વાહનવ્યવહાર માટે હજુ પણ કુલ 59 રસ્તાઓ સંપૂર્ણપણે બંધ છે. જેમાં મંડી જિલ્લાની હાલત સૌથી ખરાબ છે, જ્યાં 27 રસ્તાઓ ઠપ છે.
Himachal Pradesh rain : હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસું લોકો માટે એક મોટી આફત બનીને આવ્યું છે. 30 જૂનથી લઈને 15 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં મેઘરાજાએ રાજ્યમાં એવી તારાજી સર્જી છે કે લોકો હજુ પણ ડરમાં જીવી રહ્યા છે. કુદરતના આ રૌદ્ર સ્વરૂપને કારણે રાજ્યને 3212.21 કરોડ રૂપિયાનું મસમોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જ્યારે 296 કમનસીબ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
જાનમાલનું ભારે નુકસાન અને અકસ્માતો
રાજ્યમાં પડેલા ભારે વરસાદ, ભૂસ્ખલન અને ક્લાઈમેટ ચેન્જની સીધી અસર લોકોના જીવ પર પડી છે. આંકડાઓ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં કુલ 296 લોકોનાં મૃત્યુ થયા છે. જેમાંથી 119 લોકોના જીવ સીધી કુદરતી આપત્તિઓને કારણે ગયા છે. જ્યારે 177 લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત, આ કુદરતી કહેરમાં 520 લોકો ગંભીર કે સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મકાનો અને સરકારી સંપત્તિ વેરવિખેર
વરસાદ અને પહાડો ધસી પડવાને કારણે અનેક લોકોના આશિયાના છીનવાઈ ગયા છે. પ્રદેશમાં 131 મકાનો સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા છે, જ્યારે 502 મકાનોને આંશિક નુકસાન પહોંચ્યું છે. સરકારી વિભાગોની વાત કરીએ તો, સૌથી મોટો ફટકો લોક નિર્માણ વિભાગને પડ્યો છે. તેમને 2744.67 કરોડ રૂપિયાનું જંગી નુકસાન થયું છે. આ સાથે જ જલ શક્તિ વિભાગને પણ 38.57 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.
હજુ પણ 59 રસ્તાઓ બંધ, જનજીવન પ્રભાવિત
રાજ્યમાં વરસાદ ભલે થોડો શાંત થયો હોય, પરંતુ તારાજીના નિશાન હજુ પણ કાયમ છે. વાહનવ્યવહાર માટે હજુ પણ કુલ 59 રસ્તાઓ સંપૂર્ણપણે બંધ છે. જેમાં મંડી જિલ્લાની હાલત સૌથી ખરાબ છે, જ્યાં 27 રસ્તાઓ ઠપ છે. આ ઉપરાંત કુલ્લુ જિલ્લામાં 12 રસ્તાઓ બંધ છે. એટલું જ નહીં, લોકો સુધી પીવાનું પાણી પહોંચાડતી 11 પેયજલ યોજનાઓ અને 2 વીજળીના ટ્રાન્સફોર્મર હજુ પણ બંધ પડેલા છે. જોકે, તંત્ર દ્વારા આ બધું પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ છે.
હવામાન વિભાગની રાહત આપતી આગાહી
આ બધા મુશ્કેલ સમય વચ્ચે સ્થાનિક લોકો અને પ્રશાસન માટે એક રાહતના સમાચાર છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ જ સંભાવના નથી. 16 અને 17 સપ્ટેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં માત્ર હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે 18 થી 21 સપ્ટેમ્બર વચ્ચે હવામાન મોટે ભાગે એકદમ સાફ રહેશે અને માત્ર ગણ્યાંગાંઠ્યા વિસ્તારોમાં જ છૂટોછવાયો વરસાદ જોવા મળશે. આ આગાહીથી સરકારની રાહત અને બચાવ કામગીરીને મોટી મદદ મળશે.