Global Crisis 2026: શું 2026માં વિશ્વ પર આવશે મોટું સંકટ? પોલ્યુશન, પોલિટિક્સ અને પાવર ગેમ બદલી નાખશે દુનિયાનું ચિત્ર!
Global Crisis 2026: શું 2026 વિશ્વ માટે મુશ્કેલ વર્ષ સાબિત થશે? પ્રદૂષણ, ટ્રમ્પની નીતિઓ, ચીનની દાદાગીરી અને AI ના જોખમો કેવી રીતે દુનિયા બદલશે? જાણો કેમ 2026 માં ગ્લોબલ ક્રાઈસિસના એંધાણ વર્તાઈ રહ્યા છે.
વર્ષ 2025 અત્યાર સુધીના સૌથી ગરમ 5 વર્ષોમાં સ્થાન પામ્યું છે. જો આપણે સ્વચ્છ ઊર્જા તરફ નહીં વળીએ તો 2026માં જીવલેણ ગરમી, પૂર અને જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ હજુ વધશે.
Global Crisis 2026: જો તમે એમ માનતા હોવ કે 2025 મુશ્કેલ હતું, તો 2026 માટે કમર કસી લેજો. દુનિયા માટે આવનારું વર્ષ જરા પણ સરળ રહેવાનું નથી. નિષ્ણાતોનું માનવું છે કે જે સમસ્યાઓનો સામનો આપણે 2025માં કર્યો હતો, તે 2026માં પૂરી થવાને બદલે વધારે વિકરાળ રૂપ ધારણ કરશે.
ઝેરી હવા, દેશો વચ્ચેનો તણાવ, રાજકીય ઉથલ-પાથલ, સ્વાસ્થ્ય કટોકટી, હવામાનમાં અચાનક બદલાવ અને ટેકનોલોજીનો દુરુપયોગ – આ બધી સમસ્યાઓ 2026માં દુનિયાનું સમીકરણ બદલી નાખશે. ખાસ કરીને અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓના નિર્ણયો દુનિયાને અસુરક્ષિત અને અનિશ્ચિત બનાવી રહ્યા છે.
દિલ્હીનું વાયુ પ્રદૂષણ: શ્વાસ લેવો પણ મુશ્કેલ
ભારતની વાત કરીએ તો, દિલ્હીમાં શિયાળો આવતાની સાથે જ પ્રદૂષણ અને સ્મોગનું સામ્રાજ્ય છવાઈ જાય છે. હવાની ગુણવત્તા એટલી ખરાબ થઈ જાય છે કે AQI લેવલ ઘણીવાર 450ને પાર કરી જાય છે. ગાઢ ધુમ્મસ અને વાહનોના ધુમાડાને કારણે શ્વાસની બીમારીઓ વધી રહી છે. જો કે તંત્ર દ્વારા સ્કૂલો બંધ કરવા અને જુના વાહનો પર પ્રતિબંધ જેવા પગલાં લેવાય છે, પરંતુ 2026 માં પણ દિલ્હીનું સ્મોગ જાહેર સ્વાસ્થ્ય માટે મોટો પડકાર બની રહેશે.
ટ્રમ્પની 'વેપારી' રાજનીતિ અને દુનિયા પર અસર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ હંમેશા ચર્ચામાં રહે છે. 2025માં ટેરિફની ધમકીઓ અને યુદ્ધ રોકવાના મોટા દાવાઓ જોવા મળ્યા, પણ 2026માં પણ ટ્રમ્પના વ્યવહારમાં ખાસ બદલાવ આવે તેમ લાગતું નથી. ટ્રમ્પ દરેક મુદ્દાને વેપારની નજરે જુએ છે.
તેઓ પોતાની વાત મનાવવા માટે બીજા દેશો પર 'ટેરિફનું હંટર' ચલાવવામાં જરાય અચકાતા નથી. એશિયા હોય કે યુરોપ, નિકાસ પર નિર્ભર દેશોને હંમેશા આર્થિક દંડનો ડર સતાવે છે. એટલું જ નહીં, લેટિન અમેરિકામાં વેનેઝુએલા પર તેમણે મૂકેલા ઓઈલ પ્રતિબંધોને કારણે ગ્લોબલ એનર્જી માર્કેટમાં અસ્થિરતા આવી ગઈ છે. સપ્લાય ચેઈન જે માંડ ઉભી થઈ હતી, તે ફરી દબાણમાં આવી ગઈ છે.
કુદરતનો કહેર: એક્સ્ટ્રીમ વેધર બન્યું નોર્મલ
હવે હવામાનમાં થતા અચાનક ફેરફારો કોઈને ચોંકાવતા નથી. 2025માં અમેરિકામાં વાવાઝોડા અને પૂર જેવી કુદરતી આફતોએ ભારે તબાહી મચાવી હતી. ક્લાઈમેટ એક્સપર્ટ્સના મતે, ગ્રીનહાઉસ ગેસ અને કાર્બન પ્રદૂષણને કારણે આવી ઘટનાઓ વધી રહી છે.
