India Economy 2026: શું 2026માં ભારતની ગ્રોથ સૌને ચોંકાવી દેશે? નીલેશ શાહની ભવિષ્યવાણીથી રોકાણકારો એલર્ટ | Moneycontrol Gujarati
Get App

India Economy 2026: શું 2026માં ભારતની ગ્રોથ સૌને ચોંકાવી દેશે? નીલેશ શાહની ભવિષ્યવાણીથી રોકાણકારો એલર્ટ

India Economy 2026: વર્ષ 2026માં ભારતની અર્થવ્યવસ્થા અને શેરબજારની ચાલ કેવી રહેશે? કોટક મહિન્દ્રાના નીલેશ શાહે રોકાણકારોને સાવધાન કરતા શું કહ્યું? જાણો ચીનની સ્થિતિનો ભારતને કેવી રીતે થશે ફાયદો.

અપડેટેડ 04:54:28 PM Jan 01, 2026 પર
Story continues below Advertisement
ચીનની અર્થવ્યવસ્થા વિશે વાત કરતા શાહે કહ્યું કે, ત્યાં ભલે આર્થિક તરક્કી દેખાતી હોય પણ શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ છે.

India Economy 2026: વર્ષ 2026 ભારતીય અર્થવ્યવસ્થા માટે અનેક ફેરફારો લઈને આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ભારતની ગ્રોથ સ્ટોરી ચર્ચામાં છે, ત્યારે હવે કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર નીલેશ શાહે આવનારા વર્ષ માટે મહત્વના સંકેતો આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે દેશનો વિકાસ ચોંકાવનારો હશે, પરંતુ રોકાણકારોએ હવે પોતાની અપેક્ષાઓમાં થોડો બદલાવ લાવવો પડશે.

શેરબજારની રફતાર: ધીમી પણ મક્કમ

નીલેશ શાહે કોટક મ્યુચ્યુઅલ ફંડના ‘2026 વાર્ષિક માર્કેટ આઉટલુક’ રિપોર્ટમાં જણાવ્યું છે કે પાછલા વર્ષોમાં શેરબજારમાં જે તોફાની તેજી જોવા મળી હતી, તેવી અપેક્ષા 2026માં રાખવી જોઈએ નહીં. રોકાણકારોએ હવે થોડી ધીમી રફતાર માટે તૈયાર રહેવું પડશે. તેમણે કહ્યું કે, "2026માં પણ શેરબજારમાંથી સારું રિટર્ન મળવાની પૂરી આશા છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોની અસાધારણ તેજીને જોતા હવે અપેક્ષાઓ થોડી વાસ્તવિક અને ઓછી રાખવી હિતાવહ છે." ટૂંકમાં, કમાણી થશે પણ ધીરજ રાખવી પડશે.

વૈશ્વિક અર્થવ્યવસ્થા અને બદલાતી નીતિઓ

શાહના મતે, દુનિયાની અર્થવ્યવસ્થા હવે એક એવા તબક્કામાં પ્રવેશી રહી છે જ્યાં ‘મોનેટરી સપોર્ટ’ (નાણાકીય ટેકો) ઓછો થશે અને ‘ફિસ્કલ પોલિસી’ (સરકારી નીતિઓ) ડ્રાઈવિંગ સીટ પર હશે. જોકે વ્યાજદરોમાં ઘટાડો શરૂ થઈ ગયો છે, પરંતુ જે માહોલને કારણે પહેલા બજારમાં મોટી તેજી આવી હતી, તે હવે બદલાઈ રહ્યો છે. 2025 ની સરખામણીએ 2026માં ગ્રોથ થોડો ધીમો પડી શકે છે.


આ જોખમો માટે રહેવું પડશે તૈયાર

નીલેશ શાહે આવનારા સમયમાં બજાર પર અસર કરી શકે તેવા કેટલાક જોખમો વિશે પણ ચેતવણી આપી છે:

મોંઘવારી: ફુગાવો ફરીથી માથું ઊંચકી શકે છે.

ટેકનોલોજી: AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)માં બની રહેલો પરપોટો અને મોટા ટેકનિકલ ફેરફારો.

ભૂ-રાજકીય તણાવ: અમેરિકા અને ચીન વચ્ચેની હરીફાઈ અને અન્ય વૈશ્વિક તણાવ.

ડી-ડોલરરાઈઝેશન: દુનિયાભરમાં ડોલરનો પ્રભાવ ઓછો થવો એ પણ એક મોટું જોખમ છે.

ચીનની નબળાઈ ભારત માટે ફાયદાકારક

ચીનની અર્થવ્યવસ્થા વિશે વાત કરતા શાહે કહ્યું કે, ત્યાં ભલે આર્થિક તરક્કી દેખાતી હોય પણ શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ છે. આજના સમયમાં ચીનનો CSI 300 ઈન્ડેક્સ લગભગ એ જ લેવલ પર છે જ્યાં તે 17 વર્ષ પહેલા હતો. આ સ્થિરતા અને વારંવાર આવતી મંદીને કારણે રોકાણકારો ત્યાંથી પૈસા પાછા ખેંચી શકે છે. જો ચીનના બજારમાં મોટો ઘટાડો આવે છે, તો ગ્લોબલ ફંડ્સ ભારત જેવા મજબૂત વિકલ્પ તરફ વળશે, જેનો સીધો ફાયદો આપણા બજારને થશે.

2026માં ભારતનો ગ્રોથ કેવો રહેશે?

છેલ્લા એક દાયકામાં ભારતમાં થયેલા માળખાગત ફેરફારોને નીલેશ શાહે ખૂબ મહત્વના ગણાવ્યા છે. ઊંચી મોંઘવારી અને નબળી બેંકોની સ્થિતિમાંથી બહાર આવીને આજે ભારત 'મેક્રો સ્ટેબિલિટી' અને મજબૂત બેલેન્સ શીટ સાથે ઊભું છે. ભારતના વિકાસ દર (Growth Rate) અંગે તેમણે કહ્યું કે, "ભારતની ગ્રોથ ‘મિડ સિંગલ ડિજિટ’માં રહેવાની શક્યતા છે. ડબલ ડિજિટ ગ્રોથની આશા રાખવી હાલ મુશ્કેલ છે, પરંતુ તેમ છતાં ભારત દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકસતો દેશ બની રહેશે."

આ પણ વાંચો-RBI Governor: વૈશ્વિક પડકારો છતાં ભારતીય અર્થવ્યવસ્થા સુપરફાસ્ટ! RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આપ્યું મોટું નિવેદન

એકંદરે, 2026નું વર્ષ ભારત માટે સકારાત્મક રહેશે પણ રોકાણકારોએ સાવચેતી અને સમજદારી સાથે આગળ વધવું પડશે. રાતોરાત પૈસા ડબલ થવાની આશા રાખવાને બદલે લાંબા ગાળાના સ્થિર વળતર પર ફોકસ કરવું વધુ ફાયદાકારક રહેશે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 01, 2026 4:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.