ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ તોડ્યો મોટો રેકોર્ડ, વડાપ્રધાન મોદીએ પાઠવી ખાસ શુભેચ્છા, જાણો શું છે આ સિદ્ધિ
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સળંગ સૌથી લાંબા સમય સુધી પીએમ રહેવાનો નવો ઈતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ પર ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ તેમને ખાસ અભિનંદન પાઠવ્યા છે. જાણો સંપૂર્ણ સમાચાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, "ઈટાલીના યુદ્ધ પછીના ઈતિહાસમાં સળંગ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવા બદલ મારા મિત્ર જ્યોર્જિયા મેલોનીને ખૂબ ખૂબ અભિનંદન.
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ બીજા વિશ્વયુદ્ધ પછીના ઈટાલીના ઈતિહાસમાં સળંગ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ પર રહેલા નેતા બની ગયા છે. તેમની આ શાનદાર સફળતા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ ઈટાલીની જનતાનો તેમના નેતૃત્વ પ્રત્યેનો અતૂટ ભરોસો અને વિશ્વાસ દર્શાવે છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા 'X' પર પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, "ઈટાલીના યુદ્ધ પછીના ઈતિહાસમાં સળંગ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવા બદલ મારા મિત્ર જ્યોર્જિયા મેલોનીને ખૂબ ખૂબ અભિનંદન. આ સિદ્ધિ દર્શાવે છે કે ઈટાલીના લોકોને તેમના નેતૃત્વ પર કેટલો વિશ્વાસ છે."
Congratulations to my friend Prime Minister Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history. This milestone is a reflection of the trust and confidence of the Italian people in her leadership. Her friendship has also been…
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, "ભારત અને ઈટાલી વચ્ચેની વિશેષ રણનીતિક ભાગીદારીને મજબૂત કરવામાં તેમની મિત્રતાએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. મને આશા છે કે ભવિષ્યમાં પણ આપણા બંને દેશોના લોકોના વિકાસ અને સમૃદ્ધિ માટે આપણે આ જ રીતે સાથે મળીને કામ કરતા રહીશું. આવનારા વર્ષોમાં પણ તેમને આવી જ સફળતા મળતી રહે તેવી મારી શુભકામનાઓ."
જ્યોર્જિયા મેલોનીની સફર અને રેકોર્ડ
આપને જણાવી દઈએ કે, 49 વર્ષીય જ્યોર્જિયા મેલોનીએ 22 ઓક્ટોબર 2022 ના રોજ ઈટાલીના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ગુરુવારના રોજ, પોતાના પદ પર 1413 દિવસ પૂરા કરીને તેમણે આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેઓ બીજા વિશ્વયુદ્ધ પછી દેશના સૌથી લાંબા સમય સુધી સળંગ પીએમ રહેનારા પ્રથમ નેતા બની ગયા છે. આ સાથે જ, આ સર્વોચ્ચ પદ પર પહોંચનારા અને આટલો લાંબો સમય ટકી રહેનારા તેઓ ઈટાલીના પ્રથમ મહિલા પણ છે.
વડાપ્રધાન મોદીનો પોતાનો મોટો રેકોર્ડ
રસપ્રદ વાત એ છે કે, ખુદ પીએમ મોદી પણ ભારતના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. 10 જૂન 2026 ના રોજ પીએમ મોદી સળંગ 4399 દિવસ પદ પર રહીને ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બની જશે. આ આંકડા સાથે પીએમ મોદીએ આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
નોંધનીય છે કે, પંડિત નેહરુએ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે 4398 દિવસ કામ કર્યું હતું. જ્યારે નરેન્દ્ર મોદીએ 9 જૂન 2024 ના રોજ સતત ત્રીજી વખત NDA સરકારમાં પીએમ પદના શપથ લીધા હતા, જેની સાથે જ સત્તામાં તેમના 12 વર્ષ પણ પૂરા થઈ ગયા હતા.