અત્યાર સુધી એવું થતું હતું કે રસ્તો કે પુલ બની જાય અને તૂટે ત્યારે ખામીઓ બહાર આવતી હતી. પરંતુ નવી સિસ્ટમમાં IIT ના એક્સપર્ટ્સ પ્રોજેક્ટની શરૂઆતથી લઈને અંત સુધી બારીક નજર રાખશે.
ઉત્તર પ્રદેશમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં હવે ક્વોલિટી સાથે કોઈ જ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્યમાં રસ્તા કે પુલ બન્યા પછી તરત તૂટી જવાની ઘટનાઓને રોકવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે એક મોટો અને કડક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. હવે રાજ્યમાં 100 કરોડથી વધુના ખર્ચે બનતા પ્રોજેક્ટ્સનું ઓડિટ સરકારી બાબુઓ નહીં, પરંતુ દેશની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના નિષ્ણાતો કરશે.
સરકારે આ માટે થર્ડ પાર્ટી ક્વોલિટી ઓડિટની નવી સિસ્ટમ લાગુ કરી છે. આ અંતર્ગત IIT કાનપુર, IIT BHU અને IIT રૂરકીને મોટા પ્રોજેક્ટ્સની ટેકનિકલ ગુણવત્તા તપાસવાની કમાન સોંપવામાં આવી છે.
પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે નહીં, શરૂઆતથી જ થશે તપાસ
અત્યાર સુધી એવું થતું હતું કે રસ્તો કે પુલ બની જાય અને તૂટે ત્યારે ખામીઓ બહાર આવતી હતી. પરંતુ નવી સિસ્ટમમાં IIT ના એક્સપર્ટ્સ પ્રોજેક્ટની શરૂઆતથી લઈને અંત સુધી બારીક નજર રાખશે. આ ઓડિટમાં રસ્તા, પુલ, સીવરેજ સિસ્ટમ અને પાણી પુરવઠાના પ્રોજેક્ટ્સ સામેલ હશે.
આ ઓડિટમાં મુખ્યત્વે નીચેની બાબતોનું ચેકિંગ થશે.
પ્રોજેક્ટની ડિઝાઇન યોગ્ય છે કે નહીં.
નિર્માણમાં કઈ ટેકનિકનો ઉપયોગ થઈ રહ્યો છે.
સિમેન્ટ, સળિયા સહિતની બાંધકામ સામગ્રીની ગુણવત્તા કેવી છે.
નિર્ધારિત ટેકનિકલ અને સેફ્ટી ધોરણોનું પાલન થાય છે કે કેમ.
કઈ IIT ને કયા વિસ્તારોની જવાબદારી મળી?
આખા ઉત્તર પ્રદેશને અલગ-અલગ ઝોનમાં વહેંચીને ત્રણેય મોટી સંસ્થાઓને જવાબદારી અપાઈ છે.
IIT કાનપુર: તેને 8 ડિવિઝનની જવાબદારી મળી છે. જેમાં કાનપુર, લખનૌ, બાંદા, પ્રયાગરાજ, અયોધ્યા, આગ્રા, ઝાંસી અને દેવીપાટનનો સમાવેશ થાય છે.
IIT BHU (વારાણસી): આ સંસ્થા બસ્તી, ગોરખપુર, આઝમગઢ, વારાણસી અને મિર્ઝાપુર એમ 5 ડિવિઝનના પ્રોજેક્ટ્સનું ધ્યાન રાખશે.
IIT રૂરકી: સહારનપુર, મુરાદાબાદ, બરેલી, મેરઠ અને અલીગઢ જેવા 5 ડિવિઝનમાં કામગીરી સંભાળશે.
આ આકરો નિર્ણય કેમ લેવાયો?
તાજેતરમાં જ ઉન્નાવમાં બનેલા ગ્રીનફિલ્ડ નેશનલ એલિવેટેડ એક્સપ્રેસવેનો એક હિસ્સો ઉદ્ઘાટનના થોડા જ દિવસોમાં ધસી પડ્યો હતો. લગભગ 4200 કરોડના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટનું 13 જુલાઈના રોજ સીએમ યોગી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને નીતિન ગડકરીની હાજરીમાં લોકાર્પણ થયું હતું. પરંતુ માત્ર 12 દિવસ પછી તેમાં ભંગાણ પડતાં નિર્માણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા.