31 December Deadline: 31 ડિસેમ્બર છેલ્લી તક! બેંક-આધાર અને ટેક્સના આ 3 કામ આજે જ પતાવો, નહીંતર નવા વર્ષમાં પસ્તાશો
31 December Deadline: 31 ડિસેમ્બર 2025 પહેલા ITR, GST, પાન-આધાર લિંકિંગ અને બેંક લોકરના જરૂરી કામો પૂરા કરો. જો આ તારીખ ચૂકી જશો તો ભારે દંડ અને નુકસાન થઈ શકે છે. જાણો સંપૂર્ણ માહિતી.
31 ડિસેમ્બર 2025 પહેલા ITR, GST, પાન-આધાર લિંકિંગ અને બેંક લોકરના જરૂરી કામો પૂરા કરો.
31 December Deadline: વર્ષ 2025 હવે પૂરું થવાના આરે છે અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ વચ્ચે દરેક કરદાતા અને બેંક ગ્રાહક માટે એક અત્યંત જરૂરી સૂચના છે. 31 ડિસેમ્બર માત્ર કેલેન્ડર બદલવાની તારીખ નથી, પરંતુ ઘણાં અગત્યના નાણાકીય કામો પૂરા કરવાની છેલ્લી તારીખ પણ છે.
જો તમે આ જરૂરી કામો 31 ડિસેમ્બર સુધીમાં પૂરા નહીં કરો, તો નવા વર્ષમાં તમને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તમને દંડ ભરવો પડી શકે છે, વ્યાજ લાગી શકે છે અને બેંકિંગ સેવાઓથી લઈને ટેક્સ રિફંડ સુધીની પ્રક્રિયાઓ અટકી શકે છે. ચાલો જાણીએ એવા ત્રણ મુખ્ય કામો વિશે જે તમારે સમયસર પૂરા કરવા જ જોઈએ.
1. મોડું અને સુધારેલું ITR ફાઈલ કરવાની અંતિમ તક
આ વર્ષે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર હતી. જો તમે કોઈ કારણોસર નિયત સમયમાં ITR ફાઈલ નથી કરી શક્યા, તો ચિંતા કરશો નહીં. તમારી પાસે 31 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે 'બિલેટેડ રિટર્ન' ફાઈલ કરવાનો મોકો છે.
બિલેટેડ રિટર્ન: આ માટે તમારે આવકવેરા કાયદાની કલમ 234F હેઠળ લેટ ફી અને કલમ 234A મુજબ વ્યાજ ચૂકવવું પડશે.
સુધારેલું રિટર્ન: જે કરદાતાઓએ સમયસર ITR ભરી દીધું હતું પરંતુ તેમાં કોઈ ભૂલ રહી ગઈ હોય, તેઓ પણ 31 ડિસેમ્બર સુધી કોઈપણ જાતની લેટ ફી વગર 'રિવાઇઝ્ડ રિટર્ન' ફાઈલ કરી શકે છે. જોકે, જો તમારી ટેક્સ જવાબદારી વધતી હોય તો તમારે વધારાનો ટેક્સ અને તેના પર લાગતું વ્યાજ ચૂકવવું પડશે.
2. GST અને કંપની ફાઈલિંગની ડેડલાઈન
જે લોકો વેપાર-ધંધા સાથે સંકળાયેલા છે, તેમના માટે પણ 31 ડિસેમ્બર ખૂબ જ મહત્વની તારીખ છે. નાણાકીય વર્ષ 2024-25 માટે GST વાર્ષિક રિટર્ન (GSTR-9 અને GSTR-9C) ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે. આ ઉપરાંત, કંપનીઓએ પોતાના વાર્ષિક રિટર્ન (MGT-7) અને ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ (AOC-4) પણ આજ તારીખ સુધીમાં જમા કરાવવાના રહેશે. જો આ ડેડલાઈન ચૂકી જવાય તો ભારે પેનલ્ટી લાગી શકે છે.
3. PAN-આધાર લિંક અને બેંક લોકર એગ્રીમેન્ટ
બેંકિંગ અને ટેક્સ સંબંધિત વ્યવહારો સરળતાથી ચાલુ રહે તે માટે નીચેના કામો પણ અત્યંત જરૂરી છે:
PAN-આધાર લિંકિંગ: જો તમે 1 ઓક્ટોબર 2024 પહેલા આધાર એનરોલમેન્ટ ID દ્વારા PAN કાર્ડ કઢાવ્યું હોય, તો તમારા માટે 31 ડિસેમ્બર સુધીમાં તેને આધાર સાથે લિંક કરાવવું ફરજિયાત છે. જો આમ નહીં કરો તો તમારું PAN કાર્ડ નિષ્ક્રિય (Inactive) થઈ શકે છે, જેના કારણે તમારા બેંકિંગ અને ટેક્સ સંબંધિત કામો અટકી શકે છે.
બેંક લોકર એગ્રીમેન્ટ: જે ગ્રાહકો બેંકમાં લોકરની સુવિધા ધરાવે છે, તેમણે બેંક સાથે અપડેટેડ લોકર રેન્ટલ એગ્રીમેન્ટ પર સહી કરવાની રહેશે. જો તમે નિર્ધારિત સમય સુધીમાં આ એગ્રીમેન્ટ અપડેટ નહીં કરાવો, તો તમારું લોકર સીલ થઈ શકે છે અથવા તેની ફાળવણી રદ પણ થઈ શકે છે.
આમ, નવા વર્ષની શરૂઆત કોઈપણ પ્રકારની નાણાકીય ચિંતા વગર કરવા માટે ઉપરોક્ત તમામ કામો 31 ડિસેમ્બર 2025 પહેલા જ પૂરા કરી લેવાની સલાહ છે. છેલ્લી ઘડીની દોડધામથી બચવા માટે આજે જ આ કામોને પ્રાથમિકતા આપો.