ભારતની પ્રથમ પ્રાઈવેટ ગોલ્ડ માઈન શરૂ: હવે જમીનમાંથી નીકળશે ટનબંધ સોનું, સોનાની આયાતનું ટેન્શન ઘટશે
આઝાદી બાદ દેશમાં પહેલીવાર આંધ્રપ્રદેશના સ્વર્ણગિરીમાં (જૂનું નામ જોન્નાગિરી) પ્રાઈવેટ ગોલ્ડ માઈન શરૂ થઈ છે. 405 કરોડના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટથી દર વર્ષે ટનબંધ સોનું નીકળશે. જાણો આ ઐતિહાસિક પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી.
સોનાની આ ઐતિહાસિક ખાણ શરૂ કરવા માટે મોટા પાયે તૈયારીઓ અને જંગી રોકાણ કરવામાં આવ્યું છે.આખો પ્રોજેક્ટ કુલ 405 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે.
ભારતના માઈનિંગ સેક્ટરમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે. દેશમાં આઝાદી પછી પહેલીવાર કોઈ ખાનગી કંપનીની માલિકી ધરાવતી સોનાની ખાણમાં કમર્શિયલ એટલે કે વ્યાવસાયિક કામકાજ સંપૂર્ણપણે શરૂ થઈ ગયું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કુર્નૂલ જિલ્લાના જોન્નાગિરીમાં આ અત્યાધુનિક ગોલ્ડ માઈનિંગ અને પ્રોસેસિંગ પ્રોજેક્ટનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું છે.
મુખ્યમંત્રીએ માત્ર પહેલું યુનિટ જ શરૂ નથી કર્યું, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટના બીજા તબક્કાનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. આ ખાણ શરૂ થવાથી દેશમાં સોનાની આયાત પરની નિર્ભરતા ઘટશે અને અર્થતંત્રને મોટો વેગ મળશે. ચાલો જાણીએ આ પ્રોજેક્ટની પૂરી ડિટેલ.
405 કરોડ રૂપિયાનું રોકાણ, ગામનું નામ બદલાયું
સોનાની આ ઐતિહાસિક ખાણ શરૂ કરવા માટે મોટા પાયે તૈયારીઓ અને જંગી રોકાણ કરવામાં આવ્યું છે.આખો પ્રોજેક્ટ કુલ 405 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે.આ પ્રોજેક્ટ જિયોમૈસૂર સર્વિસિસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને ડેક્કન ગોલ્ડ માઈન્સ લિમિટેડની ભાગીદારીથી સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યો છે. આ ઐતિહાસિક શરૂઆતને કાયમ માટે યાદગાર બનાવવા આંધ્રપ્રદેશ કેબિનેટે ઉદ્ઘાટન પહેલા જ 'જોન્નાગિરી' ગામનું નામ બદલીને 'સ્વર્ણગિરી' કરવા પર મંજૂરીની મહોર લગાવી દીધી હતી.
રાજ્ય સરકારે પ્રોજેક્ટ માટે 1500 એકર જમીન ફાળવી છે, જેમાંથી પહેલા તબક્કામાં 600 એકર પર માઈનિંગ ચાલુ થઈ ગયું છે. ખાણમાં પાણી પહોંચાડવા માટે 'હંદ્રી નીવા સુજલા સ્રવંતી' યોજના દ્વારા 18 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે.
કેટલું સોનું નીકળશે? સમજો આખું ગણિત
ખાણમાંથી સોનું કાઢવા માટે કંપનીએ તબક્કાવાર ચોક્કસ લક્ષ્યાંકો નક્કી કર્યા છે:
પ્રથમ વર્ષનો ટાર્ગેટ (2026-27): કમર્શિયલ કામકાજના આ પહેલા વર્ષમાં અહીંથી અંદાજે 400 કિલોગ્રામ સોનું કાઢવાનો ટાર્ગેટ રખાયો છે.
