બ્રહ્મોસથી પણ વધુ ખતરનાક! દુશ્મનોના હોશ ઉડાવવા ભારત તૈયાર કરી રહ્યું છે નવું 'સમુદ્રી હથિયાર', જાણો હાઈપરસોનિક LR-AShMની તાકાત
ભારતીય સેનામાં ટૂંક સમયમાં સામેલ થવા જઈ રહી છે હાઈપરસોનિક LR-AShM મિસાઈલ. જે બ્રહ્મોસ કરતા પણ વધુ ઝડપી અને ઘાતક છે. જાણો 1500 કિમીની રેન્જ ધરાવતા આ નવા હથિયારની ખાસિયતો વિશે.
થોમસ ન્યુડિક અને ડિફેન્સ વેબસાઈટ્સના રિપોર્ટ પ્રમાણે, બ્રહ્મોસ છેલ્લા 2 દાયકાથી ભારતની તાકાત રહી છે. બ્રહ્મોસ દુનિયાની સૌથી ફાસ્ટ ક્રૂઝ મિસાઈલ છે, પરંતુ તે 'સુપરસોનિક' છે.
ભારત હવે પોતાની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે સતત નવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર બાદ ભારતે સંરક્ષણ ક્ષેત્રે ખાસ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આ જ શ્રેણીમાં ભારતીય સેનાને ટૂંક સમયમાં એક એવું હથિયાર મળવા જઈ રહ્યું છે, જે દુશ્મનોની ઊંઘ હરામ કરી નાખશે. આ હથિયારનું નામ છે - લોન્ગ રેન્જ એન્ટી-શિપ હાઈપરસોનિક મિસાઈલ (LR-AShM). માનવામાં આવી રહ્યું છે કે આ નવી મિસાઈલ ભારતની સૌથી ફેમસ 'બ્રહ્મોસ' મિસાઈલ કરતા પણ વધારે ખતરનાક સાબિત થશે. તેની હાઈપરસોનિક સ્પીડ તેને દરિયામાં એક અજેય યોદ્ધા બનાવે છે.
દુનિયાની નજરમાં LR-AShM ની તાકાત
જર્મનીના પ્રખ્યાત ડિફેન્સ રાઈટર થોમસ ન્યુડિકે પણ ભારતની આ નવી મિસાઈલના વખાણ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, LR-AShM ભારતનું મુખ્ય સમુદ્રી હથિયાર બનવા જઈ રહ્યું છે. તેમણે આ મિસાઈલની સરખામણી બ્રહ્મોસ સાથે કરી અને કહ્યું કે, આની હાઈપરસોનિક સ્પીડ (અવાજ કરતા અનેકગણી ઝડપી) તેને અત્યંત ઘાતક બનાવે છે.
શું છે LR-AShM ની ખાસિયતો? કેમ છે આટલી ખતરનાક?
આ મિસાઈલની વિનાશક તાકાત માત્ર તેના બોમ્બ (વોરહેડ) પર આધારિત નથી. તેની અસલી તાકાત નીચે મુજબ છે:
કાઈનેટિક એનર્જી: આ મિસાઈલ એટલી તેજ ગતિએ દુશ્મનના જહાજ સાથે અથડાય છે કે તેના ધડાકા પહેલા જ જહાજનું આખું સ્ટ્રક્ચર તૂટી જાય છે. આને કાઈનેટિક એનર્જી કહેવાય છે, જે જહાજના સુરક્ષા કવચને પળવારમાં વીંધી નાખે છે.
રડારને પણ થાપ આપે: LR-AShM ની સ્પીડ અવાજની ગતિ કરતા અનેકગણી વધારે છે. દુશ્મનના રડાર કે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને વિચારવાનો કે સ્વબચાવ કરવાનો સમય જ મળતો નથી.
રિએક્શન ટાઈમ ઝીરો: સબસોનિક કે સુપરસોનિક મિસાઈલો સામે દુશ્મનો થોડું ઘણું રિએક્ટ કરી શકે છે, પણ હાઈપરસોનિક મિસાઈલ સામે જહાજ પર લાગેલી એર ડિફેન્સ સિસ્ટમ પાસે માત્ર ગણતરીની સેકન્ડો જ હોય છે. જે બચવા માટે પૂરતી નથી.
અત્યાર સુધીના પરીક્ષણોમાં આ મિસાઈલે પોતાની સ્પીડ અને સ્ટેબિલિટી સાબિત કરી દીધી છે. જેમાં રાત્રે કરવામાં આવેલું સફળ નાઈટ ટ્રાયલ પણ સામેલ છે.
બ્રહ્મોસ અને LR-AShM વચ્ચે શું ફરક છે?
થોમસ ન્યુડિક અને ડિફેન્સ વેબસાઈટ્સના રિપોર્ટ પ્રમાણે, બ્રહ્મોસ છેલ્લા 2 દાયકાથી ભારતની તાકાત રહી છે. બ્રહ્મોસ દુનિયાની સૌથી ફાસ્ટ ક્રૂઝ મિસાઈલ છે, પરંતુ તે 'સુપરસોનિક' છે. શરૂઆતમાં તેની રેન્જ આંતરરાષ્ટ્રીય નિયમોને કારણે 300 કિમી (190 માઈલ) સુધી સીમિત હતી. જોકે, હવે ભારત તેને અપગ્રેડ કરીને 900 કિમી (560 માઈલ) સુધી લઈ જઈ રહ્યું છે.
પરંતુ, LR-AShM બ્રહ્મોસથી એક ડગલું આગળ છે. તે 'હાઈપરસોનિક' છે, જેનો અર્થ છે કે તે બ્રહ્મોસ કરતા પણ વધુ સ્પીડ અને વધુ વિનાશક ક્ષમતા ધરાવે છે.
1500 કિલોમીટર સુધી દુશ્મનનો ખાતમો!
ભારતના 77માં ગણતંત્ર દિવસની પરેડમાં આ મિસાઈલની ઝલક જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, LR-AShM ની મારક ક્ષમતા લગભગ 1500 કિલોમીટર (930 માઈલ) છે. આનો સીધો અર્થ એ છે કે ભારત જમીન પરથી જ મોબાઈલ લોન્ચર દ્વારા દરિયામાં દૂર રહેલા દુશ્મન જહાજોને ટાર્ગેટ કરી શકશે. ભવિષ્યમાં આ મિસાઈલ જહાજ અને વિમાનમાંથી પણ છોડી શકાશે.
આમ, 1500 કિમીની રેન્જને કારણે દુશ્મનની ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થાય તે પહેલા જ ભારત સુરક્ષિત અંતરેથી હુમલો કરી શકશે. આ નવી ટેકનોલોજી ભારતીય નેવીને હિંદ મહાસાગરમાં એક અલગ જ પાવર આપશે.