગુસ્સાનું મુખ્ય કારણ મોંઘવારી અને કરન્સીનું ધોવાણ છે. થોડા દિવસો પહેલા 1 ડૉલરની કિંમત 14 લાખ 20 હજાર રિયાલ સુધી પહોંચી ગઈ હતી. જોકે, સોમવારે થોડા સુધારા સાથે તે 13 લાખ 80 હજાર રિયાલ પ્રતિ ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. રૂપિયો નબળો પડતા ખાણી-પીણી અને રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બન્યું છે.
પેટ્રોલના ભાવ અને ટેક્સ વધારાનો ડર
આર્થિક સંકટની સાથે સાથે સરકારે પેટ્રોલના ભાવ અને નિયમોમાં પણ ફેરફાર કર્યા છે, જેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ઈરાનમાં પેટ્રોલ ખરીદી માટે 3 લેવલની સિસ્ટમ લાગુ કરાઈ છે:
લેવલ 3: તેનાથી વધુ પેટ્રોલ જોઈતું હોય તો 50,000 રિયાલ પ્રતિ લીટર ચૂકવવા પડશે.
આ ઉપરાંત, સમાચાર છે કે સરકાર 21 માર્ચથી શરૂ થતા નવા વર્ષમાં ટેક્સ વધારવાની તૈયારીમાં છે. સરકાર વેલ્યુ એડેડ ટેક્સ (VAT) 10% થી વધારીને 12% કરવા વિચારી રહી છે. આ સમાચારને કારણે લોકોમાં વધુ ગભરાટ ફેલાયો છે.
ટ્રમ્પ અને પરમાણુ ડીલનો ઈતિહાસ
ઈરાનની આ હાલત માટે ભૂતકાળના નિર્ણયો પણ જવાબદાર છે. 2015માં જ્યારે પરમાણુ કરાર (Nuclear Deal) થયો ત્યારે 1 ડૉલરનો ભાવ માત્ર 32,000 રિયાલ હતો. પરંતુ 2018 માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને આ ડીલમાંથી બહાર કાઢી લીધું અને ઈરાન પર ફરી પ્રતિબંધો લાદી દીધા. ત્યારથી ઈરાનની અર્થવ્યવસ્થા સતત તૂટી રહી છે.
નોંધપાત્ર વાત એ છે કે, 1979 ની ઇસ્લામિક ક્રાંતિમાં જે વેપારીઓએ હાલની શાસન વ્યવસ્થાને સત્તા પર લાવવામાં મદદ કરી હતી, આજે તે જ વેપારીઓ સરકારની નીતિઓ સામે રસ્તા પર ઉતર્યા છે.