Budget 2026: શું UPI હવે ફ્રી નહીં રહે? બજેટ 2026 પહેલાં સામે આવી મોટી સચ્ચાઈ, તમારા ખિસ્સા પર પડશે અસર? જાણો વિગતવાર
Budget 2026: શું UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે? બજેટ 2026 પહેલાં ડિજિટલ પેમેન્ટના ભવિષ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જાણો શું ફ્રી UPIનો યુગ પૂરો થશે અને કોને ચૂકવવો પડશે ચાર્જ? વાંચો આખો રિપોર્ટ.
દેશમાં ડિજિટલ લેવડ-દેવડનો લગભગ 85% હિસ્સો હવે UPI પાસે છે. માત્ર ઓક્ટોબર મહિનામાં જ 20 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન થયા અને 27 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ.
Budget 2026: આજે ભારતમાં રોકડિયા વ્યવહાર લગભગ ભૂતકાળ બની ગયા છે. ચાયની કિટલી હોય કે મોલ, શાકભાજીની લારી હોય કે લાઈટ બિલ ભરવાનું હોય—આપણે સૌ ફટાક દઈને મોબાઈલ કાઢીને QR કોડ સ્કેન કરીએ છીએ અને UPI પેમેન્ટ કરી દઈએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઈન્ડિયા’ મિશનને કારણે આજે ભારત દુનિયાનું સૌથી મોટું ડિજિટલ પેમેન્ટ માર્કેટ બની ગયું છે. પરંતુ, શું આ સુવિધા હંમેશા મફત રહેશે? બજેટ 2026 પહેલાં સામે આવેલી હકીકત કઈક અલગ જ ઈશારો કરી રહી છે.
ચમકતા આંકડા પાછળની ચિંતા
દેશમાં ડિજિટલ લેવડ-દેવડનો લગભગ 85% હિસ્સો હવે UPI પાસે છે. માત્ર ઓક્ટોબર મહિનામાં જ 20 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન થયા અને 27 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ. આંકડા સાંભળવામાં શાનદાર લાગે છે, પણ તેની પાછળ એક કડવી વાસ્તવિકતા પણ છે. આંકડા મુજબ, હજુ પણ માત્ર 45% વેપારીઓ જ નિયમિતપણે UPI સ્વીકારે છે. દેશના ત્રીજા ભાગના વિસ્તારો એવા છે જ્યાં 100થી પણ ઓછા એક્ટિવ UPI મર્ચન્ટ્સ છે. એટલે કે હજુ ઘણું કામ બાકી છે.
ફ્રી UPIનો બોજ કોણ ઉઠાવે છે?
સામાન્ય માણસ માટે UPI ફ્રી છે, પણ તેને ચલાવવાનો ખર્ચ મફત નથી. હાલમાં સરકારની ‘ઝીરો MDR’ (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) પોલિસી છે, એટલે કે દુકાનદાર કે ગ્રાહક પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. પરંતુ બેંકો અને ફિનટેક કંપનીઓને એક ટ્રાન્ઝેક્શન પાછળ અંદાજે 2 રૂપિયાનો ખર્ચ ભોગવવો પડે છે.
PhonePe, PCI અને ખુદ RBI પણ માને છે કે આ ‘ફ્રી મોડલ’ લાંબો સમય ચાલી શકે તેમ નથી. પહેલા સરકારે બેંકોને સબસિડી આપી હતી. વર્ષ 2023-24માં સરકારે 3900 કરોડ રૂપિયા આપ્યા હતા, જે 2025-26માં ઘટીને માત્ર 427 કરોડ રૂપિયા રહી ગયા છે. બીજી તરફ, અનુમાન છે કે આવતા બે વર્ષમાં UPI સિસ્ટમ ચલાવવાનો ખર્ચ 8000થી 10,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. હવે સવાલ એ છે કે આ ખર્ચ કોણ ભોગવશે?
RBIની ચેતવણી અને નવો પ્રસ્તાવ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નરે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે UPIને હંમેશા માટે મફત રાખવું મુશ્કેલ છે, કારણ કે સર્વિસ પાછળ ખર્ચ તો થાય જ છે. ફંડની અછતને કારણે ગામડાઓ સુધી સુવિધા પહોંચાડવામાં અને સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવામાં મુશ્કેલી આવી રહી છે.
આ સ્થિતિને પહોંચી વળવા માટે એક મધ્યમ રસ્તો વિચારવામાં આવી રહ્યો છે. ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય લોકોના ટ્રાન્ઝેક્શન અને નાના દુકાનદારો માટે UPI સંપૂર્ણપણે ફ્રી રાખવું જોઈએ. પરંતુ, જે મોટા વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર 10 કરોડ રૂપિયાથી વધુ છે, તેમની પાસેથી દરેક ટ્રાન્ઝેક્શન પર 0.25થી 0.30 ટકા જેવી નજીવી ફી વસૂલવી જોઈએ.
બજેટ 2026 પર સૌની નજર
આવનારું બજેટ 2026 ડિજિટલ પેમેન્ટના ભવિષ્ય માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. સરકાર પાસે બે રસ્તા છે કાં તો ભારે સબસિડી આપીને આ ભાર ઉઠાવે, અથવા મોટા બિઝનેસ પર MDR ચાર્જ લગાવીને સિસ્ટમને આત્મનિર્ભર બનાવે. હવે જોવાનું એ રહેશે કે સરકાર શું નિર્ણય લે છે અને આપણી ‘ફ્રી પેમેન્ટ’ની આઝાદી ક્યાં સુધી અકબંધ રહે છે.