આગામી પ્લાન: આવનારા વર્ષોમાં વાર્ષિક ઉત્પાદન વધારીને 1000 કિલો સુધી લઈ જવાની યોજના છે.
બીજા તબક્કા પછી બમ્પર ઉત્પાદન: જે બીજા પ્રોસેસિંગ યુનિટનું હાલમાં શિલારોપણ થયું છે, તે સંપૂર્ણ રીતે ચાલુ થઈ ગયા બાદ અહીંથી વાર્ષિક 2000 કિલો જેટલું સોનું નીકળવા લાગશે.
સ્થાનિક લોકો અને સરકારને થશે જંગી ફાયદો
આ પ્રાઈવેટ ગોલ્ડ માઈન માત્ર કંપનીને જ નહીં, પરંતુ સ્થાનિક લોકો અને સરકારને પણ માલામાલ કરશે.
રોજગારી: આ પ્રોજેક્ટ દ્વારા સીધી રીતે 700 લોકોને નોકરી મળશે. સૌથી સારી વાત એ છે કે આ કામદારોમાંથી 80% લોકો આસપાસના સ્થાનિક સમુદાયના જ હશે.
સરકારની કમાણી: સોનાના ઉત્પાદન પર મળતી રોયલ્ટીથી સરકારની તિજોરી છલકાશે. 400 કિલોના વાર્ષિક ઉત્પાદન પર સરકારને 57 કરોડ રૂપિયાની આવક થશે. જ્યારે ઉત્પાદન 900 કિલો સુધી પહોંચશે, ત્યારે આ કમાણી વાર્ષિક 144 કરોડ રૂપિયા થઈ જશે.
પ્રાઈમરી ગોલ્ડ માઈન કોને કહેવાય?
આ દેશની એકમાત્ર કાર્યરત પ્રાઈવેટ 'પ્રાઈમરી ગોલ્ડ માઈન' છે. આ એક એવી 'હાર્ડ-રોક' માઈનિંગ પ્રક્રિયા છે, જેમાં સોનું સીધું જ જમીનની અંદર રહેલા પથ્થરો અને ક્વાર્ટ્ઝની નસોમાંથી કાઢવામાં આવે છે. આમાં સૌથી પહેલા કઠણ ખડકોમાં ડ્રિલિંગ અને બ્લાસ્ટિંગ થાય છે, ત્યારબાદ તે માટી-પથ્થરને બહાર કાઢીને કેમિકલ અને ફિઝિકલ પ્રોસેસથી શુદ્ધ સોનું અલગ કરવામાં આવે છે.
શું આ ભારતનું નવું 'કોલાર' બનશે?
ભૂસ્તરશાસ્ત્રીઓનું સ્પષ્ટ માનવું છે કે કુર્નૂલનો આ પ્રોજેક્ટ કોઈ છૂટોછવાયો ખજાનો નથી. આખો વિસ્તાર એક મોટા ખનિજ પટ્ટાનો ભાગ છે અને અહીં સોનાનો અખૂટ ભંડાર હોવાની આશા છે. આ સિવાય અનંતપુર જિલ્લાના બોક્સમપલ્લી, રામાગિરી અને જવકૂલામાં પણ અત્યારે શોધખોળ ચાલુ છે.
આ ભૌગોલિક રચનાઓની સરખામણી કર્ણાટકની ઐતિહાસિક 'કોલાર' અને 'હુટ્ટી' ગોલ્ડ માઈન્સ સાથે કરવામાં આવી રહી છે, જે કોઈ કાળે દુનિયાની સૌથી અમીર ખાણોમાં ગણાતી હતી. જો આ વિસ્તારોમાંથી પણ કર્ણાટક જેવા જ પરિણામો મળશે, તો આ પ્રોજેક્ટ 2047 સુધીમાં આંધ્રપ્રદેશને 'સ્વર્ણાંધ્ર પ્રદેશ' બનાવવામાં ગેમ-ચેન્જર સાબિત થશે.