વડોદરામાં PM મોદીનો મેગા શો, 35,000 કરોડની ભેટ આપી, વિરોધીઓ પર કટાક્ષ કરતા કહ્યું- "હવે નારાજ ફૂવાઓને નવું કામ મળી ગયું" | Moneycontrol Gujarati
Get App

વડોદરામાં PM મોદીનો મેગા શો, 35,000 કરોડની ભેટ આપી, વિરોધીઓ પર કટાક્ષ કરતા કહ્યું- "હવે નારાજ ફૂવાઓને નવું કામ મળી ગયું"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં ભવ્ય મેગા શો યોજ્યો. 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં 35,000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી. ફ્રેટ કોરિડોર અને ડબલ એન્જિન વિકાસ પર વાત કરતા વિરોધીઓને 'નારાજ ફૂવા' કહીને કટાક્ષ કર્યો. જાણો પીએમ મોદીના ભાષણની મુખ્ય વાતો.

અપડેટેડ 04:49:13 PM Sep 08, 2026 પર
Story continues below Advertisement
આ મેગા ઈવેન્ટમાં પીએમ મોદીએ દેશ અને ગુજરાતના વિકાસને વેગ આપવા માટે 35,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

PM Modi in Vadodara : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં એક ભવ્ય મેગા શો યોજ્યો છે. 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં પીએમ મોદીને સાંભળવા માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના મેદાનમાં હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી. અહીં તેમનું ખૂબ જ ઉષ્માભર્યું અને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ આજની યુવા પેઢી સાથે સીધો સંવાદ કર્યો હતો અને વિકાસની નવી રૂપરેખા રજૂ કરી હતી.

વડોદરાને 35,000 કરોડ રૂપિયાની ભેટ

આ મેગા ઈવેન્ટમાં પીએમ મોદીએ દેશ અને ગુજરાતના વિકાસને વેગ આપવા માટે 35,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે વડોદરાના નાગરિકોના વખાણ કરતા કહ્યું કે, "મેં ગઈકાલે એક વીડિયો જોયો હતો અને મારી છાતી ગર્વથી પહોળી થઈ ગઈ કે વાહ, આ મારું વડોદરા છે. લોકોએ જે રીતે સ્વચ્છતા અભિયાન ચલાવીને સ્વાગત કર્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે."

'નારાજ ફૂવા' પર જોરદાર કટાક્ષ

પીએમ મોદીએ પોતાના ભાષણમાં વિરોધીઓ પર નિશાન સાધતા મજેદાર ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, મુંબઈના JNPT પોર્ટથી વડોદરા સુધી ડબલ સ્ટેક કન્ટેનર માલગાડી શરૂ કરવામાં આવી છે. આ એક જ માલગાડી 250 જેટલા ટ્રકોનો સામાન એકસાથે લાવી શકે છે. આના પર કટાક્ષ કરતા પીએમએ કહ્યું, "હવે જે 'નારાજ ફૂવાજી' છે, તેઓ બૂમો પાડશે કે હવે આ ટ્રક વાળાઓનું શું થશે? તેઓ ક્યાં જશે? આ નારાજ ફૂવાઓને હવે માત્ર ટીકા કરવાનું નવું કામ મળી ગયું છે."


ફ્રેટ કોરિડોર: ભારતની નવી જીવાદોરી

ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને પીએમ મોદીએ ઝડપથી વિકસતા ભારતની લાઈફલાઈન ગણાવી હતી. 2,800 કિલોમીટરથી વધુ લાંબો આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે. તેમણે જણાવ્યું કે પહેલાના સમયમાં ફાઈલો માત્ર ઓફિસોમાં અટકતી, લટકતી અને ભટકતી રહેતી હતી. પરંતુ હવે કામને ગતિ મળી છે. પહેલા માલગાડીને 100 કિમી કાપતા 6.30 કલાક લાગતા હતા, જે સમય હવે અડધાથી પણ ઓછો થઈ ગયો છે. આજે પૂર્વ અને પશ્ચિમ કોરિડોર પર રોજના 430 થી વધુ માલગાડીઓ દોડી રહી છે.

મેક ઈન ઈન્ડિયા અને મિલિટરી એરક્રાફ્ટ (C-295)

વિકસિત ભારતના સપ્તધારા (સાત સંકલ્પો) મોડલ વિશે વાત કરતા પીએમ મોદીએ ઉત્પાદન પર ભાર મૂક્યો હતો. તેમણે ગર્વ સાથે કહ્યું કે વડોદરા હવે દેશના પહેલા 'મેડ ઈન ઈન્ડિયા' મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-295 માટે પણ ઓળખાઈ રહ્યું છે. આ એરક્રાફ્ટની પહેલી ફ્લાઈટ વડોદરાના આસમાનમાં ઉડી ચૂકી છે. આ શહેર શિક્ષણ, કૌશલ્ય અને ઈન્ડસ્ટ્રીના સમન્વયનું 150 વર્ષ જૂનું ઉત્તમ ઉદાહરણ છે.

આદિવાસી વિસ્તારો સુધી પહોંચી ટ્રેન

વિકાસના કામો માત્ર શહેરો પૂરતા સીમિત નથી રહ્યા. પીએમ મોદીએ જણાવ્યું કે આજે દેશમાં એવી જગ્યાઓએ પણ રેલવે લાઈનો પહોંચી રહી છે જ્યાં દાયકાઓથી કોઈ સુવિધા ન હતી. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અંતરિયાળ આદિવાસી વિસ્તારો હવે રેલવે નેટવર્ક સાથે જોડાઈ રહ્યા છે. આજે આ કાર્યક્રમમાંથી પણ ઘણી નવી ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી છે.

આ પણ વાંચો-મોંઘવારીનો માર: ઓગસ્ટમાં વેજ અને નોન-વેજ થાળી ફરી મોંઘી થઈ, ડુંગળીના ભાવ 43% ઉછળ્યા, જાણો લેટેસ્ટ CRISIL રિપોર્ટ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 08, 2026 4:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.