Kanwar Yatra 2026: કાવડ યાત્રાને લઈને દિલ્હીમાં કડકાઈ, MCDનો માંસની દુકાનો બંધ કરાવવાનો મોટો આદેશ | Moneycontrol Gujarati
Get App

Kanwar Yatra 2026: કાવડ યાત્રાને લઈને દિલ્હીમાં કડકાઈ, MCDનો માંસની દુકાનો બંધ કરાવવાનો મોટો આદેશ

કાવડ યાત્રા 2026 ની શરૂઆત થતા જ દિલ્હી MCD એ યાત્રાના રૂટ પર આવેલી માંસની તમામ ગેરકાયદે દુકાનો બંધ કરવાનો કડક આદેશ આપ્યો છે. 4 કરોડથી વધુ કાવડિયાઓ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ.

અપડેટેડ 11:23:57 AM Jul 30, 2026 પર
Story continues below Advertisement
MCD એ પોતાના તમામ 12 ઝોનના અધિકારીઓને કડક સૂચના આપી છે કે કાવડ યાત્રાના રૂટ અને કાવડ કેમ્પોની આસપાસ ચાલતી માંસની તમામ ગેરકાયદેસર દુકાનોને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે.

Kanwar Yatra 2026: શ્રાવણ માસની શરૂઆત થતાં જ વિશ્વની સૌથી મોટી ધાર્મિક યાત્રાઓમાંની એક એવી પવિત્ર 'કાવડ યાત્રા' નો ગુરુવાર, 30 જુલાઈથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આ યાત્રા દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કરોડો શિવભક્તો પવિત્ર ગંગાજળ લેવા માટે ઉત્તરાખંડના હરિદ્વાર અને આસપાસના વિસ્તારોમાં ઉમટી પડશે. આ યાત્રાને ધ્યાનમાં રાખીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનએ કેટલાક અત્યંત કડક અને મહત્વના પગલાં લીધા છે.

દિલ્હીના 12 ઝોનમાં માંસની દુકાનો પર કાર્યવાહીના આદેશ

MCD એ પોતાના તમામ 12 ઝોનના અધિકારીઓને કડક સૂચના આપી છે કે કાવડ યાત્રાના રૂટ અને કાવડ કેમ્પોની આસપાસ ચાલતી માંસની તમામ ગેરકાયદેસર દુકાનોને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે. આટલું જ નહીં, જે દુકાનો પાસે લાયસન્સ છે, તેમનું પણ ચેકિંગ કરવામાં આવશે.

જો કોઈ લાયસન્સ ધરાવતી દુકાન નિયમોનું ઉલ્લંઘન કરતી પકડાશે, તો તેની સામે પણ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશની રાજધાની દિલ્હીમાં 30 જુલાઈથી લઈને 11 ઓગસ્ટ સુધી 308 જેટલા 'કાવડ કેમ્પ' લગાવવામાં આવશે. આ યાત્રા શરૂ થતા પહેલા જ MCD એ તમામ જરૂરી સિવિલ વ્યવસ્થાઓ પૂર્ણ કરવાના નિર્દેશ આપ્યા છે.

દબાણ હટાવવા અને સાફ-સફાઈના નિર્દેશ


MCD ના ઓફિસ મેમોરેન્ડમ મુજબ, તમામ ઝોનલ ડેપ્યુટી કમિશનરોને કેમ્પ સાઈટની આસપાસથી તમામ પ્રકારના દબાણો હટાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

કેમ્પની જગ્યા અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે સફાઈ ઝુંબેશ ચલાવવાનો આદેશ અપાયો છે. ઉગી નીકળેલું ઘાસ-કચરો હટાવવા અને નિયમિત કચરો ઉપાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.યાત્રા દરમિયાન 24 કલાક સફાઈ જળવાઈ રહે તે માટે સફાઈ કામદારો અને મશીનરી 3 શિફ્ટમાં કામ કરશે.

4 કરોડથી વધુ કાવડિયાઓ હરિદ્વાર પહોંચવાની અપેક્ષા

અખાડા પરિષદ અને મનસા દેવી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત રવિન્દ્રપુરીએ જણાવ્યું હતું કે, ભગવાન શિવને જળ અત્યંત પ્રિય છે, તેથી શિવભક્તો સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને હરિદ્વારથી ગંગાજળ લઈ જાય છે અને પોતાના ગામ કે શહેરના શિવાલયોમાં જળાભિષેક કરે છે.

લગભગ પંદર દિવસ ચાલનારી આ યાત્રામાં 4 કરોડથી વધુ કાવડિયાઓ હરિદ્વાર પહોંચે તેવો અંદાજ છે. આ ભીડને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને વહીવટી તંત્રે તેમની સુરક્ષા અને સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. અન્ય રાજ્યોના અધિકારીઓ સાથે પણ સંકલન સાધવામાં આવ્યું છે.

પ્રથમવાર 'સાયબર કમાન્ડો' ની થશે તૈનાતી

હરિદ્વારના SSP નવનીત સિંહે જણાવ્યું છે કે, યાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા અન્ય જિલ્લાઓમાંથી વધારાનો પોલીસ કાફલો તૈનાત કરાયો છે.સૌથી મોટી વાત એ છે કે, કાવડ મેળા દરમિયાન અફવાઓ અને ખોટી માહિતી ફેલાતી રોકવા માટે પહેલીવાર સોશિયલ મીડિયા પર 'સાયબર કમાન્ડો' નજર રાખશે. આ કમાન્ડો સામાન્ય ભ્રામક વીડિયોને 36 કલાકમાં અને AI થી બનાવેલા ફેક વીડિયોને માત્ર 3 કલાકની અંદર ડિલીટ કરાવવાની કાર્યવાહી કરશે. આ ઉપરાંત, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેને કાવડ યાત્રાના રૂટથી તદ્દન અલગ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો-આજે મેઘરાજા મચાવશે કહેર: MP-મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ, ગુજરાત અને દિલ્હી સહિત 24 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

MoneyControl News

MoneyControl News

First Published: Jul 30, 2026 11:23 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.