બંગાળની ખાડીમાં સર્જાયેલા આ ડીપ ડિપ્રેશનની સૌથી ભયાનક અસર ઓડિશા પર જોવા મળી રહી છે. રાજ્યના દરિયાકાંઠાના અને દક્ષિણ વિસ્તારોમાં અત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
IMD Weather Update: દેશમાં ચોમાસાએ ફરી એકવાર પોતાનો આક્રમક મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, બંગાળની ખાડીમાં એક મજબૂત દબાણ એટલે કે 'ડીપ ડિપ્રેશન' તૈયાર થયું છે. આ સિસ્ટમ હવે ઝડપથી જમીન તરફ આગળ વધી રહી છે, જેના કારણે દક્ષિણ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવ્યો છે. આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતા છે.
ઓડિશામાં સ્થિતિ સૌથી વધુ ગંભીર: રેડ એલર્ટ જાહેર
બંગાળની ખાડીમાં સર્જાયેલા આ ડીપ ડિપ્રેશનની સૌથી ભયાનક અસર ઓડિશા પર જોવા મળી રહી છે. રાજ્યના દરિયાકાંઠાના અને દક્ષિણ વિસ્તારોમાં અત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા નીચે મુજબના કડક પગલાં લેવામાં આવ્યા છે:
રાજ્ય સરકાર દ્વારા કુલ 33 ઓડ્રાફ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેમાંથી 24 ટીમોને સૌથી વધુ સંવેદનશીલ વિસ્તારોમાં મોકલી દેવાઈ છે. ખરાબ હવામાનને કારણે 7 જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. કોઈ પણ ઈમરજન્સી સામે લડવા માટે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે અને તેમને ફરજ પર હાજર રહેવા જણાવાયું છે. દરિયાકાંઠે 75 કિલોમીટર પ્રતિ કલાકની ભયાનક ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. આથી 24 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સાથે જ પુરીના દરિયાકિનારે પ્રવાસીઓને નાહવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઉત્તર ભારત: યુપી, બિહાર અને ઉત્તરાખંડમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે
માત્ર દક્ષિણ કે પૂર્વ જ નહીં, ઉત્તર ભારતમાં પણ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.લ પૂર્વ યુપીમાં ગુરુવારથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થશે અને 25 તેમજ 26 સપ્ટેમ્બરના રોજ અહીં ભારે વરસાદની આગાહી છે. શુક્રવારથી અહીં પણ વરસાદનું જોર વધશે અને શનિવારના રોજ પહાડી વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ બિહારના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
દિલ્હીમાં રાહત, પણ અન્ય રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-એનસીઆરના લોકોને હાલ પૂરતી કોઈ મોટી ચેતવણી આપવામાં આવી નથી. બુધવારે અહીં હવામાન સામાન્ય અને સૂકું રહેશે, જ્યારે તાપમાન 34 થી 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
જોકે, દેશના અન્ય રાજ્યો જેવા કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને તટીય કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.