કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ, 1 ઓક્ટોબર 2026 થી કિંમતો વધવા જઈ રહી છે, પરંતુ આ ભાવ વધારો તમામ મોડલ પર એકસરખો નહીં હોય.
Tata Motors price hike: જો તમે ટાટા મોટર્સની નવી કોમર્શિયલ ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે હવે ખિસ્સું વધારે ખાલી કરવું પડશે. દેશની જાણીતી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે 1 ઓક્ટોબર 2026 થી પોતાના તમામ કોમર્શિયલ વાહનોની કિંમતમાં 1 ટકા સુધીનો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
કયા મોડલ પર કેટલો વધશે ભાવ?
કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ, 1 ઓક્ટોબર 2026 થી કિંમતો વધવા જઈ રહી છે, પરંતુ આ ભાવ વધારો તમામ મોડલ પર એકસરખો નહીં હોય. કઈ ગાડી પર કેટલા રૂપિયા વધશે, તે તેના મોડલ અને વેરિએન્ટ પર નિર્ભર રહેશે. આનો સીધો અર્થ એ છે કે, ઓક્ટોબર મહિનાથી ટાટાના ટ્રક, બસ કે અન્ય કોમર્શિયલ વાહનો ખરીદવા માટે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે.
શા માટે વધી રહી છે કિંમતો?
કંપનીના જણાવ્યા અનુસાર, વાહન બનાવવા માટે વપરાતા કાચા માલ અને અન્ય ઇનપુટ કોસ્ટમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન સાથે જોડાયેલો ખર્ચ પણ વધી રહ્યો છે. ઓટો કંપનીઓ પર પડતા આ વધારાના આર્થિક બોજને સરભર કરવા માટે કંપનીએ કિંમતો વધારવાનો આ નિર્ણય લીધો છે.
આ વર્ષે કોમર્શિયલ ગાડીઓમાં બીજો મોટો વધારો
તમને જણાવી દઈએ કે, ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનોમાં આ વર્ષે આ બીજો મોટો ભાવ વધારો છે. અગાઉ 1 એપ્રિલ 2026 ના રોજ પણ કંપનીએ ગાડીઓની કિંમતમાં 1.5 ટકા સુધીનો વધારો કર્યો હતો. ત્યારે પણ કંપનીએ કાચા માલની વધતી કિંમતોનું જ કારણ આપ્યું હતું. માત્ર એક જ વર્ષની અંદર બે વાર ભાવ વધતા કોમર્શિયલ વાહનો ખરીદનારા ગ્રાહકોને સીધી અસર પડશે.
પેસેન્જર ગાડીઓ પણ થઈ ચૂકી છે મોંઘી
માત્ર કોમર્શિયલ જ નહીં, ટાટા મોટર્સે પોતાની પેસેન્જર ગાડીઓના ભાવમાં પણ આ વર્ષે ફેરફાર કર્યા છે. 1 જુલાઈ 2026 થી પેસેન્જર વ્હીકલ રેન્જમાં 1.5 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો, જેમાં પેટ્રોલ-ડીઝલ (ICE) અને ઇલેક્ટ્રિક (EV) બંને મોડલ સામેલ હતા. આ પહેલા 1 એપ્રિલથી પણ ICE મોડલ પર 0.5 ટકાનો વધારો કરાયો હતો, જે અમુક વેરિએન્ટમાં 1.09 ટકા સુધી પહોંચ્યો હતો. જોકે, ત્યારે ગ્રાહકોને રાહત આપતા ટાટા અલ્ટ્રોઝ (Tata Altroz) ની કિંમતમાં સામાન્ય ઘટાડો કરવામાં આવ્યો હતો.
અન્ય ઓટો કંપનીઓએ પણ વધાર્યા છે ભાવ
ઓટો સેક્ટરમાં મોંઘવારીની અસર માત્ર ટાટા પૂરતી સીમિત નથી. કાચા માલના વધતા ખર્ચ વચ્ચે અન્ય કંપનીઓએ પણ આ વર્ષે ગાડીઓ મોંઘી કરી છે.
મારુતિ સુઝુકી એ જૂન 2026 માં પોતાની ગાડીઓની કિંમતમાં 30,000 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા એ 1 જૂનથી કિંમતોમાં 12,800 રૂપિયા સુધીનો વધારો ઝીંક્યો હતો. આ ઉપરાંત JSW MG મોટર ઈન્ડિયા, BMW, મર્સિડીઝ-બેન્ઝ, ઓડી અને હોન્ડા કાર્સ ઈન્ડિયા જેવી કંપનીઓ પણ પોતાના વાહનોના ભાવ વધારી ચૂકી છે.
ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં વધતો ઉત્પાદન ખર્ચ હવે સીધો ગ્રાહકોના ખિસ્સા પર પડી રહ્યો છે. જો તમે ટાટાની કોઈ કોમર્શિયલ ગાડી લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો 1 ઓક્ટોબર 2026 પહેલા નિર્ણય લેવો આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.