PPF અને NSCના રોકાણકારો માટે મોટા સમાચાર! વ્યાજદરમાં થઈ શકે છે ફેરફાર, જાણો લેટેસ્ટ રેટ્સ
Small Savings Scheme: શું તમે PPF કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરો છો? સરકાર ટૂંક સમયમાં સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદરોની સમીક્ષા કરવા જઈ રહી છે. જાણો જાન્યુઆરી-માર્ચ 2026 ક્વાર્ટર માટે શું હોઈ શકે છે નવા દરો અને હાલમાં કઈ સ્કીમમાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ.
હાલના દરો પર નજર કરીએ તો, સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં સૌથી વધુ વળતર વરિષ્ઠ નાગરિકો અને દીકરીઓ માટેની યોજનાઓમાં મળી રહ્યું છે.
Small Savings Scheme: જો તમે પણ પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ જેવી કે PPF અથવા NSC માં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ આ બચત યોજનાઓના વ્યાજદરોમાં ફેરફાર કરી શકે છે. નાણા મંત્રાલય આગામી 31 ડિસેમ્બર, 2025 ના રોજ સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદરોની સમીક્ષા કરી શકે છે.
જો સરકાર દ્વારા નવા દરોની જાહેરાત કરવામાં આવે છે, તો તે જાન્યુઆરી થી માર્ચ 2026 ના ત્રિમાસિક ગાળા માટે લાગુ થશે. ભારતમાં એક મોટો વર્ગ છે જે સુરક્ષિત રોકાણ માટે આ સરકારી યોજનાઓ પર ભરોસો કરે છે, તેથી આ નિર્ણયની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.
સુકન્યા અને સિનિયર સિટિઝન સ્કીમમાં સૌથી વધુ વ્યાજ
હાલના દરો પર નજર કરીએ તો, સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં સૌથી વધુ વળતર વરિષ્ઠ નાગરિકો અને દીકરીઓ માટેની યોજનાઓમાં મળી રહ્યું છે. અત્યારે 'સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ' (SCSS) અને 'સુકન્યા સમૃદ્ધિ યોજના' (SSY) બંનેમાં 8.2% (ટકા) વ્યાજ મળી રહ્યું છે, જે સૌથી વધારે છે. જ્યારે નોકરિયાત વર્ગમાં લોકપ્રિય એવી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમનો વ્યાજદર 7.1% છે.
RBI એ રેપો રેટ ઘટાડ્યો, છતાં બચત યોજનાઓના દર સ્થિર
નોંધનીય બાબત એ છે કે આ વર્ષે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. RBI દ્વારા વ્યાજદરમાં કુલ 1.25% નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ બેંકોએ પણ તેમની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરો ઘટાડી દીધા છે.
જોકે, રેપો રેટ ઘટવા છતાં સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ના ક્વાર્ટર માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમના દરોમાં કોઈ ઘટાડો કર્યો ન હતો અને તેને યથાવત રાખ્યા હતા. હાલમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર 7.7%, પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ પર 7.4% અને કિસાન વિકાસ પત્ર (KVP) પર 7.5% વ્યાજ મળી રહ્યું છે.
સરકાર દર ત્રણ મહિને (દરેક ક્વાર્ટરમાં) આ સ્કીમ્સના રેટ્સની સમીક્ષા કરે છે. મની મંત્રાના ફાઉન્ડર વિરલ ભટ્ટના જણાવ્યા મુજબ, "સરકાર સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે." નાણા મંત્રાલય RBI સાથે મળીને ફુગાવા અને બેન્ચમાર્ક યીલ્ડ્સના આધારે આ સમીક્ષા કરે છે. ભૂતકાળમાં પણ માર્કેટની સ્થિતિને આધારે વ્યાજદરમાં વધઘટ જોવા મળી છે.
રોકાણકારો માટે PPF સૌથી સુરક્ષિત વિકલ્પ
સરકાર બચત યોજનાઓના વ્યાજદરો નક્કી કરવા માટે એક ખાસ ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે, જે માર્કેટ યીલ્ડ આધારિત હોય છે. એક્સપર્ટ્સનું માનવું છે કે વ્યાજદરોમાં ફેરફારની શક્યતા હંમેશા રહેલી છે, તેમ છતાં લોકો માટે આ સ્કીમ્સ રોકાણનું સૌથી સુરક્ષિત માધ્યમ છે.
ખાસ કરીને PPFમાં લોકો મોટી સંખ્યામાં રોકાણ કરે છે. PPF 15 વર્ષમાં મેચ્યોર થાય છે અને તે લાંબા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સ્કીમ્સને સરકારનું પીઠબળ હોવાથી પૈસા ડૂબવાનો ડર રહેતો નથી અને નિયમિત રોકાણથી મોટું ભંડોળ તૈયાર કરી શકાય છે.