BRICS Summit: 7 વર્ષ બાદ શી જિનપિંગની ભારત મુલાકાત, જાણો ચીનના '48 કલાક' ના રહસ્યમય મૌન પાછળની મોટી રણનીતિ
નવી દિલ્હીમાં યોજાનારી 18મી બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત આવી રહ્યા છે. જાણો ચીને છેલ્લી ઘડીએ કેમ કરી જાહેરાત અને શું છે તેની રણનીતિ.
ચીનના મૌનને કારણે એવી અટકળો તેજ બની હતી કે કદાચ જિનપિંગ રૂબરૂ આવવાને બદલે પોતાના કોઈ પ્રતિનિધિને ભારત મોકલશે.
BRICS Summit: નવી દિલ્હીના ભવ્ય ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી 18મી બ્રિક્સ સમિટને લઈને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવીને આખરે ચીને પોતાનું મૌન તોડ્યું છે. શિખર સંમેલનના મુખ્ય કાર્યક્રમની શરૂઆત થવાના માત્ર 48 કલાક પહેલાં જ બેઇજિંગ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી રહ્યા છે. પીએમ મોદીના આમંત્રણ પર 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનારી આ મુલાકાતને લઈને સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, આટલા મોટા કાર્યક્રમ માટે ચીને છેલ્લી ઘડી સુધી રાહ કેમ જોઈ?
ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ જાહેરાતના થોડા કલાકો પહેલા જ બેઇજિંગમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તાએ આ મુલાકાત અંગે કોઈ જ માહિતી ન હોવાનો દાવો કર્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિતના અન્ય વૈશ્વિક નેતાઓની હાજરી અગાઉથી જ નક્કી હતી, પરંતુ ચીનના મૌનને કારણે એવી અટકળો તેજ બની હતી કે કદાચ જિનપિંગ રૂબરૂ આવવાને બદલે પોતાના કોઈ પ્રતિનિધિને ભારત મોકલશે.
7 વર્ષ બાદ ભારતની ઐતિહાસિક મુલાકાત
શી જિનપિંગની આ ભારત મુલાકાત 7 વર્ષ લાંબા સમયગાળા બાદ થઈ રહી છે. અગાઉ તેમણે 2019 માં મહાબલિપુરમમાં યોજાયેલા અનૌપચારિક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ 2020 માં ગલવાન ખીણમાં થયેલા સૈન્ય સંઘર્ષને કારણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ખૂબ જ તંગ રહ્યા હતા. આથી, જિનપિંગની આ મુલાકાત માત્ર બ્રિક્સ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભારત અને ચીનના ભવિષ્યના સંબંધો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
'48 કલાક' ના મૌન પાછળની 5 મુખ્ય રણનીતિ
નિષ્ણાતોના મતે, ચીન દ્વારા છેલ્લી ઘડીએ કરવામાં આવેલી જાહેરાત એ કોઈ તૈયારીઓનો અભાવ નથી, પરંતુ ડ્રેગનની એક સુઆયોજિત રણનીતિનો ભાગ છે. આવો સમજીએ તેના મુખ્ય 5 કારણો.
વાટાઘાટોનો એજન્ડા સેટ કરવો
ચીન હંમેશા પોતાનો એજન્ડા ફાઈનલ થયા પછી જ મોટી જાહેરાતો કરવા માટે જાણીતું છે. એવી પૂરી સંભાવના છે કે સમિટની સાથે જ શી જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે એક અલગ દ્વિપક્ષીય બેઠક યોજાશે. છેલ્લી ઘડી સુધી મૌન રહીને ચીને સરહદ વિવાદ અને વેપાર અસંતુલન જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર મીડિયાનું દબાણ ટાળીને પોતાનો એજન્ડા નક્કી કરવાનો સમય મેળવી લીધો છે.
બ્રિક્સના મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ન ભટકે
હવે બ્રિક્સ માત્ર 5 દેશોનું ગ્રુપ નથી રહ્યું, પરંતુ તે 11 સભ્યોનું મોટું સંગઠન બની ગયું છે. જેમાં ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા ઉપરાંત ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને UAE પણ જોડાયા છે. ચીન નહોતું ઈચ્છતું કે ભારત-ચીનનો સરહદી વિવાદ આખી સમિટ પર હાવી થઈ જાય અને વેપાર, ડિજિટલ અર્થતંત્ર તથા ઊર્જા જેવા વૈશ્વિક મુદ્દાઓ સાઇડલાઇન થઈ જાય.
ચીનનો ખાસ પ્રોટોકોલ
પશ્ચિમી દેશો મોટાભાગે પ્રવાસના મહિનાઓ પહેલા જ તારીખો જાહેર કરી દે છે, પરંતુ ચીનની નીતિ અલગ છે. અગાઉ દક્ષિણ અમેરિકા અને મધ્ય એશિયાની મુખ્ય પરિષદોમાં પણ બેઇજિંગે છેલ્લી ઘડીએ જ જાહેરાત કરી હતી.
કડક સુરક્ષા વ્યવસ્થા
ચીની રાષ્ટ્રપતિની આસપાસ સુરક્ષા કવચ અત્યંત કડક હોય છે. ચીનનું રાષ્ટ્રીય મીડિયા હવાઈ મુસાફરી, રહેઠાણ, પરિવહન અને તમામ ગ્રાઉન્ડ સુરક્ષા વ્યવસ્થાની 100% ખાતરી થયા પછી જ સત્તાવાર જાહેરાત કરે છે.
વૈશ્વિક મંચો પર સંતુલન જાળવવું
ચીન SCO અને ગ્લોબલ સાઉથ જેવા અન્ય મંચોમાં પણ ખૂબ સક્રિય છે. કોઈ એક કાર્યક્રમની બહુ વહેલી જાહેરાત કરવાથી ખોટો સંદેશ જઈ શકે છે. અંતિમ સમયે પુષ્ટિ આપીને ચીન એ સાબિત કરવા માંગે છે કે તે માત્ર ભારતના આમંત્રણથી જ નહીં, પરંતુ રશિયા, બ્રાઝિલ અને અન્ય દેશો પ્રત્યેની પોતાની વૈશ્વિક પ્રતિબદ્ધતા નિભાવવા માટે પણ બ્રિક્સમાં આવી રહ્યું છે.