વર્ષ 2025 અત્યાર સુધીના સૌથી ગરમ 5 વર્ષોમાં સ્થાન પામ્યું છે. જો આપણે સ્વચ્છ ઊર્જા તરફ નહીં વળીએ તો 2026માં જીવલેણ ગરમી, પૂર અને જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ હજુ વધશે.
ચીનની ચાલ અને તાઈવાન પર સંકટ
ચીન 2026માં દુનિયા પર અનેક મોરચે દબાણ બનાવશે. તાઈવાન ચીન માટે સૌથી મોટો મુદ્દો છે. બેઈજિંગ દ્વારા તાઈવાનની આસપાસ મિલિટરી એક્ટિવિટી વધારી દેવામાં આવી છે. દરેક સૈન્ય અભ્યાસ વોશિંગ્ટન અને ટોક્યોમાં ચિંતા વધારે છે. આ સિવાય, ટેકનોલોજીની દુનિયામાં પણ ચીન અમેરિકા અને પશ્ચિમી દેશોને હંફાવવા તૈયાર છે. ચિપ અને AI ટૂલ્સમાં ચીન આત્મનિર્ભર બની રહ્યું છે, જે વૈશ્વિક વેપારમાં નવા ભાગલા પાડશે.
દુનિયામાં યુદ્ધના ભણકારા
રશિયા-યુક્રેન: આ યુદ્ધ હવે લાંબુ ખેંચાઈ રહ્યું છે. રશિયા લાંબી લડાઈ માટે તૈયાર છે, જ્યારે યુક્રેન પશ્ચિમી મદદ પર નિર્ભર છે.
મિડલ-ઈસ્ટ: ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ હજુ પણ અસ્થિર છે. ગાઝામાં ફરી હિંસા ભડકવાનો ડર છે અને ઈરાન સમર્થિત જૂથોને કારણે તણાવ વધી શકે છે.
તાઈવાન: તાઈવાન સમુદ્રમાં તણાવ એ આ દાયકાનું સૌથી મોટું જોખમ છે. એક નાની ભૂલ પણ દુનિયાને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.
AI અને ટેકનોલોજી: જેટલા ફાયદા, એટલા જ જોખમ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) બેધારી તલવાર જેવું છે. એક તરફ તે ઇનોવેશન લાવે છે, તો બીજી તરફ જોખમ પણ ઉભું કરે છે. 2025 ના સર્વે મુજબ, 57% અમેરિકનો AI ને સમાજ માટે જોખમી માને છે. AI દ્વારા બનાવવામાં આવતા 'ડીપફેક' ફોટો અને વીડિયો ચૂંટણીઓને પ્રભાવિત કરી શકે છે અને સમાજમાં ઝઘડા કરાવી શકે છે. AIને કારણે નોકરીઓ જવાનો અને પ્રાઈવસી લીક થવાનો ડર પણ વધી રહ્યો છે. ટેકનોલોજી જેટલી ઝડપે વધી રહી છે, તેટલી ઝડપે તેના પર કાયદા બની રહ્યા નથી.
નવું સ્વાસ્થ્ય સંકટ
કોવિડ ભલે ગયો હોય, પણ 2026માં નવી બીમારીઓનો ડર છે. સૌથી મોટું જોખમ 'એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ' (AMR) છે. મતલબ કે, હવે સામાન્ય બેક્ટેરિયા પર પણ એન્ટિબાયોટિક દવાઓ અસર કરતી નથી, જેના કારણે સામાન્ય બીમારી પણ જીવલેણ બની શકે છે. આફ્રિકામાં કોલેરા અને ઓરીના કેસ વધી રહ્યા છે, તો લેટિન અમેરિકામાં ડેન્ગ્યુએ રેકોર્ડ તોડ્યા છે. વેક્સિન લેવામાં લોકોની આળસ પણ જૂની બીમારીઓને પાછી લાવી રહી છે.
2026માં સૌથી મોટું જોખમ એ છે કે આપણે આ બધી ઉથલ-પાથલને 'સામાન્ય' ગણવાની ભૂલ કરી બેસીશું. પ્રદૂષણ, યુદ્ધ અને ટેકનોલોજીના આ જોખમો વચ્ચે જો દુનિયા સાવચેત નહીં થાય, તો સુરક્ષા અને શાંતિ માટે જગ્યા ખૂબ ઓછી બચશે. 2026 સાચે જ પરીક્ષાનું વર્ષ બની રહેવાનું છે.