RBI Governor: વૈશ્વિક પડકારો છતાં ભારતીય અર્થવ્યવસ્થા સુપરફાસ્ટ! RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આપ્યું મોટું નિવેદન
RBI Governor: દુનિયાભરમાં અસ્થિરતા હોવા છતાં ભારતનો વિકાસ દર કેમ વધી રહ્યો છે? RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ ઈકોનોમી, રોકાણ અને રૂપિયાની સ્થિતિ પર શું કહ્યું? જાણો વિગતવાર આ અહેવાલમાં.
ભારતીય અર્થવ્યવસ્થા શા માટે મજબૂત છે, તેના પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે હાલમાં મોંઘવારી કાબૂમાં છે અને ઓછી છે. આ ઉપરાંત, નાણાકીય અને બિન-નાણાકીય કંપનીઓના હિસાબ-કિતાબ પણ સુધર્યા છે.
RBI Governor: ભારતીય અર્થતંત્રને લઈને એક ખૂબ જ સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે ભલે દુનિયાભરમાં આર્થિક માહોલ ડામાડોળ હોય, પરંતુ ભારત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મજબૂત ઘરેલુ માંગ અને રોકાણના જોરે ભારતીય અર્થવ્યવસ્થા ઉચ્ચ વૃદ્ધિ દર હાંસલ કરવા માટે તૈયાર છે.
RBI દ્વારા બહાર પાડવામાં આવેલા ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટના લેટેસ્ટ એડિશનની પ્રસ્તાવનામાં ગવર્નર મલ્હોત્રાએ દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર સ્પષ્ટ કર્યું છે. ચાલો જાણીએ તેમણે કઈ મહત્વની બાબતો પર ભાર મૂક્યો છે.
અર્થવ્યવસ્થાની મજબૂતીનું કારણ શું?
ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, અત્યારે વૈશ્વિક સ્તરે ઘણા પડકારો છે અને વાતાવરણ અસ્થિર છે. તેમ છતાં ભારતનો ગ્રોથ અટક્યો નથી. તેમણે આ મજબૂતી પાછળ મુખ્ય બે કારણો આપ્યા છે:
1) મજબૂત ઘરેલુ વપરાશ: દેશમાં લોકોની ખરીદશક્તિ જળવાઈ રહી છે.
2) રોકાણ : દેશમાં અને બહારથી આવી રહેલું રોકાણ અર્થતંત્રને વેગ આપી રહ્યું છે.
તેમણે રિપોર્ટમાં લખ્યું છે કે, "નાણાકીય સ્થિરતા જાળવી રાખવી અને સિસ્ટમને મજબૂત બનાવવી એ અમારો મુખ્ય સિદ્ધાંત છે." જોકે, તેમણે એમ પણ કહ્યું કે માત્ર સ્થિરતા જ એકમાત્ર લક્ષ્ય નથી, પરંતુ તેનાથી આગળ વધીને વિચારવાની જરૂર છે.
ગવર્નરનો મુખ્ય ફોકસ: ઈનોવેશન અને સુરક્ષા
માત્ર પૈસાની લેવડ-દેવડ જ નહીં, પણ ગવર્નરે આધુનિક સુધારાઓ પર પણ ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે નીચે મુજબની બાબતો સમાન રીતે મહત્વપૂર્ણ છે. નવા આઈડિયા અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવું. ગ્રાહકો એટલે કે સામાન્ય જનતાના હિતોનું રક્ષણ કરવું. નિયમો અને દેખરેખ માટે એક પ્રેક્ટિકલ (વ્યવહારિક) અભિગમ અપનાવવો, જેથી સિસ્ટમની કાર્યક્ષમતા વધે. નીતિ નિર્માતાઓ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, તેમનું સૌથી મોટું યોગદાન એવી સિસ્ટમ બનાવવાનું હોવું જોઈએ જે આંચકાઓ સહન કરી શકે અને જવાબદારીપૂર્વક નવીનતાને સ્વીકારે.
કંપનીઓની સ્થિતિ અને મોંઘવારી પર કાબૂ
ભારતીય અર્થવ્યવસ્થા શા માટે મજબૂત છે, તેના પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે હાલમાં મોંઘવારી કાબૂમાં છે અને ઓછી છે. આ ઉપરાંત, નાણાકીય અને બિન-નાણાકીય કંપનીઓના હિસાબ-કિતાબ પણ સુધર્યા છે. દેશ પાસે પૂરતા પ્રમાણમાં વિદેશી મુદ્રા ભંડાર છે અને સમજી-વિચારીને કરવામાં આવેલા નીતિગત સુધારાઓને કારણે આપણી સિસ્ટમ મજબૂત બની છે. જોકે, તેમણે સાવચેતીનો સૂર પણ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, "અમે બહારના પરિબળોથી આવતા ટૂંકા ગાળાના પડકારોને ઓળખીએ છીએ અને અર્થવ્યવસ્થાની સુરક્ષા માટે સતત મજબૂત પગલાં લઈ રહ્યા છીએ."
2025: RBI માટે એક પડકારજનક વર્ષ
નોંધનીય છે કે RBI માટે આ વર્ષ ઘણું પડકારજનક રહ્યું છે. 2025 ના વર્ષમાં જ રિઝર્વ બેંકે તેના સ્થાપનાના 90 વર્ષ પૂર્ણ કર્યા છે. આ વર્ષે સૌથી મોટો પડકાર રૂપિયાની કિંમતમાં થઈ રહેલા ઘટાડાને સંભાળવાનો રહ્યો છે. રૂપિયાની વધઘટ અંગે સેન્ટ્રલ બેંકનું વલણ સ્પષ્ટ છે. તેમનું કહેવું છે કે બજારમાં તેમનો હસ્તક્ષેપ રૂપિયાના કોઈ ચોક્કસ સ્તરને બચાવવા માટે નથી હોતો, પરંતુ બજારમાં આવતા મોટા ઉતાર-ચઢાવને ઘટાડવા માટે હોય છે, જેથી અર્થવ્યવસ્થા પર વિપરીત અસર ન પડે.