World War 3 Alert: 2026માં આ 5 ઠેકાણેથી ભડકી શકે છે ત્રીજા વિશ્વયુદ્ધની આગ, ભારત-પાકિસ્તાનનું નામ પણ લિસ્ટમાં
World War 3 prediction 2026: શું 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? એક્સપર્ટ્સના મતે દુનિયાના આ 5 વિસ્તારોમાં તણાવ ચરમસીમા પર છે. ભારત-પાકિસ્તાન અને ગ્રીનલેન્ડ સહિત કયા દેશો છે લિસ્ટમાં? જાણો વિગતે રિપોર્ટ.
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ આમ તો દાયકાઓ જૂનો છે, પરંતુ ગયા વર્ષે મે મહિનામાં 4 દિવસ સુધી ચાલેલા સૈન્ય સંઘર્ષે સંબંધોમાં વધુ કડવાશ ભરી દીધી છે. સીઝફાયર હોવા છતાં બંને દેશો તરફથી આક્રમક નિવેદનબાજી ચાલુ જ છે.
World War III Prediction: અત્યારે વર્ષ 2026 ચાલી રહ્યું છે અને દુનિયાભરના રક્ષા નિષ્ણાતો એક મોટી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. શું આપણે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઊભા છીએ? મોટી મહાસત્તાઓના મનસ્વી વર્તનને કારણે આંતરરાષ્ટ્રીય નિયમો નબળા પડી રહ્યા છે અને તેના કારણે દુનિયાના પાંચ ચોક્કસ વિસ્તારોમાં યુદ્ધની ચિનગારી ભડકવાનો ડર છે.
વર્તમાન વર્ષ 2026ના પહેલા મહિનામાં જ દુનિયાના અલગ-અલગ ખૂણે તણાવ જોવા મળ્યો છે. એક તરફ ઈરાનમાં અમેરિકાના હુમલાનો ડર છે, તો બીજી તરફ ગ્રીનલેન્ડ પર કબ્જો કરવાના અમેરિકન પ્લાને યુરોપનું ટેન્શન વધારી દીધું છે. આ બધાની વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ તો ચાલુ જ છે અને એશિયામાં ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલી પણ ઓછી થઈ નથી. ચાલો જાણીએ એવા 5 'ફ્લેશ પોઈન્ટ' વિશે જ્યાંથી 2026માં મહાયુદ્ધ શરૂ થઈ શકે છે.
1. ગ્રીનલેન્ડનું નવું સંકટ
ગયા વર્ષ સુધી કોઈએ વિચાર્યું પણ નહોતું કે શાંત ગણાતું ગ્રીનલેન્ડ યુદ્ધનું મેદાન બની શકે છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાને ગ્રીનલેન્ડ જોઈએ છે. એટલું જ નહીં, પોતાની આ ઈચ્છા પૂરી કરવા માટે તેમણે આડકતરી રીતે સૈન્ય બળનો ઉપયોગ કરવાની પણ ધમકી આપી દીધી છે. તેઓ સતત ડેનમાર્ક અને યુરોપિયન દેશોને દબાવી રહ્યા છે.
જવાબમાં યુરોપિયન દેશોએ પણ ગ્રીનલેન્ડની સુરક્ષા માટે ત્યાં પોતાની સેના તૈનાત કરી છે. જોકે, અહીં સીધું યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા ઓછી છે, પરંતુ જો અમેરિકન અને યુરોપિયન સેના વચ્ચે નાનું અમથું પણ ઘર્ષણ થયું, તો એટલાન્ટિક પારના સંબંધો તૂટી શકે છે અને મામલો ગંભીર બની શકે છે.
2. રશિયા-યુક્રેન યુદ્ધ: ખતરનાક વળાંક પર
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ફેબ્રુઆરીમાં તેના 5મા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. 2025માં બંને દેશો વચ્ચે થયેલી શાંતિ મંત્રણાઓ નિષ્ફળ ગઈ હતી. હાલ રશિયા ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે, જ્યારે યુક્રેન મોટા હવાઈ હુમલાઓ સહન કરીને પણ અડીખમ ઊભું છે. જોકે, 2026માં આ સંઘર્ષ વધુ વકરી શકે છે.
