ભારત હવે 'રિફોર્મ એક્સપ્રેસ' પર સવાર: PM મોદીએ ગણાવ્યા 2025ના ઐતિહાસિક બદલાવ, ટેક્સથી લઈ રોજગાર સુધી મોટી જાહેરાત
India Reform Express: PM મોદીએ કહ્યું કે ભારત હવે 'રિફોર્મ એક્સપ્રેસ'માં સવાર થઈ ચૂક્યું છે. 2025માં 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, વીમામાં 100% FDI અને શ્રમ કાયદામાં મોટા ફેરફારો થયા છે. જાણો સામાન્ય જનતાને શું ફાયદો થશે.
સામાન્ય જનતા અને મધ્યમ વર્ગ માટે સૌથી મોટા સમાચાર આપતા પીએમ મોદીએ જણાવ્યું કે હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ કોઈ પણ પ્રકારનો ઈન્કમ ટેક્સ ભરવો પડશે નહીં.
India Reform Express: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ માટે એક મહત્વનો સંદેશ આપ્યો છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઈન પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે ભારત હવે રિફોર્મ એક્સપ્રેસમાં સવાર થઈ ગયું છે. તેમણે વર્ષ 2025માં કરાયેલા ઐતિહાસિક સુધારાઓની માહિતી આપી હતી, જેમાં ટેક્સ, લેબર, વેપાર, ઉર્જા, શિક્ષણ અને ગ્રામીણ રોજગાર જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે આ સુધારાઓએ ભારતની વિકાસ યાત્રાને નવી રફ્તાર આપી છે.
'રિફોર્મ એક્સપ્રેસ' અને દુનિયાનું ભારત પર ધ્યાન
PM મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ભારતના લોકોના ઉત્સાહ અને ઈનોવેશનને કારણે આજે આખું વિશ્વ ભારત તરફ ઉમ્મીદ અને ભરોસાની નજરે જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, "હું વારંવાર કહું છું કે ભારત સુધારાઓની 'રિફોર્મ એક્સપ્રેસ' પર સવાર છે. આ એક્સપ્રેસનું મુખ્ય એન્જિન આપણા દેશની યુવા શક્તિ અને નાગરિકોનો મક્કમ સંકલ્પ છે."
વર્ષ 2025માં અલગ-અલગ સેક્ટરમાં જે મોટા ફેરફારો થયા છે, તેનાથી ભારતને 'વિકસિત ભારત' બનાવવાની દિશામાં મોટી મદદ મળી છે.
2025માં શું બદલાયું? મધ્યમ વર્ગને જબરદસ્ત રાહત
સામાન્ય જનતા અને મધ્યમ વર્ગ માટે સૌથી મોટા સમાચાર આપતા પીએમ મોદીએ જણાવ્યું કે હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ કોઈ પણ પ્રકારનો ઈન્કમ ટેક્સ ભરવો પડશે નહીં. આ ઉપરાંત, અંગ્રેજોના જમાનાના 1961ના જૂના કાયદાને બદલીને નવો અને સરળ 'ઈન્કમ ટેક્સ એક્ટ, 2025' લાગુ કરવામાં આવ્યો છે.
આ સાથે નાના વેપારીઓને પણ મોટી રાહત અપાઈ છે. હવે 100 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર કરતી કંપનીઓને પણ 'નાની કંપની' ગણવામાં આવશે, જેનાથી હજારો વેપારીઓ પર કાયદાકીય બોજ અને ખર્ચ ઓછો થશે.
GST અને FDIમાં મોટા ફેરફાર
વડાપ્રધાને GSTના માળખામાં કરાયેલા ફેરફારનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે બે સ્તરનું ટેક્સ સ્ટ્રક્ચર (5% અને 18%) લાગુ કરાયું છે. તેનાથી ઘરખર્ચ, MSME, ખેડૂતો અને મજૂરોને સીધો ફાયદો થયો છે. તહેવારોની સીઝનમાં આના કારણે વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે.
બીજી તરફ, વિદેશી રોકાણને આકર્ષવા માટે ભારતીય વીમા કંપનીઓમાં 100% ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ને મંજૂરી આપી દેવામાં આવી છે. આનાથી વીમા ક્ષેત્રમાં હરીફાઈ વધશે અને લોકોને વધુ સારા વિકલ્પો અને સેવાઓ મળશે.
શ્રમ કાયદા અને ગ્રામીણ રોજગારમાં સુધારો
મજૂરો અને કામદારોના હિત માટે સરકારે 4 આધુનિક લેબર કોડ લાગુ કર્યા છે. જેનાથી હવે કામદારોને યોગ્ય પગાર, સમયસર વેતન અને સામાજિક સુરક્ષા (Social Security) મળશે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારમાં રોજગારી માટે 'વિકસિત ભારત-જી રામ જી અધિનિયમ, 2025' હેઠળ રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરી દેવામાં આવી છે, જે ગરીબોની આવક વધારવામાં મદદરૂપ થશે.
વેપાર અને ઉર્જા ક્ષેત્રે ભારતની હરણફાળ
વડાપ્રધાને જણાવ્યું કે ન્યુઝીલેન્ડ, ઓમાન અને બ્રિટન જેવા દેશો સાથેના વેપાર કરારોને કારણે ભારતમાં રોકાણ અને રોજગારી વધશે. યુરોપિયન દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) લાગુ થવાથી ભારત એક મજબૂત પાર્ટનર તરીકે ઉભરી આવ્યું છે. દરિયાઈ વેપારને સરળ બનાવવા માટે સંસદમાં 5 નવા કાયદા પણ પસાર કરવામાં આવ્યા છે.
ઉર્જા ક્ષેત્રે વાત કરતા તેમણે કહ્યું કે પીસ એક્ટ ભારતની ક્લીન એનર્જી અને ટેકનોલોજી માટે ગેમ ચેન્જર સાબિત થશે.
કંટ્રોલ નહીં, હવે ભરોસાની ઈકોનોમી
પોતાની વાત પૂરી કરતા PM મોદીએ કહ્યું કે આ તમામ સુધારાઓ ડેટા અને સંવેદનાને ધ્યાનમાં રાખીને કરાયા છે. ભારત હવે કંટ્રોલ-બેઝડ ઈકોનોમીમાંથી બહાર નીકળીને ટ્રસ્ટ-બેઝડ ઈકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ એ જ અમારો એકમાત્ર લક્ષ્ય છે.