PM Modi: પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે PM મોદીનું સંસદમાં મોટું નિવેદન: '3.75 લાખ ભારતીયો સુરક્ષિત પરત ફર્યા, દેશવાસીઓની સલામતી સૌથી મોટી પ્રાથમિકતા'
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ પર PM મોદીએ લોકસભામાં સંબોધન કર્યું. 3.75 લાખ ભારતીયો સુરક્ષિત પરત ફર્યા, 24x7 હેલ્પલાઈન ચાલુ, તેલ-ગેસ સપ્લાય અંગે સરકાર સજાગ.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ મુદ્દે સંસદમાંથી એકજૂટ અને સ્પષ્ટ સંદેશ દુનિયા સુધી પહોંચવો ખૂબ જ જરૂરી છે.
PM Modi: પશ્ચિમ એશિયામાં છેલ્લા 23 દિવસથી ચાલી રહેલા યુદ્ધે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના આ સંઘર્ષની અસર હવે ભારત પર પણ સીધી પડી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં વિસ્તૃત નિવેદન આપ્યું, જેમાં તેમણે ભારતીયોની સુરક્ષા, તેલ-ગેસ સપ્લાય અને દેશ સામેની ચુનોતીઓ અંગે મહત્ત્વની જાણકારી આપી.
PM મોદીએ સંસદમાં શું કહ્યું?
પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં પોતાના સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે, "હું આ સદનમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભારત પર તેની અસર વિશે વાત રાખવા આવ્યો છું. આ સમયે ત્યાંના હાલાત ચિંતાજનક છે." તેમણે જણાવ્યું કે આ સંકટને 3 અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે અને લોકોના જીવન પર તેની વિપરીત અસર પડી રહી છે. સમગ્ર દુનિયા તમામ પક્ષોને જલ્દી ઉકેલ લાવવા માટે આગ્રહ કરી રહી છે.
3.75 લાખ ભારતીયો સુરક્ષિત દેશ પરત ફર્યા
PM મોદીએ સૌથી મહત્ત્વની જાણકારી આપતાં કહ્યું કે સંકટની આ ઘડીમાં ભારતીયોની સુરક્ષા સરકારની સૌથી મોટી પ્રાથમિકતા રહી છે. અત્યાર સુધીમાં 3 લાખ 75 હજાર ભારતીયો સુરક્ષિત રીતે દેશ પરત ફર્યા છે. એકલા ઈરાનમાંથી જ 1 લાખ ભારતીયોને સલામત રીતે પાછા લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, 700 થી વધુ ભારતીય યુવાનો જે ત્યાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા, તેમને પણ સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે.
#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "We must face every challenge with patience, restraint, and a calm mind. This is our identity, this is our strength. We must also be very careful and vigilant. Those who seek to exploit the situation will try… pic.twitter.com/WvvvGldhTd
PM મોદીએ સદનને જાણ કરી કે યુદ્ધના સમયગાળા દરમિયાન ભારતમાં તેમજ અન્ય દેશોમાં 24 કલાક, 7 દિવસ હેલ્પલાઈન સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ સદનને જરૂરી માહિતી આપી હોવાનું PM મોદીએ ઉલ્લેખ કર્યો. ત્યાં હાજર દરેક ભારતીયને મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
તેલ-ગેસ સપ્લાય અંગે સરકાર સજાગ
પશ્ચિમ એશિયા ભારત માટે ઊર્જા સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનું ક્ષેત્ર છે, કારણ કે દેશની કાચા તેલ અને ગેસની મોટા ભાગની જરૂરિયાત અહીંથી જ પૂરી થાય છે. PM મોદીએ જણાવ્યું કે આજે ભારત પાસે 65 લાખ મેટ્રિક ટનના રિઝર્વની વ્યવસ્થા પર કામ ચાલુ છે. સરકાર અલગ-અલગ દેશોના સપ્લાયર્સ સાથે સતત સંપર્કમાં છે અને જ્યાંથી પણ સપ્લાય શક્ય હોય ત્યાંથી તે ચાલુ રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.
ભારત સામેના મુખ્ય પડકારો
PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ યુદ્ધ ભારત માટે અનેક ચુનોતીઓ લઈને આવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતના એવા દેશો સાથે મજબૂત વ્યાપારિક સંબંધો છે જે આ યુદ્ધમાં સીધા સામેલ છે અથવા તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. આ સાથે કાચા તેલ અને ગેસનો મોટો હિસ્સો આ જ ક્ષેત્રમાંથી આવે છે, જેના પર સીધી અસર પડી રહી છે. આ સાથે ખાડી દેશોમાં લગભગ 1 કરોડ ભારતીયો રહે છે અને કામ કરે છે, જેમની સલામતી એક મોટો પ્રશ્ન છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. ક્ષેત્રમાંથી અનેક વ્યાપારિક જહાજો પસાર થાય છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય ક્રૂ સભ્યો પણ હોય છે.
સંસદમાંથી એકજૂટ સંદેશ જરૂરી
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ મુદ્દે સંસદમાંથી એકજૂટ અને સ્પષ્ટ સંદેશ દુનિયા સુધી પહોંચવો ખૂબ જ જરૂરી છે. દેશની અંદરના રાજકીય મતભેદોથી ઉપર ઊઠીને રાષ્ટ્રીય હિતમાં સૌએ સાથે મળીને બોલવું જોઈએ, તેવો સૂર PM મોદીના સંબોધનમાં સ્પષ્ટ દેખાયો.
CCS બેઠકમાં જમાખોરી-કાળાબજાર સામે સખ્ત વલણ
આ સંબોધન પહેલાં રવિવારે PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની બેઠક મળી હતી. આ બેઠકમાં PM મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે દેશમાં જમાખોરી અને કાળાબજાર કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. સરકારે આ દિશામાં કડક પગલાં ભરવાની તૈયારી દર્શાવી છે.
વિપક્ષની માગ અને સરકારનું વલણ
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધ બાદ વિપક્ષ સતત સંસદમાં ચર્ચાની માગ કરતું આવ્યું છે. વિપક્ષનો દાવો છે કે દેશમાં ગેસ, તેલ અને ઊર્જાની અછત સર્જાઈ છે. જોકે, કેન્દ્ર સરકારે આ દાવાઓને ફગાવતાં કહ્યું છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે ચાલી રહી છે.
પશ્ચિમ એશિયાની આ કટોકટી ક્યારે સમાપ્ત થશે તે હજુ અનિશ્ચિત છે. ભારત સરકાર એક તરફ ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવાના મિશનમાં લાગેલી છે, તો બીજી તરફ દેશની ઊર્જા જરૂરિયાતો અને આર્થિક સ્થિરતા જાળવવા માટે વૈકલ્પિક સપ્લાય ચેઈન મજબૂત કરવાના પ્રયાસો ચાલુ છે. PM મોદીનું આ સંસદીય નિવેદન એ સ્પષ્ટ સંકેત છે કે સરકાર આ સંકટને ગંભીરતાથી લઈ રહી છે અને દેશવાસીઓના હિતોની રક્ષા માટે દરેક શક્ય કદમ ઉઠાવી રહી છે.