જો યુક્રેન નબળું પડશે અને રશિયા હાવી થશે, તો કીવ પોતાના યુરોપિયન સાથીઓની મદદ માંગશે. કેટલાક યુરોપિયન દેશોએ તો ત્યાં પોતાની સેના મોકલવાનું પણ સૂચન કર્યું છે. જો યુક્રેનની ધરતી પર કે ખુલ્લા સમુદ્રમાં રશિયન અને યુરોપિયન સૈનિકો સામસામે આવી ગયા, તો પરિણામ ભયાનક હશે અને તે વિશ્વયુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે.
3. તાઈવાન પર ચીનની મેલી નજર
પશ્ચિમી પેસિફિક ક્ષેત્રમાં તાઈવાન એક સળગતો મુદ્દો બની ગયું છે. ચીન આ વિસ્તારમાં સતત પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. બીજી તરફ, તાઈવાન પણ પોતાની સુરક્ષા માટે તૈયારીઓ કરી રહ્યું છે. જોકે, સૌથી મોટો સવાલ એ છે કે શું અમેરિકા તાઈવાનની મદદે આવશે?
અમેરિકાની નીતિ આ બાબતે થોડી અસ્પષ્ટ રહી છે. ચીનને એવું લાગી રહ્યું છે કે જો અમેરિકાનું ધ્યાન આર્કટિક (ગ્રીનલેન્ડ મુદ્દે) અને પશ્ચિમી દેશોમાં બીજી જગ્યાએ ભટકાયેલું રહેશે, તો તેને તાઈવાન પર હુમલો કરવાનો મોકો મળી જશે. જો ચીન આવું પગલું ભરે છે, તો તે એક ભયંકર લડાઈની શરૂઆત હશે.
4. ઈરાનમાં વધતો તણાવ
વર્ષ 2025ની શરૂઆતથી જ ઈરાનની હાલત ખરાબ છે. ત્યાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ સ્થિતિમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે. અમેરિકાનો દાવો છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવી રહ્યું છે, તેથી સૈન્ય કાર્યવાહી જરૂરી છે.
સામે પક્ષે ઈરાને પણ સ્પષ્ટ ચેતવણી આપી છે. ઈરાની નેતૃત્વનું કહેવું છે કે જો અમેરિકા હુમલો કરશે, તો તેઓ પશ્ચિમ એશિયામાં આવેલા તમામ અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવશે. આ એક જ ઘટના આખા મધ્ય-પૂર્વ (Middle East) ને યુદ્ધની આગમાં હોમી શકે છે.
5. ભારત-પાકિસ્તાન: પરમાણુ યુદ્ધનો ડર
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ આમ તો દાયકાઓ જૂનો છે, પરંતુ ગયા વર્ષે મે મહિનામાં 4 દિવસ સુધી ચાલેલા સૈન્ય સંઘર્ષે સંબંધોમાં વધુ કડવાશ ભરી દીધી છે. સીઝફાયર હોવા છતાં બંને દેશો તરફથી આક્રમક નિવેદનબાજી ચાલુ જ છે. સૌથી મોટી ચિંતા એ છે કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ હથિયારો ધરાવતા દેશો છે. દુનિયાને ડર છે કે જો અહીં કોઈ નાની ચિનગારી પણ પડી, તો તે વિનાશક સાબિત થઈ શકે છે.
આજની પરિસ્થિતિ જોતા કહી શકાય કે 10 વર્ષ પહેલાની સરખામણીએ આજે દુનિયા ઓછી સુરક્ષિત છે. દેશો એકબીજાને ઉશ્કેરી રહ્યા છે અને વાતચીતથી મામલો ઉકેલવાના રસ્તાઓ બંધ થઈ રહ્યા છે. છતાં, આશા રાખી શકાય કે 2026માં દુનિયાના નેતાઓ સમજદારી બતાવશે અને કોઈ મોટું વિનાશક યુદ્ધ ફાટી નહીં નીકળે.