US-Iran War: હોર્મુઝમાં જહાજો પર હુમલા મુદ્દે ભારત લાલઘૂમ, UNSCમાં આપી આકરી પ્રતિક્રિયા, ગાઝા સંકટ અંગે પણ કહી આ મોટી વાત | Moneycontrol Gujarati
Get App

US-Iran War: હોર્મુઝમાં જહાજો પર હુમલા મુદ્દે ભારત લાલઘૂમ, UNSCમાં આપી આકરી પ્રતિક્રિયા, ગાઝા સંકટ અંગે પણ કહી આ મોટી વાત

US-Iran યુદ્ધ વચ્ચે હોર્મુઝમાં જહાજો પર થયેલા હુમલા મુદ્દે ભારતે UNSCમાં કડક પ્રતિક્રિયા આપી છે. હુમલામાં 1 ભારતીયનું મોત થયું છે. જાણો લેટેસ્ટ અપડેટ.

અપડેટેડ 11:17:56 AM Jul 29, 2026 પર
Story continues below Advertisement
પર્વતનેની હરીશે જણાવ્યું કે ભારતના અર્થતંત્ર અને ઊર્જા સુરક્ષા માટે આ વિસ્તાર ખૂબ જ અગત્યનો છે. ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચે વાર્ષિક આશરે 180 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થાય છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હિંસા વચ્ચે ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મધ્ય પૂર્વના મુદ્દે યોજાયેલી ખુલ્લી ચર્ચામાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતનેની હરીશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હોર્મુઝ જળડમરુમધ્યમાં કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. ભારતે આ સ્થિતિને અત્યંત ગંભીર ગણાવી છે અને શાંતિ સ્થાપવા માટે અપીલ કરી છે.

જહાજો પર હુમલા અને ભારતીયોને નુકસાન

વિસ્તારમાં ચાલી રહેલા વિવાદ અંગે વાત કરતા હરીશે GFS Galaxy, MT Al Bahiyah અને MT Mombasa જેવા જહાજો પર થયેલા હુમલાની કડક નિંદા કરી હતી.આ હુમલાઓમાં ઘણા ભારતીય નાગરિકો ઘાયલ થયા છે, જેમાં કેટલાકની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. સૌથી દુઃખદ વાત એ છે કે આ હુમલામાં 1 ભારતીય નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 1 હજુ પણ ગુમ છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે નિર્દોષ નાવિકોને નિશાન બનાવવા અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર વેપાર અટકાવવો બિલકુલ યોગ્ય નથી. આ માર્ગો પર જહાજોની અવરજવર કોઈપણ રોકટોક વિના ફરી શરૂ થવી જોઈએ.

કોમર્શિયલ જહાજોના વેપાર પર મોટો ફટકો

અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે 6 જુલાઈથી જહાજો પર હુમલા શરૂ થયા હતા, અને 11 જુલાઈના રોજ ઈરાને હોર્મુઝ જળડમરુમધ્યને બંધ કરવાની જાહેરાત કરી દીધી. સંયુક્ત રાષ્ટ્રના આંકડા મુજબ, આ સંકટ પહેલા આ માર્ગ પરથી દરરોજ 100 થી વધુ જહાજો પસાર થતા હતા. 7 જુલાઈ સુધીમાં આ સંખ્યા ઘટીને 49 થઈ ગઈ હતી અને જુલાઈના મધ્ય સુધીમાં માત્ર 8 થી 15 જહાજો જ માંડ પસાર થઈ રહ્યા છે.


ભારત માટે પશ્ચિમ એશિયા કેમ આટલું મહત્વનું છે?

પર્વતનેની હરીશે જણાવ્યું કે ભારતના અર્થતંત્ર અને ઊર્જા સુરક્ષા માટે આ વિસ્તાર ખૂબ જ અગત્યનો છે. ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચે વાર્ષિક આશરે 180 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થાય છે. આ વિસ્તારમાંથી 31 અબજ ડોલરથી વધુનું સીધું વિદેશી રોકાણ (FDI) ભારત આવે છે. માત્ર ખાડી દેશોમાંથી જ દર વર્ષે 52 અબજ ડોલરથી વધુ રકમ ભારતમાં મોકલવામાં આવે છે. આશરે 1 કરોડ જેટલા ભારતીયો આ વિસ્તારમાં રહીને કામ કરે છે. તેમની સુરક્ષા ભારત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

ગાઝા સંકટ અને પેલેસ્ટાઇનને ભારતની મદદ

ભારતે UNSCમાં એ વાત પર પણ ખાસ ભાર મૂક્યો કે દુનિયાનું ધ્યાન માત્ર હોર્મુઝ પર કેન્દ્રિત ન રહેવું જોઈએ, પરંતુ ગાઝામાં ચાલી રહેલા ભયંકર માનવીય સંકટને પણ અવગણી શકાય નહીં. સામાન્ય નાગરિકોના મોત અને પાયાના માળખાનો વિનાશ અત્યંત ચિંતાજનક છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ અંગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

માનવીય અભિગમ દાખવીને ભારતે અત્યાર સુધીમાં પેલેસ્ટાઇનને 175 મિલિયન યુએસ ડોલરની સહાય આપી છે અને તે UNRWA (સંયુક્ત રાષ્ટ્ર રાહત એજન્સી) ના મુખ્ય દાતાઓમાં સામેલ છે.

ટુ-સ્ટેટ સોલ્યુશન પર ભારત અડગ

અંતમાં ભારતે ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે પોતાના જૂના વલણને ફરીથી દોહરાવ્યું છે. ભારત વાતચીત દ્વારા ટુ-સ્ટેટ સોલ્યુશનનું સમર્થન કરે છે. ભારત ઈચ્છે છે કે એક સાર્વભૌમ અને સ્વતંત્ર પેલેસ્ટાઈન રાષ્ટ્ર બને, જે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સુરક્ષિત સરહદો સાથે ઇઝરાયેલની સાથે શાંતિથી રહી શકે.

આ પણ વાંચો-Weather Alert: દિલ્હીથી ગુજરાત-યુપી સુધી આજે ભારે વરસાદનું તાંડવ, IMDએ આ 3 રાજ્યોમાં આપ્યું 'રેડ એલર્ટ', જાણો લેટેસ્ટ હવામાન

MoneyControl News

MoneyControl News

First Published: Jul 29, 2026 11:17 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.