Budget 2026: નાના રોકાણકારોને મોટો ઝટકો? બજેટના આ 5 નિર્ણયોથી કમાણી પર થશે સીધી અસર
Budget 2026માં STT અને ટેક્સના નિયમો કડક થતા નાના રોકાણકારોની ચિંતા વધી છે. જાણો બજેટના એ 5 ફેરફારો જે F&O, ગોલ્ડ બોન્ડ અને ડિવિડન્ડની કમાણી પર અસર કરશે અને તમારા ખિસ્સા પર બોજ વધારશે.
સરકારનું કહેવું છે કે આ પગલું રિટેલ રોકાણકારોને જોખમી સટ્ટાબાજીથી દૂર રાખવા માટે છે. પરંતુ હકીકત એ છે કે હવે દરેક ટ્રેડ પાછળનો ખર્ચ વધી ગયો છે, જે સીધો તમારા નફાને ઘટાડશે અથવા નુકસાનને વધારશે.
Budget 2026: સરકારે Budget 2026 રજૂ કરતી વખતે તેને સુધારાવાદી અને લાંબા ગાળાની આર્થિક સ્થિરતા માટે શ્રેષ્ઠ ગણાવ્યું છે. પરંતુ, જો તમે શેરબજારમાં રોકાણ કરતા નાના રોકાણકાર છો, તો તમારે થોડા સાવધાન થઈ જવાની જરૂર છે. બજેટમાં કરવામાં આવેલા કેટલાક ફેરફારો સીધા તમારા રિટર્ન અને કમાણી પર કાતર ફેરવી શકે છે.
ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાના નામે લેવાયેલા અમુક નિર્ણયો તમારી રોકાણની સ્ટ્રેટેજી બદલવા મજબૂર કરી શકે છે. અહીં જાણો બજેટ 2026 ના એવા 5 મોટા નિર્ણયો, જેની સીધી અસર તમારી જેબ પર પડવાની છે.
1. F&O ટ્રેડિંગ બન્યું મોંઘું (STTમાં વધારો)
જો તમે ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O)માં ટ્રેડિંગ કરો છો, તો આ સમાચાર તમને સૌથી વધુ પરેશાન કરી શકે છે. બજેટ 2026માં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં જબરદસ્ત વધારો કરવામાં આવ્યો છે.
Futures: ફ્યુચર્સ પર STT 0.02%થી વધારીને 0.05% કરવામાં આવ્યો છે.
Options: ઓપ્શન્સ પ્રીમિયમ પર STT વધારીને 0.15% કરી દેવામાં આવ્યો છે.
સરકારનું કહેવું છે કે આ પગલું રિટેલ રોકાણકારોને જોખમી સટ્ટાબાજીથી દૂર રાખવા માટે છે. પરંતુ હકીકત એ છે કે હવે દરેક ટ્રેડ પાછળનો ખર્ચ વધી ગયો છે, જે સીધો તમારા નફાને ઘટાડશે અથવા નુકસાનને વધારશે.
2. બાયબેક પર ટેક્સનો નવો બોજ
પહેલા કંપનીઓ શેર બાયબેક લાવીને રોકાણકારોને ટેક્સ-ફ્રી રિટર્ન આપતી હતી, પરંતુ હવે આ રસ્તો મુશ્કેલ બન્યો છે. નવા નિયમ મુજબ, બાયબેકથી મળતી રકમ હવે શેરધારકો માટે ‘કેપિટલ ગેઈન ટેક્સ’ હેઠળ આવશે. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ હવે બાયબેકમાં મળતા પૈસા પર પણ ટેક્સ ચૂકવવો પડશે. બીજી તરફ, કંપનીઓ પર પણ ટેક્સનું ભારણ વધતા તેઓ બાયબેકની સાઈઝ ઘટાડી શકે છે, જે આખરે શેરહોલ્ડર્સના રિટર્ન પર અસર કરશે.
3. ડિવિડન્ડ સામે વ્યાજની કપાત બંધ
ઘણા હોશિયાર રોકાણકારો લોન લઈને અથવા માર્જિન ફંડિંગ દ્વારા માર્કેટમાં રોકાણ કરતા હતા, કારણ કે પહેલા ડિવિડન્ડ કે મ્યુચ્યુઅલ ફંડની આવક સામે વ્યાજ ખર્ચ બાદ મળતો હતો. Budget 2026માં આ સુવિધા નાબૂદ કરવામાં આવી છે. હવે ડિવિડન્ડ કે મ્યુચ્યુઅલ ફંડની આવક સામે કોઈ વ્યાજ કપાત મળશે નહીં. જે લોકો ઉધાર પૈસા લઈને ઇન્વેસ્ટ કરતા હતા, તેમના માટે હવે ટેક્સ પછીનું રિટર્ન ઘણું ઓછું થઈ જશે.
4. નાની ભૂલ પણ પડશે ભારે: પેનલ્ટીના નિયમો કડક
ઇન્કમ ટેક્સ રિપોર્ટિંગમાં હવે ગફલત ચાલશે નહીં. બજેટમાં પેનલ્ટીના નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. જો અજાણતા ભૂલ થાય છે, તો ટેક્સની રકમ પર 50% સુધીની પેનલ્ટી લાગી શકે છે. જો તમે આવક છુપાવી અથવા ખોટી માહિતી આપી, તો પેનલ્ટી 200% સુધી જઈ શકે છે. ખાસ કરીને ક્રિપ્ટોકરન્સી, વિદેશી સંપત્તિ કે કેપિટલ ગેઈન ધરાવતા નાના રોકાણકારોએ હવે ITR ફાઈલ કરતી વખતે ખૂબ જ ચોકસાઈ રાખવી પડશે.
5. Sovereign Gold Bond (SGB) પર ટેક્સ બેનિફિટમાં શરતો
સોનામાં રોકાણ કરવા માટે Sovereign Gold Bond (SGB) નાના રોકાણકારોનું ફેવરિટ સાધન છે. પરંતુ હવે તેના ટેક્સ નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. SGB પર કેપિટલ ગેઈન ટેક્સમાં માફી ત્યારે જ મળશે જો તમે બોન્ડ ‘ઓરિજિનલ ઈશ્યુ’ વખતે ખરીદ્યા હોય. અને તેને ‘મેચ્યોરિટી’ સુધી હોલ્ડ કર્યા હોય. જો તમે સેકન્ડરી માર્કેટમાંથી SGB ખરીદો છો અથવા મેચ્યોરિટી પહેલા વેચી દો છો, તો તમને ટેક્સ બેનિફિટ મળશે નહીં. એટલે કે હવે SGB માં લિક્વિડિટી (સરળતાથી વેચવાની સુવિધા) નો ફાયદો લેવો મોંઘો પડી શકે છે.
Budget 2026 લાંબા ગાળા માટે ભલે સારું હોય, પરંતુ ટૂંકા ગાળામાં નાના રોકાણકારો માટે આ નવા નિયમો પડકારજનક છે. વધેલા ટેક્સ અને કડક નિયમોને ધ્યાનમાં રાખીને તમારે તમારી ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે.