RBIનો સાયબર ફ્રોડ સામે મોટો પ્રહાર, શંકાસ્પદ 'મની મ્યૂલ' ખાતામાંથી 20 દિવસ સુધી પૈસા નહીં ઉપાડી શકાય
સાયબર ફ્રોડ રોકવા માટે RBI એ કડક ડ્રાફ્ટ માર્ગદર્શિકા તૈયાર કરી છે. હવે શંકાસ્પદ 'મની મ્યૂલ' બેન્ક ખાતાઓમાંથી 20 દિવસ સુધી નાણાં ઉપાડવા પર પ્રતિબંધ લાગશે.
જો ગ્રાહક પોતાના ખાતામાં આવેલા પૈસા અંગે યોગ્ય ખુલાસો નહીં આપે, તો બેન્ક તેના વ્યવહારો પર રોક લગાવી દેશે. સંતોષકારક ખુલાસો મળ્યા પછી જ ખાતું ફરીથી એક્ટિવ કરવામાં આવશે.
RBI Cyber Fraud Guidelines : દેશમાં સતત વધી રહેલા સાયબર ફ્રોડના કિસ્સાઓને ડામવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કમર કસી છે. સુપ્રીમ કોર્ટના 4 ઓગસ્ટના આદેશ બાદ, આરબીઆઈએ એક નવી ડ્રાફ્ટ માર્ગદર્શિકા રજૂ કરી છે. આ નવા નિયમ મુજબ, જો કોઈ બેન્ક ખાતું સાયબર ફ્રોડમાં વપરાતું હોવાની શંકા જશે (જેને 'મની મ્યૂલ' એકાઉન્ટ કહેવાય છે), તો તેમાંથી 20 દિવસ સુધી પૈસા ઉપાડી શકાશે નહીં.
જો ગ્રાહક પોતાના ખાતામાં આવેલા પૈસા અંગે યોગ્ય ખુલાસો નહીં આપે, તો બેન્ક તેના વ્યવહારો પર રોક લગાવી દેશે. સંતોષકારક ખુલાસો મળ્યા પછી જ ખાતું ફરીથી એક્ટિવ કરવામાં આવશે.
કયા વ્યવહારો પર લાગશે રોક?
બેન્કોની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સિસ્ટમ્સ હવે શંકાસ્પદ વ્યવહારો પર નજર રાખશે. 1000 રૂપિયા કે તેથી વધુના એવા વ્યવહારો, જે ગ્રાહકની સામાન્ય પ્રોફાઇલ કરતા અલગ લાગતા હોય, તેને શંકાસ્પદ ગણવામાં આવશે. અગાઉ જે ખાતાઓ ફ્રોડ કે 'મની મ્યૂલ' તરીકે પકડાયા હોય, તેની સાથે જોડાયેલા વ્યવહારો પર બેન્કોએ તાત્કાલિક અસ્થાયી ડેબિટ હોલ્ડ લગાવવો પડશે.
ખાતેદાર અને બેન્ક માટે શું છે સમયમર્યાદા?
આરબીઆઈના પ્રસ્તાવ મુજબ, આ પ્રક્રિયા માટે કડક સમયમર્યાદા નક્કી કરાઈ છે. ખાતાધારકને પોતાના વ્યવહાર અંગે લેખિતમાં ખુલાસો કરવા માટે 20 દિવસનો સમય આપવામાં આવશે. ગ્રાહકનો ખુલાસો મળ્યા બાદ બેન્કે 10 દિવસની અંદર નિર્ણય લેવો પડશે. જો ગ્રાહક કોઈ જવાબ ન આપે, તો બેન્કે 30 દિવસમાં નિર્ણય લેવાનો રહેશે. જો ખુલાસો સાચો લાગશે, તો તાત્કાલિક હોલ્ડ હટાવી લેવાશે.
જો ખુલાસો સંતોષકારક ન હોય તો શું થશે?
જો બેન્ક ગ્રાહકના ખુલાસાથી સંતુષ્ટ ન થાય, તો એકાઉન્ટ પરનો હોલ્ડ ચાલુ રહેશે. ત્યારબાદ બેન્કે 'નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ' મારફતે પોલીસને જાણ કરવી પડશે. જો 30 દિવસમાં પોલીસ કે તપાસ એજન્સી તરફથી કોઈ સૂચના ન મળે, તો 31મા દિવસે હોલ્ડ હટાવવો પડશે. જોકે, પોલીસ સૂચના વિના મહત્તમ હોલ્ડ 60 દિવસ સુધી જ રાખી શકાશે.
બેન્કોની જવાબદારી અને કડક જોગવાઈઓ
બેન્કોએ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શંકાસ્પદ વ્યવહારોને ઓળખવા પડશે. આવા કેસોનો રિપોર્ટ 'ફાઈનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયા' ને આપવો પડશે. જો બેન્ક રિપોર્ટ નહીં આપે, તો તેને KYC ના નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. બેન્કોએ આવા કેસો અને પત્રવ્યવહારનો રેકોર્ડ ખાતું બંધ થયા પછી પણ 10 વર્ષ સુધી સાચવવો પડશે. ગ્રાહકોની ફરિયાદ માટે નોડલ અધિકારીની નિમણૂક કરવી પડશે, જેણે 30 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવાનો રહેશે.
બેન્ક અધિકારીઓની મિલીભગતનો મોટો આરોપ
બીજી તરફ એવી પણ ગંભીર ચર્ચાઓ છે કે, બેન્કોમાં બોગસ ખાતા ખુલવા પાછળ બેન્ક અધિકારીઓની ફ્રોડ કરનારાઓ સાથેની મિલીભગત જવાબદાર છે. KYC ના કડક નિયમો હોવા છતાં થર્ડ પાર્ટી એકાઉન્ટ ખુલી જાય છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ, વર્તમાન સિસ્ટમ એટલી મજબૂત છે કે જો બ્રાન્ચ મેનેજરને જવાબદાર ઠેરવીને ફ્રોડ થવા પર તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે, તો સાયબર ફ્રોડ તરત બંધ થઈ શકે. એવો પણ આક્ષેપ છે કે માત્ર નવા કાયદા બનાવવાની વાતો થાય છે, પરંતુ જ્યાં સુધી સિસ્ટમમાં રહેલા છીંડાઓ અને મિલીભગત બંધ નહીં થાય, ત્યાં સુધી ગ્રાહકોના પૈસા સુરક્ષિત નથી.