પેકિંગ વાળા ફૂડમાં ખાંડ, મીઠું અને ફેટની માત્રા દર્શાવવા મામલે સુપ્રીમ કોર્ટે FSSAI ના નવા પ્રસ્તાવ પર આકરા સવાલો કર્યા છે. જાણો લાલ નિશાન અને નવા નિયમો અંગેની સંપૂર્ણ વિગત.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેંચ સમક્ષ FSSAI એ પોતાનો નવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર કોર્ટે અનેક સવાલો ઉઠાવ્યા છે અને 10 દિવસમાં જવાબ માંગ્યો છે.
બજારમાં મળતા પેકિંગ વાળા ખોરાકમાં ખાંડ, મીઠું અને ફેટની માત્રા કેટલી છે, તે હવે ગ્રાહકોને સ્પષ્ટ દેખાશે. આ મામલે સુપ્રીમ કોર્ટે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણને કડક સૂચનાઓ આપી છે. બાળકો અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોર્ટે કહ્યું છે કે, ફૂડ પેકેટના આગળના ભાગમાં એવી સ્પષ્ટ ચેતવણી હોવી જોઈએ જેને સામાન્ય માણસ પણ સરળતાથી સમજી શકે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેંચ સમક્ષ FSSAI એ પોતાનો નવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર કોર્ટે અનેક સવાલો ઉઠાવ્યા છે અને 10 દિવસમાં જવાબ માંગ્યો છે.
શું છે FSSAI નો નવો પ્રસ્તાવ?
FSSAI એ કોર્ટને જણાવ્યું છે કે તેઓ પેકેટના આગળના ભાગમાં લાલ રંગનું ષટ્કોણ (6 ખૂણા વાળું નિશાન) લગાવવા માંગે છે. તેમાં જરૂરિયાત મુજબ અંગ્રેજીમાં ‘HIGH FAT’ , ‘HIGH SUGAR’ , ‘HIGH SALT’ અથવા ‘HIGHLY SWEETENED BEVERAGE’ લખવામાં આવશે. આ અક્ષરોની સાઈઝ પેકેટની પાછળ લખાતી માહિતી કરતા 1 પોઈન્ટ મોટી રાખવાનો પ્રસ્તાવ છે.
FSSAI આ નિયમને બે તબક્કામાં લાગુ કરવા માંગે છે: પહેલા તબક્કામાં એવી વસ્તુઓ પર ચેતવણી અપાશે જેમાં બે કે તેથી વધુ હાનિકારક તત્વો વધારે હોય. જ્યારે બીજા તબક્કામાં માત્ર એક તત્વ વધારે હોય તેને પણ આવરી લેવાશે.
સુપ્રીમ કોર્ટે FSSAI ને પૂછ્યા આ મહત્વના સવાલો
કોર્ટે સવાલ કર્યો કે જો કોઈ ફૂડમાં માત્ર ખાંડ, અથવા માત્ર મીઠું, કે માત્ર ફેટ વધારે હોય, તો તેને પહેલા તબક્કામાં કેમ ન આવરી લેવાય? વધારે પડતું કોઈ એક તત્વ પણ સ્વાસ્થ્ય માટે એટલું જ નુકસાનકારક છે. કોર્ટે વધુની સાચી વ્યાખ્યા સ્પષ્ટ કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે બે તબક્કા વચ્ચેનો સમયગાળો સ્પષ્ટ હોવો જોઈએ. જો સમય નક્કી નહીં હોય તો બીજો તબક્કો સતત પાછળ ઠેલાતો રહેશે.
FSSAI એ ચેતવણી માટે લાલ રંગ સૂચવ્યો છે. પરંતુ કોર્ટે ધ્યાન દોર્યું કે ભારતમાં લાલ રંગનું નિશાન સામાન્ય રીતે 'નોન-વેજ' ખોરાક માટે વપરાય છે. આનાથી ગ્રાહકોમાં ભારે કન્ફ્યુઝન ઉભું થઈ શકે છે, તેથી રંગ બદલવા પર વિચાર કરવો જોઈએ. ભારતમાં બધા લોકો અંગ્રેજી વાંચી શકતા નથી અને અલગ-અલગ રાજ્યોની ભાષા પણ અલગ છે. તેથી કોર્ટે સૂચન કર્યું છે કે માત્ર શબ્દો લખવા પૂરતા નથી. ખાંડ, મીઠું કે ફેટ દર્શાવતા ચિત્રો કે નિશાન પણ મૂકવા જોઈએ જેથી ઓછું ભણેલા લોકો પણ સરળતાથી સમજી શકે. જો કોઈ પેકેટમાં ખાંડ અને ફેટ બંને વધારે છે, તો તેને એક જ લાલ બોક્સમાં કેમ દર્શાવવા? કોર્ટે પૂછ્યું કે બંને માટે અલગ-અલગ નિશાન હોવા જોઈએ જેથી ગ્રાહક દૂરથી જ સમજી શકે.
ચેતવણીનું નિશાન કેટલું મોટું હશે અને પેકેટ પર બરાબર ક્યાં મુકાશે, તે હજુ સ્પષ્ટ નથી. કોર્ટે કહ્યું કે લેબલ એટલું મોટું અને સ્પષ્ટ હોવું જોઈએ કે ખરીદી કરતી વખતે ગ્રાહકની નજર સીધી તેના પર જ પડે. ખાંડ અને ફેટની માત્રા નક્કી કરતી વખતે ખોરાકમાં રહેલી 'કુલ ખાંડ' ગણાશે કે ઉપરથી 'ઉમેરવામાં આવેલી ખાંડ' ધ્યાનમાં લેવાશે? સાથે જ ટ્રાન્સ ફેટની ગણતરી કઈ રીતે થશે તે પણ કોર્ટે પૂછ્યું છે.
શાળાઓમાં બાળકોને જાગૃત કરવા સૂચના
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એમ પણ પૂછ્યું છે કે બાળકોમાં ખાણીપીણીની સારી આદતો વિકસાવવા માટે શાળાઓમાં શું પગલાં લેવાશે? પેકેટ પર આપેલી ચેતવણી સમજતા બાળકોને કેવી રીતે શીખવવામાં આવશે?