8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! વાર્ષિક ઈન્ક્રીમેન્ટ બમણું કરવા, પેન્શન 67% કરવા અને HRA વધારવાની માંગ | Moneycontrol Gujarati
Get App

8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! વાર્ષિક ઈન્ક્રીમેન્ટ બમણું કરવા, પેન્શન 67% કરવા અને HRA વધારવાની માંગ

8મા પગાર પંચ સમક્ષ NC-JCM એ પોતાની ભલામણો સોંપી છે. જેમાં વાર્ષિક ઈન્ક્રીમેન્ટ 3% થી વધારીને 6% કરવા, પેન્શન 67% કરવા અને HRA વધારવાની મોટી માંગણી કરવામાં આવી છે. જાણો વિગત.

અપડેટેડ 06:02:10 PM Nov 10, 2026 પર
Story continues below Advertisement
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને બેઝિક સેલરી પર દર વર્ષે 3 ટકા ઈન્ક્રીમેન્ટ મળે છે. NC-JCM એ તેને સીધું બમણું કરીને 6 ટકા કરવાની માંગ કરી છે.

8th Pay Commission: 8મા પગાર પંચ દ્વારા હાલમાં વિવિધ કર્મચારી યુનિયનો અને પેન્શનર્સ એસોસિએશન સાથે બેઠકો કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. આ દરમિયાન નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીએ પગાર પંચને પોતાની મહત્વપૂર્ણ ભલામણો સોંપી દીધી છે.

આ ભલામણોમાં વાર્ષિક ઈન્ક્રીમેન્ટનો દર બમણો કરવા, પેન્શન વધારવા, હાઉસ રેન્ટ અલાઉન્સમાં વધારો કરવા અને નિવૃત્તિ સમયે મળતા લીવ એનકેશમેન્ટની મર્યાદા વધારવા જેવા મોટા પ્રસ્તાવો સામેલ છે. જો પગાર પંચ અને સરકાર દ્વારા આ માંગણીઓ સ્વીકારવામાં આવે છે, તો કેન્દ્રીય કર્મચારીઓના માસિક પગાર અને રિટાયરમેન્ટ પછી મળતા લાભોમાં મોટો બદલાવ આવી શકે છે.

1. પેન્શન 50% થી વધારીને 67% કરવાની માંગ


NC-JCM એ કેન્દ્રીય કર્મચારીઓનું પેન્શન છેલ્લા પગારના 67 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલના નિયમ મુજબ કર્મચારીઓને છેલ્લા પગારના 50 ટકા પેન્શન મળે છે. આ ઉપરાંત, ફેમિલી પેન્શનનો દર પણ હાલના 30 ટકાથી વધારીને 50 ટકા કરવાની માંગ કરવામાં આવી છે. જો આ પ્રસ્તાવ મંજૂર થાય છે, તો નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારોને મળતા માસિક પેન્શનમાં મોટો વધારો થશે.

2. વાર્ષિક ઈન્ક્રીમેન્ટ 3% થી વધારીને 6% કરવામાં આવે

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને બેઝિક સેલરી પર દર વર્ષે 3 ટકા ઈન્ક્રીમેન્ટ મળે છે. NC-JCM એ તેને સીધું બમણું કરીને 6 ટકા કરવાની માંગ કરી છે. કર્મચારી સંગઠનનું કહેવું છે કે દેશમાં મોંઘવારી ખૂબ જ ઝડપથી વધી રહી છે, તેવામાં વાર્ષિક માત્ર 3 ટકાનું ઈન્ક્રીમેન્ટ પૂરતું નથી.

3. HRAના વર્તમાન દરોમાં વધારો કરવાની માંગ

કર્મચારી સંગઠને હાઉસ રેન્ટ અલાઉન્સમાં પણ મોટા વધારાની માંગણી કરી છે.

હાલમાં શહેરોની કેટેગરી મુજબ HRA ના દરો 30 ટકા, 20 ટકા અને 10 ટકા છે. મેટ્રો શહેરોમાં બેઝિક પગારના 30 ટકા, મધ્યમ કદના શહેરોમાં 20 ટકા અને બાકીના નાના શહેરોમાં 10 ટકા HRA મળે છે.કર્મચારી સંગઠને આ દરો વધારીને અનુક્રમે 40 ટકા, 35 ટકા અને 30 ટકા કરવાની માંગ કરી છે.

4. લીવ એનકેશમેન્ટની મર્યાદા વધારીને 600 દિવસ કરાય

કેન્દ્રીય કર્મચારીઓ હાલમાં પોતાની નિવૃત્તિ સમયે મહત્તમ 300 દિવસની જમા થયેલી રજાઓનું રોકડમાં રૂપાંતર કરી શકે છે. NC-JCMએ આ મર્યાદા બમણી કરીને 600 દિવસ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, લીવ એનકેશમેન્ટની ગણતરીમાં બેઝિક પે અને મોંઘવારી ભથ્થા જેવા માન્ય પગારના ઘટકોને સામેલ કરવામાં આવે છે.

5. પે લેવલ 2 અને 3 ને મર્જ કરીને 83,200 બેઝિક પેનો પ્રસ્તાવ

NC-JCM એ વર્તમાન પે મેટ્રિક્સના કેટલાક સ્તરોને એકબીજામાં મર્જ કરવાની પણ ભલામણ કરી છે. જે અંતર્ગત લેવલ 2 અને લેવલ 3ના કર્મચારીઓના લઘુત્તમ બેઝિક પગારને ભેળવીને 83,200નો એક સમાન પે સ્કેલ બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જો આ માંગ સ્વીકારવામાં આવે તો સંબંધિત પે લેવલના કર્મચારીઓના પગાર માળખામાં મોટો ફેરફાર થઈ શકે છે.

ક્યારે આવશે 8મા પગાર પંચનો રિપોર્ટ?

8મું પગાર પંચ તમામ કર્મચારી યુનિયનો અને પેન્શનર્સ એસોસિએશનની માંગણીઓ પર વિચારણા કર્યા બાદ પોતાનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કરશે. આશા છે કે પંચ આવતા વર્ષે મે મહિના સુધીમાં પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દેશે. ત્યારબાદ સરકાર આ રિપોર્ટનો અભ્યાસ કરીને અંતિમ નિર્ણય લેશે. જો પંચ મે મહિના સુધીમાં પોતાની ભલામણો સોંપી દે, તો સરકાર આવતા વર્ષના અંત સુધીમાં તેના પર અંતિમ મહોર લગાવી શકે છે.

આ પણ વાંચો-Crude Oil Price: ક્રૂડ ઓઈલ $90ની નીચે સરકતા શેરબજારના આ 5 સેક્ટરમાં આવશે મોટી હલચલ, જાણો કઈ કંપનીઓને થશે સીધો ફાયદો

MoneyControl News

MoneyControl News

First Published: Nov 10, 2026 6:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.