Malta Golden Visa: માલ્ટાનો ગોલ્ડન વીઝા ભારતીયોમાં પોપ્યુલર, જાણો કેમ અને કેવી રીતે અરજી કરવી
Malta Golden Visa: રેસિડેન્સી-બાય-ઈન્વેસ્ટમેન્ટ અથવા ગોલ્ડન વીઝા એ અન્ય દેશમાં સ્થળાંતર, કાયમી નિવાસ અથવા નાગરિકતા મેળવવાનો એક માર્ગ છે, જે ખાસ કરીને સંપત્તિમાન વ્યક્તિઓને નિવાસના અધિકારો ખરીદવામાં મદદ કરે છે.
માલ્ટા પરમેનન્ટ રેસિડેન્સી પ્રોગ્રામ (MPRP)ની માંગમાં વધારો થવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે.
Malta Golden Visa: યુરોપિયન દેશમાં રહેવાનું વિચારી રહ્યા છો? માલ્ટાનો ગોલ્ડન વીઝા પ્રોગ્રામ તમારી મદદ કરી શકે છે. માલ્ટાનો ગોલ્ડન વીઝા પ્રોગ્રામ હાલમાં યુરોપિયન યુનિયન (EU)માં રહેવાની ઈચ્છા રાખતા ભારતીય નાગરિકો માટે સૌથી વધુ પસંદગીના વિકલ્પોમાંથી એક બની ગયો છે. આ પ્રોગ્રામને પસંદ કરતા મુખ્ય દેશોમાં ચીન, વિયતનામ, ભારત, દક્ષિણ આફ્રિકા અને તુર્કીનો સમાવેશ થાય છે. ઈન્વેસ્ટમેન્ટ માઈગ્રેશન કન્સલ્ટન્સી હેન્લે એન્ડ પાર્ટનર્સના જણાવ્યા મુજબ, માલ્ટાનો ગોલ્ડન વીઝા પ્રોગ્રામ રેસિડેન્સી-બાય-ઈન્વેસ્ટમેન્ટ વીઝાની યાદીમાં ટોચ પર છે.
રેસિડેન્સી-બાય-ઈન્વેસ્ટમેન્ટ અથવા ગોલ્ડન વીઝા એ અન્ય દેશમાં સ્થળાંતર, કાયમી નિવાસ અથવા નાગરિકતા મેળવવાનો એક માર્ગ છે, જે ખાસ કરીને સંપત્તિમાન વ્યક્તિઓને નિવાસના અધિકારો ખરીદવામાં મદદ કરે છે.
માલ્ટા વીઝા પ્રોગ્રામની વિશેષતાઓ
માલ્ટા પરમેનન્ટ રેસિડેન્સી પ્રોગ્રામ (MPRP)ની માંગમાં વધારો થવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. સૌથી મોટું કારણ એ છે કે માલ્ટા યુરોપિયન યુનિયનનો સભ્ય દેશ હોવાથી તે યુરોપમાં નિવાસની સુવિધા આપે છે. આનાથી નિવાસીઓને શેંગેન ક્ષેત્રમાં મુક્તપણે મુસાફરી કરવાની તક મળે છે, જેમાં 27 યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે. હેન્લે એન્ડ પાર્ટનર્સના કન્ટ્રી હેડ રોહિત ભારદ્વાજના મતે, માલ્ટા ભૂમધ્ય સાગરના મધ્યમાં આવેલું છે અને તેનો સમૃદ્ધ ઈતિહાસ, ઉત્કૃષ્ટ સ્થાપત્ય અને સુંદર સમુદ્ર કિનારાઓ માટે જાણીતું છે.
MPRP કાયમી નિવાસની સુવિધા આપે છે, જેમાં 5 વર્ષ પછી નેચરલાઈઝેશનની શક્યતા પણ સામેલ છે. આ પ્રોગ્રામ પ્રોપર્ટીમાં રોકાણ અને સરકારી યોગદાન પર આધારિત છે. તે ખાસ કરીને પરિવારો માટે આકર્ષક છે, કારણ કે તે અરજદારોને તેમના જીવનસાથી, બાળકો અને આશ્રિત માતા-પિતા કે દાદા-દાદીને સામેલ કરવાની મંજૂરી આપે છે.
ભારતીયોને કેમ ગમે છે આ વીઝા પ્રોગ્રામ?
માલ્ટા અનેક લાભો આપે છે, જેમાં સારી કરવેરા રચના, રોકાણની તકો, સ્થિરતા અને સુરક્ષા, ઉચ્ચ જીવનધોરણ, અંગ્રેજી બોલાતું વાતાવરણ તથા કાયમી નિવાસ અને નાગરિકતાનો માર્ગ સામેલ છે.
વીઝા કેવી રીતે મળશે?
વીઝા માટે અરજી કરનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. અરજદારે એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે, જેમાં એ વાતની ઘોષણા કરવામાં આવે કે અરજીની તારીખથી તેની પાસે ઓછામાં ઓછું 500,000 યુરો (અંદાજે 4.7 કરોડ રૂપિયા)ની મૂડી છે.
જો સંપત્તિ ભાડે લીધી હોય, તો માલ્ટાના અર્થતંત્રમાં 60,000 યુરોનું યોગદાન આપવું પડશે, જે પરત નહીં મળે.
એક NGOને 2,000 યુરોનું દાન કરવું પડશે.
50,000 યુરોની એડમિનિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે, જે પણ પરત નહીં મળે.
માલ્ટા ગોલ્ડન વીઝાનું ટેક્સ સ્ટ્રક્ચર
આરઆઈએફ ટ્રસ્ટના નલવાડેના જણાવ્યા મુજબ, માલ્ટામાં અનુકૂળ કરવેરા વાતાવરણ છે, જેમાં વિદેશી આવક પર 15 ટકાનો સમાન કર દર લાગે છે, જે રોકાણકારો માટે આકર્ષક છે. આ ઉપરાંત, માલ્ટામાં અનેક ડબલ ટેક્સેશન ટ્રીટીઝ છે, જે ભારતીય નાગરિકોને બેવડા કરવેરાથી બચવામાં મદદ કરે છે.