Tariff Harley Davidson: હાર્લે બાઇકના શોખીનો માટે સારા સમાચાર, હવે ઓછી કિંમતે કરી શકશે ખરીદી
Tariff Harley Davidson: આ વાતચીતનું મહત્ત્વ એટલા માટે પણ વધારે છે કે ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી હતી. ટ્રમ્પે 2 એપ્રિલથી જવાબી સીમા શુલ્ક લાગુ કરવાની જાહેરાત કરી છે. આના જવાબમાં ભારત અમેરિકાને રાહત આપવા માટે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યું છે.
Tariff Harley Davidson: હાર્લે-ડેવિડસન બાઇકના શોખીનો માટે એક સારા સમાચાર છે. ભારત અને અમેરિકા વચ્ચે બુધવારથી ત્રણ દિવસની વેપાર સંધિની વાતચીત શરૂ થઈ છે, જેમાં ભારત અમેરિકી પ્રોડક્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાર્લે-ડેવિડસન બાઇક અને અમેરિકી બોર્બન વ્હિસ્કી પર પણ ટેરિફમાં ઘટાડો થઈ શકે છે. આનાથી આ બંને પ્રોડક્ટ્સની કિંમતમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે.
અગાઉ પણ ટેક્સમાં કર્યો હતો ઘટાડો
ભારતમાં હાર્લે-ડેવિડસન બાઇકના ચાહકોની કોઈ કમી નથી, પરંતુ તેની ઊંચી કિંમતને કારણે ઘણા લોકો તેને ખરીદી શકતા ન હતા. હવે આ નવી વેપાર વાતચીતથી તેમનું સપનું સાકાર થઈ શકે છે. આ પહેલાં પણ ભારતે હાર્લે-ડેવિડસન બાઇક પરની ઇમ્પોર્ટ ડ્યુટી 50 ટકાથી ઘટાડીને 40 ટકા કરી હતી, જ્યારે બોર્બન વ્હિસ્કી પરની ડ્યુટી 150 ટકાથી ઘટાડીને 100 ટકા કરવામાં આવી હતી. હવે આ બંને પર વધુ ડ્યુટી ઘટાડવાની યોજના છે, જેનાથી બાઇક અને વ્હિસ્કી વધુ સસ્તી થશે.
આ ઉપરાંત, ભારત ઇલેક્ટ્રિક કાર પર પણ ટેક્સ ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે, જેનો ફાયદો એલન મસ્કની કંપની ટેસ્લાને થશે. ટેસ્લા લાંબા સમયથી ભારતમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે, પરંતુ ઊંચા ટેક્સને કારણે તે અટકી પડી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન બાદ સ્થિતિ બદલાઈ
આ વાતચીતનું મહત્ત્વ એટલા માટે પણ વધારે છે કે ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી હતી. ટ્રમ્પે 2 એપ્રિલથી જવાબી સીમા શુલ્ક લાગુ કરવાની જાહેરાત કરી છે. આના જવાબમાં ભારત અમેરિકાને રાહત આપવા માટે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યું છે.
અનેક દેશો સાથે થઈ છે સમજૂતી
ઉલ્લેખનીય છે કે ભારતે આ પહેલાં સંયુક્ત આરબ અમીરાત (UAE), ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે પણ આવા સમજૂતીઓ કર્યા છે. અમેરિકાએ ઔદ્યોગિક વસ્તુઓ, વાહનો, શરાબ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં વધુ બજાર પ્રવેશની માગણી કરી છે, જ્યારે ભારત કાપડ જેવા શ્રમ-પ્રધાન ક્ષેત્રો માટે શુલ્ક ઘટાડવા પર વિચાર કરી શકે છે.
આ વેપાર વાતચીત ટ્રમ્પની ધમકીના પગલે થઈ રહી છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે માર્ચની શરૂઆતમાં વોશિંગ્ટનની મુલાકાત લીધી હતી અને અમેરિકી વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીઅર તેમજ વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક સાથે ચર્ચા કરી હતી.