NATOમાં જોડાવાનો વિચાર પડતો મૂકશે યુક્રેન? ઝેલેન્સકીએ કરી મોટી જાહેરાત, શાંતિ માટે મૂકી આકરી શરતો
Ukraine-Russia War: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ NATO સભ્યપદ અંગે મોટો ખુલાસો કર્યો છે. જાણો કેમ તેઓ આ મોટો નિર્ણય લેવા તૈયાર છે અને રશિયા સામે શાંતિ સ્થાપવા માટે અમેરિકા સમક્ષ કઈ નવી શરતો મૂકી છે.
આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક મોટું નિવેદન આપ્યું છે, જેનાથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
Ukraine-Russia War: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે ફરી એકવાર રાજદ્વારી સ્તરે પ્રયાસો તેજ થયા છે. અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકાફ અને તેમના જમાઈ જેરેડ કુશનર બર્લિન પહોંચી ગયા. અહીં તેઓ જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સહિત અન્ય યુરોપિયન નેતાઓ સાથે મુલાકાત કરશે. આ બેઠકનો મુખ્ય હેતુ યુદ્ધનો અંત લાવવાનો છે.
ઝેલેન્સકીએ બદલ્યું પોતાનું વલણ
આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક મોટું નિવેદન આપ્યું છે, જેનાથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. ઝેલેન્સકીએ સંકેત આપ્યા છે કે જો યુક્રેનને પશ્ચિમી દેશો તરફથી સુરક્ષાની મજબૂત ગેરંટી મળે, તો તેઓ NATO સૈન્ય ગઠબંધનમાં જોડાવાની પોતાની જૂની માંગ છોડી શકે છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે, "અમે રશિયાથી સુરક્ષા માટે NATOમાં જોડાવા માંગતા હતા, પરંતુ અમેરિકા અને યુરોપના કેટલાક સહયોગી દેશો આ મામલે સંપૂર્ણ સમર્થન આપી રહ્યા નથી. તેથી, બદલાયેલી પરિસ્થિતિમાં અમે સમાધાન માટે તૈયાર છીએ."
શાંતિ માટે ઝેલેન્સકીની મુખ્ય શરતો:
ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ શાંતિ તો ઈચ્છે છે, પરંતુ તે "સન્માનજનક શાંતિ" હોવી જોઈએ. તેમની મુખ્ય શરતો નીચે મુજબ છે:
સુરક્ષાની ગેરંટી: યુક્રેન NATOમાં જોડાવાની માંગ છોડી દેશે, પરંતુ તેના બદલામાં અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ યુક્રેનની સુરક્ષાની ગેરંટી આપવી પડશે. આ ગેરંટી હેઠળ ભવિષ્યમાં રશિયાના હુમલાઓથી બચવા માટે યુક્રેનની ધરતી પર પશ્ચિમી દેશોના સૈનિકો તૈનાત કરવામાં આવે. જોકે, આ શરત રશિયાને ક્યારેય સ્વીકાર્ય નથી.
જમીન નહીં આપવાની શરત: ઝેલેન્સકી કોઈ પણ સંજોગોમાં યુક્રેનની જમીન રશિયાને આપવાના પક્ષમાં નથી. તેઓ યુદ્ધના મોરચાઓની વર્તમાન સ્થિતિના આધારે શાંતિ કરાર કરવા તૈયાર છે.
રશિયાની શું માંગ છે?
બીજી તરફ, રશિયાની માંગ અલગ છે. રશિયા ડોનેસ્ક અને લુહાન્સ્ક (જેને સંયુક્ત રીતે ડોનબાસ કહેવાય છે) પ્રાંતો પર સંપૂર્ણ નિયંત્રણ ઈચ્છે છે. હાલમાં, ડોનેસ્કના લગભગ 80% વિસ્તાર અને લુહાન્સ્કના મોટાભાગના વિસ્તાર પર રશિયાનો કબજો છે. રશિયા ઈચ્છે છે કે યુક્રેન આ વિસ્તારોમાંથી પોતાની સેના સંપૂર્ણપણે હટાવી લે.
ઝેલેન્સકીએ આરોપ લગાવ્યો છે કે રશિયા શાંતિ માટે ગંભીર નથી. તેમણે કહ્યું કે રશિયા સતત યુક્રેનના ઉર્જા પ્લાન્ટ અને પાણી પુરવઠાના કેન્દ્રો પર હુમલા કરી રહ્યું છે, જેના કારણે શિયાળાની કડકડતી ઠંડીમાં લાખો યુક્રેનિયન નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.