Coldwave: ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાજકોટ પંથકમાં વહેલી સવારથી હવામાં ભેજનું પ્રમાણ વધતા ગાઢ ધુમ્મસ છવાયું હતું. રાજકોટ કાલાવડ રોડ ઉપર ધુમ્મસની ચાદર છવાઈ જાતા હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. મેટોડા GIDC વિસ્તારમાં પણ ગાઢ ધૂમમ્સ જોવા મળી હતી. લો વિઝિબિલિટીથી વાહનવ્યવહારને અસર પહોંચી હતી. ઝાકળવર્ષાને લઈ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો અને આહલાદક નજારો જોવા મળ્યો હતો.
ડભોઇમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. શિનોર ચોકડી, રેલ્વે સ્ટેશન વિસ્તાર, તિલકવાડા રોડ, વેગા ચોકડી જેવા અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ જાતા આહલાદક નજારો જોવા મળ્યો હતો. લો વિઝિબિલિટીથી વાહનવ્યવહારને અસર પહોંચી હતી.
રાજ્યના નવ શહેરમાં ઠંડીનું તાપમાન 11 ડિગ્રીથી નીચુ નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ ત્રણ દિવસ રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત રહેશે. જ્યારે કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. શુક્રવારથી તાપમાન ચાર ડિગ્રી જેટલુ વધતા ઠંડીમાં આંશિક રાહત અનુભવાશે. રાજ્યમાં ઠંડીના આંકડાની વાત કરીએ તો 6.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયુ હતુ. જ્યારે કેશોદમાં ઠંડીનો પારો આઠ ડિગ્રી પર પહોંચ્યો હતો.
અમરેલીમાં ઠંડીનો પારો 9.6 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદ અને રાજકોટમાં ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો હતો. ભૂજમાં 10.4 ડિગ્રી, ગાંધીનગરમાં 10.7 ડિગ્રી, પોરબંદરમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ડીસામાં 11.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.5 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી, દીવમાં 11.8 ડિગ્રી, મહુવામાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. વેરાવળમાં 12.6 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી, દમણમાં 13.4 ડિગ્રી, વલસાડમાં 13.5 ડિગ્રી, સુરતમાં 14 ડિગ્રી અને દ્વારકામાં ઠંડીનું તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતુ.