ભારતે માલદીવને 5 કરોડ ડોલરના ટ્રેઝરી બિલને વધુ એક વર્ષ માટે લંબાવ્યું, માલદીવના નાણામંત્રીએ દેશનો આભાર માન્યો
માલદીવમાં ભારતીય હાઈ કમિશને સોમવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદનમાં જણાવાયું કે, "આ પગલું માલદીવને કટોકટીના સમયે ફાઇનાન્શિયલ સહાય પૂરી પાડવા માટે ભારત સરકારની વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે લેવામાં આવ્યું છે." માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે આ મહત્વપૂર્ણ આર્થિક સહાય માટે ભારત સરકાર અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરનો આભાર વ્યક્ત કર્યો છે.
આ સુવિધા ભારત સરકાર દ્વારા માર્ચ 2019થી આપવામાં આવી રહી છે, જે અંતર્ગત SBI દ્વારા આવા ટ્રેઝરી બિલ ખરીદવામાં આવે છે.
ભારતે માલદીવને આર્થિક સમર્થન આપવા માટે મહત્વનું પગલું ભર્યું છે. ભારત સરકારે માલદીવની 5 કરોડ અમેરિકી ડોલરની શોર્ટ-ટર્મ ક્રેડિટ સુવિધા (ટ્રેઝરી બિલ)ને વધુ એક વર્ષ માટે લંબાવી છે. આ પગલાંથી માલદીવને નોંધપાત્ર ફાઇનાન્શિયલ ટેકો મળ્યો છે, જે તેના આર્થિક સુધારાઓને વેગ આપશે. માલદીવ સરકારે જણાવ્યું કે આ નિર્ણયથી દેશની રાજકોષીય સુધારણા માટેની ચાલી રહેલી પ્રક્રિયાઓને મજબૂતી મળશે.
માલદીવની વિનંતી પર, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ માલદીવના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા 5 કરોડ અમેરિકી ડોલરના સરકારી ટ્રેઝરી બિલને એક વર્ષ માટે ખરીદ્યું છે. આ સુવિધા ભારત સરકાર દ્વારા માર્ચ 2019થી આપવામાં આવી રહી છે, જે અંતર્ગત SBI દ્વારા આવા ટ્રેઝરી બિલ ખરીદવામાં આવે છે. આ બિલ વાર્ષિક ધોરણે વ્યાજ-મુક્ત રીતે લંબાવવામાં આવે છે.
માલદીવમાં ભારતીય હાઈ કમિશને આપી માહિતી
માલદીવમાં ભારતીય હાઈ કમિશને સોમવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદનમાં જણાવાયું કે, "આ પગલું માલદીવને કટોકટીના સમયે ફાઇનાન્શિયલ સહાય પૂરી પાડવા માટે ભારત સરકારની વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે લેવામાં આવ્યું છે." માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે આ મહત્વપૂર્ણ આર્થિક સહાય માટે ભારત સરકાર અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરનો આભાર વ્યક્ત કર્યો છે.
ગયા વર્ષે પણ ભારતે બે વખત કરી હતી મદદ
ઉલ્લેખનીય છે કે ભારતે આ પહેલાં પણ 2024માં બે વખત માલદીવની આવી જ રીતે મદદ કરી હતી. સપ્ટેમ્બર 2024માં, માલદીવ સરકારની વિનંતી પર ભારતે 5 કરોડ ડોલરના ટ્રેઝરી બિલને વધુ એક વર્ષ માટે લંબાવ્યું હતું. SBIએ 19 સપ્ટેમ્બરે પાછલા સબ્સ્ક્રિપ્શનની મેચ્યોરિટી પછી માલદીવના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા 5 કરોડ ડોલરના ટ્રેઝરી બિલને એક વર્ષ માટે ફરીથી સબ્સ્ક્રાઇબ કર્યું હતું. આવી જ રીતે, મે 2024માં પણ ભારતે માલદીવની વિનંતી પર 5 કરોડ ડોલરના ટ્રેઝરી બિલને એક વર્ષ માટે લંબાવ્યું હતું.
આર્થિક સ્થિરતા માટે મહત્વનું પગલું
આ પગલું માલદીવની આર્થિક સ્થિરતા અને રાજકોષીય સુધારણાઓને મજબૂત કરવા માટે મહત્વનું ગણાય છે. ભારતની આ સતત સહાય માલદીવની આર્થિક પડકારોનો સામનો કરવાની ક્ષમતાને વધારશે. ભારત અને માલદીવ વચ્ચેના આ આર્થિક સહયોગથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પણ મજબૂત થયા છે.