સ્પેસમાં યુદ્ધની તૈયારી! અમેરિકન સ્પેસ ફોર્સનો મોટો ખુલાસો, પહેલીવાર સ્વીકાર્યું કે અંતરિક્ષમાં પણ હથિયારો કર્યા છે તૈનાત | Moneycontrol Gujarati
Get App

સ્પેસમાં યુદ્ધની તૈયારી! અમેરિકન સ્પેસ ફોર્સનો મોટો ખુલાસો, પહેલીવાર સ્વીકાર્યું કે અંતરિક્ષમાં પણ હથિયારો કર્યા છે તૈનાત

અમેરિકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેણે અંતરિક્ષમાં પણ હથિયારો તૈનાત કર્યા છે. ચીન અને રશિયાના ખતરા વચ્ચે US સ્પેસ ફોર્સનો આ મોટો ખુલાસો છે. જાણો સમગ્ર અહેવાલ.

અપડેટેડ 03:22:59 PM Sep 15, 2026 પર
Story continues below Advertisement
અમેરિકન સ્પેસ ફોર્સના પ્રવક્તાએ જણાવ્યું છે કે, આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિક્ષમાં અમેરિકન સેના સામે દુશ્મનોની કોઈપણ સંભવિત કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવાનો છે.

US Space Force Weapons in Orbit: અંતરિક્ષ હવે માત્ર વૈજ્ઞાનિક શોધો અને સંચાર પૂરતું સીમિત રહ્યું નથી, પરંતુ તે ધીમે ધીમે રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય રણનીતિનો મુખ્ય ભાગ બની ગયું છે. ભવિષ્યમાં સ્પેસ વોરની વધતી આશંકાઓ વચ્ચે અમેરિકાએ એક મોટો અને સત્તાવાર ખુલાસો કર્યો છે. અમેરિકાએ પહેલીવાર જાહેરમાં સ્વીકાર્યું છે કે તેણે અંતરિક્ષની કક્ષામાં પોતાના હથિયારો તૈનાત કર્યા છે.

અમેરિકન સ્પેસ ફોર્સ દ્વારા કરવામાં આવેલી આ પુષ્ટિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આ પહેલા અમેરિકાએ ક્યારેય સ્પેસમાં પોતાની સૈન્ય ક્ષમતાઓ વિશે આટલી સ્પષ્ટ જાણકારી દુનિયાને આપી ન હતી.

અમેરિકન સ્પેસ ફોર્સે શું કહ્યું?

અમેરિકન સ્પેસ ફોર્સના પ્રવક્તાએ જણાવ્યું છે કે, આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિક્ષમાં અમેરિકન સેના સામે દુશ્મનોની કોઈપણ સંભવિત કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવાનો છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અમેરિકા પાસે 'ઓન-ઓર્બિટ સ્પેસ કંટ્રોલ વેપન્સ' હાજર છે. આ હથિયારોની મદદથી અંતરિક્ષમાં દુશ્મનો પર નિયંત્રણ મેળવી શકાય છે. આ માટે કાઇનેટિક અને નોન-કાઇનેટિક એમ બંને પ્રકારના સાધનોનો ઉપયોગ થઈ શકે છે. જોકે, સુરક્ષાના કારણોસર તેમણે આ હથિયારોની સંખ્યા કે તેના લોકેશન વિશે કોઈ માહિતી આપી ન હતી.

ચીન અને રશિયા સૌથી મોટો પડકાર


અંતરિક્ષમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે અત્યારે દેશો વચ્ચે મોટી હોડ જામી છે. અમેરિકા માટે આ ક્ષેત્રમાં ચીન અને રશિયા સૌથી મોટા પ્રતિસ્પર્ધી છે. અમેરિકાના આકલન મુજબ, ચીન પોતાની સૈન્ય તાકાત વધારવા માટે અંતરિક્ષ અને કાઉન્ટર-સ્પેસ ક્ષમતાઓનો ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. રશિયા અંતરિક્ષને ભવિષ્યના યુદ્ધના મેદાન તરીકે જુએ છે. તેનું માનવું છે કે આવનારા સમયમાં કોઈપણ યુદ્ધમાં અંતરિક્ષ પર જેનો કબ્જો હશે, તેની જ જીત થશે. આ જ કારણ છે કે, આ બંને દેશોને કાઉન્ટર કરવા અમેરિકા સ્પેસમાં પોતાની મિલિટ્રી તાકાત વધારી રહ્યું છે.

સ્પેસ રેસ અને 1967 ની અંતરિક્ષ સંધિ

અંતરિક્ષમાં સૈન્ય ઉતારવાની શરૂઆત 1957માં સોવિયત સંઘદ્વારા 'સ્પુતનિક' લોન્ચ કરવા સાથે જ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્પેસમાં પરમાણુ હથિયારો તૈનાત થવાના ડરથી 1967 માં 'આઉટર સ્પેસ ટ્રીટી' અસ્તિત્વમાં આવી.

આ સંધિ પર અમેરિકા અને રશિયા સહિત અનેક દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ મુજબ, અંતરિક્ષમાં 'સામૂહિક વિનાશના હથિયારો' રાખવા પર પ્રતિબંધ છે. પરંતુ, અમેરિકા, રશિયા, ચીન અને ભારત જેવા દેશોએ એવી ટેકનોલોજી વિકસાવી લીધી છે જે આ સંધિના નિયમોની બહાર રહીને દુશ્મનના ઉપગ્રહોને નિશાન બનાવી શકે છે.

આ ખુલાસો અત્યારે કેમ મહત્વનો છે?

આધુનિક યુદ્ધમાં સેટેલાઇટની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સૈન્ય સંચાર, જાસૂસી અને નેવિગેશન સંપૂર્ણપણે સેટેલાઇટ પર નિર્ભર છે. જો દુશ્મન દેશના સેટેલાઇટને પાડી દેવામાં આવે તો તેની અડધી તાકાત ખતમ થઈ જાય છે. અત્યારે જ્યારે દુનિયામાં રશિયા-યુક્રેન અને અમેરિકા-ઈરાન વચ્ચે ભારે તંગદિલી અને યુદ્ધ ચાલી રહ્યા છે, ત્યારે અમેરિકા દ્વારા સ્પેસમાં હથિયારો હોવાની આ કબૂલાત દુનિયા માટે એક મોટો ચેતવણીરૂપ સંકેત છે.

આ પણ વાંચો-RBIનો સાયબર ફ્રોડ સામે મોટો પ્રહાર, શંકાસ્પદ 'મની મ્યૂલ' ખાતામાંથી 20 દિવસ સુધી પૈસા નહીં ઉપાડી શકાય

MoneyControl News

MoneyControl News

First Published: Sep 15, 2026 3:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.