SBIના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો! સતત 6 દિવસ બંધ રહેશે બેંક, જાણો શા માટે લેવાયો આ નિર્ણય | Moneycontrol Gujarati
Get App

SBIના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો! સતત 6 દિવસ બંધ રહેશે બેંક, જાણો શા માટે લેવાયો આ નિર્ણય

શું તમારું ખાતું પણ દેશની સૌથી મોટી બેંક SBIમાં છે? તો આ સમાચાર તમારા માટે છે. સતત 6 દિવસ સુધી SBI ની શાખાઓ બંધ રહેશે. જાણો હડતાલ અને રજાઓનું સંપૂર્ણ લિસ્ટ જેથી તમને કોઈ મુશ્કેલી ન પડે.

અપડેટેડ 04:23:37 PM May 19, 2026 પર
Story continues below Advertisement
યુનિયને સ્પષ્ટ કર્યું છે કે, બે દિવસની આ મોટી હડતાલ પહેલા તેઓ વિવિધ તબક્કામાં વિરોધ નોંધાવશે.

SBI Bank Branch: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના કરોડો ગ્રાહકો માટે એક ખૂબ જ અગત્યના સમાચાર છે. જો તમારે બેંક બ્રાન્ચમાં જઈને કોઈ જરૂરી કામ પતાવવાનું હોય, તો તે જલ્દીથી પતાવી લેજો. કારણ કે, આવનારા સમયમાં સતત 6 દિવસ સુધી SBI બેંકની તમામ શાખાઓમાં કામકાજ સંપૂર્ણપણે બંધ રહેવાનું છે.

સતત 6 દિવસ બેંક શા માટે બંધ રહેશે?

ગ્રાહકો માટે 23 મે (શનિવાર) થી લઈને આવતા ગુરુવાર સુધી બેંકની બધી જ બ્રાન્ચ બંધ રહેશે. હવે બેંક સીધી શુક્રવાર, 29 મે ના રોજ જ કામકાજ માટે ખુલશે. સતત 6 દિવસ બેંક બંધ રહેવાનું પૂરું લિસ્ટ આ મુજબ છે:

23 મે: મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે.

24 મે: રવિવારની સાપ્તાહિક રજા.


25 અને 26 મે (2026): SBI બેંકના કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાલ.

27 અને 28 મે: બકરીદના તહેવારને કારણે દેશના અનેક રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

કર્મચારીઓ શા માટે હડતાલ પર જઈ રહ્યા છે?

ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા 25 અને 26 મે 2026 ના રોજ બે દિવસીય હડતાલની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારી યુનિયનનો મુખ્ય આરોપ એ છે કે બેંકનું મેનેજમેન્ટ કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર જ મનસ્વી રીતે નિર્ણયો લાગુ કરી રહ્યું છે, જેનાથી સીધી રીતે કર્મચારીઓના હકો પર અસર પડી રહી છે.

બેંક કર્મચારીઓની મુખ્ય માંગણીઓ શું છે?

પોતાના હકો અને કામ કરવાના યોગ્ય વાતાવરણ માટે કર્મચારી યુનિયને મેનેજમેન્ટ સમક્ષ કુલ 16 જેટલી મોટી માંગણીઓ મૂકી છે, જેમાં મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.

નવી ભરતી: છેલ્લા ઘણા વર્ષોથી બેંકમાં સહાયક સ્ટાફ અને મેસેન્જરની કોઈ નવી ભરતી થઈ નથી, જેના કારણે આ પદો ધીમે ધીમે ખતમ થવાની અણી પર છે.

સુરક્ષાનો અભાવ: ઘણી બધી બ્રાન્ચમાં હથિયારધારી ગાર્ડની ભારે અછત છે. સુરતની એક SBI શાખામાં થયેલી લૂંટનો દાખલો આપીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની માંગ કરવામાં આવી છે.

NPSનો મુદ્દો: અન્ય સરકારી બેંકોની જેમ જ SBI ના કર્મચારીઓને પણ પોતાનો પેન્શન ફંડ મેનેજર બદલવાનો વિકલ્પ મળવો જોઈએ, જે હાલમાં અપાતો નથી.

પગારમાં અસમાનતા: ઉચ્ચ અધિકારીઓનો પગાર વધારવા માટે સ્પેશિયલ-પે આપવામાં આવે છે, પરંતુ સામાન્ય વર્કમેન સ્ટાફને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

હડતાલ પહેલા થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન

યુનિયને સ્પષ્ટ કર્યું છે કે, બે દિવસની આ મોટી હડતાલ પહેલા તેઓ વિવિધ તબક્કામાં વિરોધ નોંધાવશે. આ માટે લંચ ટાઈમ દરમિયાન પ્રદર્શન, સોશિયલ મીડિયા પર કેમ્પેઈન, પ્રેસ કોન્ફરન્સ અને ધરણા યોજવામાં આવશે. આ સાથે જ દેશના નાણામંત્રી અને પ્રધાનમંત્રીને એક આવેદનપત્ર પણ સોંપવામાં આવશે.

આ પણ વાંચો-Closing Bell: નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ

MoneyControl News

MoneyControl News

First Published: May 19, 2026 4:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.