FD કરાવવામાં હવે મોડું ન કરો, નહીં તો પછતાવા સિવાય કંઈ નહીં મળે, જાણો કેમ?
જો તમે જોખમ વિના સારું રિટર્ન ઈચ્છતા હોવ તો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. હાલમાં FD પર સારું રિટર્ન મળી રહ્યું છે, તેથી હવે FD કરાવી લેવી જોઈએ. નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે.
સામાન્ય બેન્કોની સરખામણીએ સ્મોલ ફાઈનાન્સ બેન્કો FD પર સૌથી વધુ વ્યાજ ઓફર કરે છે.
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ સતત બીજી વખત રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જેનાથી રેપો રેટ 6 ટકા પર પહોંચી ગયો છે. આ નિર્ણયથી તમામ પ્રકારની લોન સસ્તી થશે, જેનો સૌથી વધુ ફાયદો હોમ લોન અને કાર લોન લેનારાઓને મળશે. પરંતુ બીજી બાજુ, FD કરાવનારાઓ માટે આ નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે બેન્કો લોન સસ્તી કરશે તો ડિપોઝિટ પરના વ્યાજ દરમાં પણ ઘટાડો કરશે.
તાજેતરમાં HDFC, YES, બંધન જેવી અનેક મોટી બેન્કોએ FD પરના વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. આગામી દિવસોમાં અન્ય બેન્કો પણ વ્યાજ ઘટાડી શકે છે, જેનાથી FD પરનું રિટર્ન ઓછું થશે. આવી સ્થિતિમાંથી બચવા માટે હવે જ FD કરાવવી ફાયદાકારક રહેશે.
3 વર્ષની FD તાત્કાલિક કરાવો
હાલમાં દેશની અનેક સરકારી તથા ખાનગી બેન્કો FD પર 7.25%થી 8.65% સુધી વ્યાજ આપી રહી છે. આના કારણે નાના રોકાણકારોનું FD પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. જોકે, રેપો રેટમાં ઘટાડા બાદ બેન્કો ઝડપથી FDના વ્યાજ દરમાં કાપ મૂકી શકે છે. આથી ઊંચા વ્યાજ દરને લોક કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. જ્યારે FDના દર ઘટવાનું શરૂ થશે, તો તેની સૌથી પહેલી અસર ટૂંકીથી મધ્યમ મુદત (3 વર્ષ સુધી)ની FD પર જોવા મળશે. તેથી, જો તમારી પાસે 3 વર્ષ સુધીના રોકાણ માટે રકમ હોય, તો હવે જ FD કરાવી લેવી જોઈએ.
શોર્ટ-ટર્મ વિરુદ્ધ લોન્ગ-ટર્મ FD
જો તમે ટૂંકીથી મધ્યમ મુદતની FDમાં રોકાણ કરવા માંગો છો, તો જલદીથી જલદી પગલાં ભરો, કારણ કે ઊંચા વ્યાજ દરે બુકિંગનો સમય મર્યાદિત હોઈ શકે છે. લાંબા ગાળાના રોકાણકારો માટે હાલના FD દરનો લાભ લેવા માટે થોડો વધુ સમય મળી શકે છે.
ક્યાં મળશે વધુ વ્યાજ?
જો તમે જોખમ લેવાની ક્ષમતા ધરાવો છો, તો સ્મોલ ફાઈનાન્સ બેન્કો તરફ ધ્યાન આપી શકો છો. સામાન્ય બેન્કોની સરખામણીએ સ્મોલ ફાઈનાન્સ બેન્કો FD પર સૌથી વધુ વ્યાજ ઓફર કરે છે. સરકારે જોખમ ઘટાડવા માટે ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) દ્વારા 5 લાખ રૂપિયા સુધીની FDને સુરક્ષા આપવાની વ્યવસ્થા કરી છે. તેથી, કોઈ એક સ્મોલ ફાઈનાન્સ બેન્કમાં 5 લાખથી વધુ રકમની FD ન કરવી જોઈએ.