તહેવારો પર મોંઘવારીનો માર! દિવાળી પહેલા મસાલા, સુકામેવા અને કરિયાણાના ભાવ આસમાને પહોંચ્યા | Moneycontrol Gujarati
Get App

તહેવારો પર મોંઘવારીનો માર! દિવાળી પહેલા મસાલા, સુકામેવા અને કરિયાણાના ભાવ આસમાને પહોંચ્યા

Diwali inflation: તહેવારોની સીઝન પહેલા સામાન્ય જનતાને મોંઘવારીનો મોટો ઝટકો! દિવાળી ગિફ્ટમાં અપાતા સુકામેવા, રસોઈના મસાલા, દાળ અને ખાંડના ભાવમાં તોતિંગ વધારો. જાણો બજારના લેટેસ્ટ ભાવ.

અપડેટેડ 03:49:43 PM Oct 19, 2026 પર
Story continues below Advertisement
વરસાદ ખેંચાતા મસાલા અને કઠોળના ભાવમાં ભડકો

Diwali inflation: દિવાળી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો માર પડ્યો છે. પૂજાના સામાનથી લઈને રોજિંદા વપરાશની ખાણી-પીણીની વસ્તુઓના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ખાદ્ય તેલના ભાવ વધ્યા બાદ હવે રસોઈના મસાલા, કઠોળ અને દિવાળીમાં ખાસ ખવાતા સુકામેવા (Dry Fruits) ની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. બજારના નિષ્ણાતોના મતે, છેલ્લા 3 મહિનામાં જ કરિયાણાની વસ્તુઓમાં તોતિંગ વધારો ઝીંકાયો છે.

ડિસ્કાઉન્ટના નામે ઈલેક્ટ્રોનિક્સમાં પણ ખેલ

માત્ર ખાણી-પીણી જ નહીં, પરંતુ ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પણ ગ્રાહકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. ડીલર્સને ત્યાં તહેવારોની ઑફર અને ડિસ્કાઉન્ટ શરૂ થાય તે પહેલાં જ કંપનીઓએ પોતાના ઉત્પાદનોની મૂળ કિંમતમાં વધારો કરી દીધો છે. જેથી ડિસ્કાઉન્ટ પછી પણ ગ્રાહકોને વસ્તુ મોંઘી જ પડી રહી છે.

વરસાદ ખેંચાતા મસાલા અને કઠોળના ભાવમાં ભડકો

આ વર્ષે અનિયમિત વરસાદના કારણે પાકને મોટું નુકસાન થયું છે, જેની સીધી અસર બજારના ભાવ પર પડી છે. માત્ર 15 જ દિવસમાં શાકભાજી અને દાળના વઘારમાં વપરાતા જીરું, ધાણા અને હળદરના ભાવમાં 10 થી 16 ટકાનો સીધો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત કઠોળ બજારમાં પણ આગ લાગી છે. નાના અને મોટા ચણાના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે, જ્યારે છેલ્લા 3 મહિનામાં ચોખા 25 ટકા મોંઘા થઈ ગયા છે. ખાંડની વાત કરીએ તો, થોડા સમય પહેલા ભાવ ઘટ્યા હતા, પરંતુ એક જ અઠવાડિયામાં ખાંડના ભાવમાં સીધો 8 થી 10 રૂપિયાનો ઉછાળો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.


દિવાળી ગિફ્ટ થશે મોંઘી: સુકામેવાના ભાવ આસમાને

દિવાળીમાં મીઠાઈ અને ગિફ્ટિંગ માટે સુકામેવાની સૌથી વધુ માંગ હોય છે, પરંતુ આ વખતે બદામ, કાજુ, પિસ્તા, દ્રાક્ષ અને અખરોટના ભાવે માઝા મૂકી છે. સુકામેવા મોંઘા થતાં હવે દિવાળીના ગિફ્ટ બોક્સના કદ નાના થઈ જશે અને તેની કિંમતો પણ વધી જશે.

બજારમાં વસ્તુઓના લેટેસ્ટ ભાવ

પિસ્તા: સૌથી મોટો ઉછાળો પિસ્તામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં જે પિસ્તા 1200 રૂપિયામાં મળતા હતા, તે હવે 1800 થી 1900 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

કાજુ: 1000 રૂપિયાથી વધીને 1100 રૂપિયા થયા છે.

અખરોટની ગિરી: 1350 રૂપિયાથી વધીને 1500 રૂપિયા થઈ છે.

બદામ: ગ્રાહકોએ હવે બદામ માટે પ્રતિ કિલોએ 300 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

જીરું: 250 રૂપિયાથી વધીને 300 થી 350 રૂપિયા પહોંચ્યું છે.

ધાણા: 230 રૂપિયાથી વધીને 280 રૂપિયા થયા છે.

હળદર: 190 રૂપિયાથી વધીને 250 રૂપિયા થઈ ગઈ છે.

ખાંડ: 52 રૂપિયાથી વધીને 58 રૂપિયા થઈ છે.

ચોખા: જે ચોખા 40 થી 100 રૂપિયાની રેન્જમાં હતા, તે હવે 60 થી 120 રૂપિયા સુધી પહોંચ્યા છે.

તુવેર દાળ: અગાઉ 130 રૂપિયામાં મળતી દાળ હવે 150 રૂપિયે કિલો વેચાઈ રહી છે.

એક તરફ તહેવારોનો ઉમંગ છે, તો બીજી તરફ મોંઘવારીએ માઝા મૂકી છે. મસાલાથી લઈને મીઠાઈ સુધીની તમામ વસ્તુઓ પાછળ સામાન્ય માણસે આ વખતે પોતાના ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે.

(ખાસ નોંધ: સ્થાનિક માર્કેટ અને મહાનગરો અનુસાર ઉપર દર્શાવેલા ભાવમાં થોડીઘણી વધ-ઘટ જોવા મળી શકે છે.)

આ પણ વાંચો- મોદી સરકારની એક્સપાયરી ડેટ નજીક! ગોવામાં વોટ ચોરીના મુદ્દે રાહુલ ગાંધીના ભાજપ પર મોટા પ્રહાર

MoneyControl News

MoneyControl News

First Published: Oct 19, 2026 3:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.