Tata Motors નો ડંકો! જાન્યુઆરી 2026 માં વેચાઈ રેકોર્ડબ્રેક 71,066 કાર, Nexon અને Punch ની ધૂમ
ટાટા મોટર્સે 2026 ની શાનદાર શરૂઆત કરી છે. જાન્યુઆરીમાં કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ 71,066 યુનિટ્સનું વેચાણ કરીને 47.1% નો ગ્રોથ નોંધાવ્યો છે. જાણો Nexon અને EV સેગમેન્ટની સ્થિતિ.
ડિસેમ્બર 2025 માં લોન્ચ થયેલી Tata Sierra ની ડિલિવરી જાન્યુઆરી 2026 થી શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં આ નવી કારની જોરદાર ડિમાન્ડ છે.
દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે (Tata Motors) નવા વર્ષ 2026 ની શરૂઆત ધમાકેદાર રીતે કરી છે. જાન્યુઆરી મહિનામાં કંપનીએ વેચાણના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. કંપનીએ જાન્યુઆરી 2026 માં કુલ 71,066 યુનિટ્સ કારનું વેચાણ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ છે. ગયા વર્ષની સરખામણીમાં આ આંકડો 47.1% નો જબરદસ્ત વધારો દર્શાવે છે.
ભારતીય બજારમાં ટાટાનો દબદબો
ઘરેલુ બજારમાં ટાટાની કારોની માંગ સતત વધી રહી છે. આંકડા પર નજર કરીએ તો, ભારતમાં જાન્યુઆરીમાં 70,222 કાર વેચાઈ છે, જે જાન્યુઆરી 2025 માં 48,076 હતી. એટલે કે ઘરેલુ વેચાણમાં 46.1% નો ઉછાળો આવ્યો છે. બીજી તરફ, નિકાસ (Export) માં પણ કંપનીએ કમાલ કરી છે. કંપનીએ વિદેશમાં 844 કાર મોકલી છે, જે ગયા વર્ષે માત્ર 240 હતી. આમ, નિકાસમાં 251.7% નો તોતિંગ વધારો થયો છે.
EV સેગમેન્ટમાં ટાટા નંબર વન
ઇલેક્ટ્રિક વાહનો (EV) ની વાત કરીએ તો ટાટા મોટર્સનું એકચક્રી શાસન જોવા મળી રહ્યું છે. જાન્યુઆરી 2026 માં કંપનીએ 9,052 ઇલેક્ટ્રિક વાહનો વેચ્યા છે. ગયા વર્ષે આ આંકડો 5,240 હતો. આમ, EV સેગમેન્ટમાં 72.7% ની વૃદ્ધિ સાથે ટાટા મોટર્સે ભારતની સૌથી મોટી EV કંપની તરીકે પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે.
Nexon અને Punch એ મચાવી ધૂમ
ટાટાની કારોમાં Nexon અને Punch ગ્રાહકોની પહેલી પસંદ બની રહી છે.
Tata Nexon: નેક્સને 23,000 યુનિટ્સ થી વધુના વેચાણ સાથે નવો માસિક રેકોર્ડ બનાવ્યો છે. એટલું જ નહીં, આ કોમ્પેક્ટ SUV એ કુલ 10 લાખ વેચાણનો જાદુઈ આંકડો પણ પાર કરી લીધો છે, જે એક ઐતિહાસિક સિદ્ધિ છે.
Tata Punch: આ નાની SUV એ પણ કમાલ કરી છે. જાન્યુઆરીમાં 19,000 થી વધુ Punch વેચાઈ છે. માત્ર 4 વર્ષ અને 3 મહિનાના ટૂંકા ગાળામાં Punch એ કુલ 7 લાખ યુનિટ્સના વેચાણનો આંકડો વટાવી દીધો છે. ઓટો ઇન્ડસ્ટ્રીમાં આ સૌથી ઝડપી સિદ્ધિ માનવામાં આવે છે.
અન્ય મોડલ્સ અને નવી Sierra
ટાટાની સૌથી સસ્તી કાર Tiago એ પણ 7 લાખ વેચાણનો આંકડો પાર કર્યો છે. આ સિવાય અપડેટ થયેલા પેટ્રોલ એન્જિનવાળી Harrier અને Safari એ પણ વેચાણ વધારવામાં મોટો ફાળો આપ્યો છે.
ડિસેમ્બર 2025 માં લોન્ચ થયેલી Tata Sierra ની ડિલિવરી જાન્યુઆરી 2026 થી શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં આ નવી કારની જોરદાર ડિમાન્ડ છે. કંપનીએ જણાવ્યું છે કે ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે પ્રોડક્શન ધીમે ધીમે વધારવામાં આવી રહ્યું છે.