EPFO Update: પહેલાં આ કામ માટે જૂની કંપનીના ધક્કા ખાવા પડતા હતા અથવા HR ને વારંવાર ઈમેલ કરવા પડતા હતા. પરંતુ હવે EPFOએ કર્મચારીઓને એક મોટી રાહત આપી છે.
EPFO Update: જ્યારે આપણે નોકરી બદલીએ છીએ, ત્યારે જૂના PF (Provident Fund) એકાઉન્ટના પૈસા નવા ખાતામાં ટ્રાન્સફર કરવા ખૂબ જ જરૂરી હોય છે. પણ ઘણીવાર એવું બને છે કે જૂની કંપની પોર્ટલ પર તમારી 'Date of Exit' (નોકરી છોડ્યાની તારીખ) અપડેટ કરવાનું ભૂલી જાય છે. પરિણામે તમારું PF ટ્રાન્સફર અટકી પડે છે.
પહેલાં આ કામ માટે જૂની કંપનીના ધક્કા ખાવા પડતા હતા અથવા HR ને વારંવાર ઈમેલ કરવા પડતા હતા. પરંતુ હવે EPFO (Employees' Provident Fund Organisation) એ કર્મચારીઓને એક મોટી રાહત આપી છે. હવે તમે જાતે જ તમારા UAN પોર્ટલ પરથી ઓનલાઇન 'Date of Exit' અપડેટ કરી શકો છો. ચાલો જાણીએ આના નિયમો અને તેની સરળ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ.
‘Date of Exit' જાતે અપડેટ કરતા પહેલા આ નિયમો જાણી લો
EPFO ના લેટેસ્ટ નિયમો અનુસાર, જો તમે જાતે તારીખ અપડેટ કરવા માંગતા હોવ તો નીચેની શરતો પૂરી થવી જરૂરી છે:
2 મહિનાનો સમય: તમે નોકરી છોડી હોય તેને ઓછામાં ઓછા 2 મહિના પૂરા થયા હોવા જોઈએ.
છેલ્લું PF યોગદાન: તમે જે તારીખ નાખી રહ્યા છો, તે એ જ મહિનાની હોવી જોઈએ જેમાં જૂની કંપનીએ છેલ્લી વાર તમારા PF ખાતામાં પૈસા જમા કર્યા હોય.
એક્ટિવ UAN અને આધાર: તમારો UAN નંબર એક્ટિવ હોવો જોઈએ અને તે તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો ફરજિયાત છે.
મોબાઈલ નંબર: આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર તમારી પાસે હોવો જોઈએ, કારણ કે ઓનલાઇન પ્રોસેસ વખતે તેના પર OTP આવશે.
સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ: ઓનલાઇન કેવી રીતે અપડેટ કરશો?
જો તમે ઉપરની બધી શરતો પૂરી કરો છો, તો માત્ર 5 મિનિટમાં નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને પ્રોસેસ પૂરી કરી શકો છો. સૌથી પહેલા EPFO ના મેમ્બર પોર્ટલ પર જાઓ. તમારો UAN નંબર, પાસવર્ડ અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા નાખીને લોગિન કરો. લોગિન થયા બાદ ઉપર આપેલા મેનૂમાં 'Manage' ટેબ પર ક્લિક કરો અને ડ્રોપ-ડાઉન લિસ્ટમાંથી 'Mark Exit' વિકલ્પ પસંદ કરો. હવે તમને જૂની કંપનીની યાદી દેખાશે. જે કંપનીની એક્ઝિટ ડેટ અપડેટ કરવી હોય તેની મેમ્બર આઈડી પસંદ કરો. અહીં નોકરી છોડ્યાની સાચી તારીખ અને નોકરી છોડવાનું કારણ પસંદ કરો. (ખાસ નોંધ: આ તારીખ તમારી સેલરી સ્લિપ અથવા રિલીવિંગ લેટર સાથે મેચ કરી લેવી). બધી ડિટેલ્સ બરાબર ચેક કર્યા પછી નીચે આપેલા કન્સેન્ટ બોક્સ પર ટિક કરો અને 'Request OTP' પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP નાખો અને સબમિટ કરી દો. બસ, તમારી 'Date of Exit' સિસ્ટમમાં તરત જ અપડેટ થઈ જશે.
અપડેટ થયા પછી ક્રોસ ચેક કઈ રીતે કરવું?
તમારું કામ બરાબર થયું છે કે નહીં તે જાણવા માટે, મુખ્ય મેનૂમાં 'View' પર જાઓ અને 'Service History' પર ક્લિક કરો. અહીં તમને તમારી જૂની કંપનીના નામની સામે નોકરી છોડ્યાની તારીખ એટલે કે Date of Exit જોવા મળી જશે.
જો કંપનીએ પહેલેથી જ ખોટી તારીખ નાખી હોય તો શું કરવું?
જો તમારી જૂની કંપનીએ કોઈ કારણસર ખોટી તારીખ નાખી દીધી છે, તો ઓનલાઇન સિસ્ટમ તમને જાતે તેમાં સુધારો કરવા દેશે નહીં. આવા કિસ્સામાં તમારે તમારી સેલરી સ્લિપ અને રિલીવિંગ લેટર લઈને જૂની કંપનીનો સંપર્ક કરવો પડશે. જો કંપની સહકાર ન આપે, તો તમે EPFOના ગ્રીવાન્સ પોર્ટલ પર જઈને ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો.
EPFOની ખાસ ચેતવણી
EPFO વારંવાર તેના સભ્યોને ચેતવણી આપે છે કે ક્યારેય પણ તમારો UAN પાસવર્ડ, આધાર કાર્ડની ડિટેલ્સ, બેંકની માહિતી કે OTP કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરો. EPFO ક્યારેય પણ કોઈ સર્વિસ માટે ફોન કરીને પૈસાની કે પર્સનલ માહિતીની માંગણી કરતું નથી. ફ્રોડ કોલથી હંમેશા સાવધાન રહો.