એકાઉન્ટ હોલ્ડરના મૃત્યુ બાદ પણ નોમિનીને પૈસા ન મળ્યા! HDFC બેંકનો કિસ્સો જાણીને ચોંકી જશો, જાણો ક્યાં કરવી ફરિયાદ
HDFC Bank Complaint: HDFC બેંકમાં પતિના મૃત્યુના 1 વર્ષ પછી પણ દીકરીને પૈસા ન મળતા મહિલાએ સોશિયલ મીડિયા પર વ્યથા ઠાલવી. જાણો નોમિની સેટલમેન્ટમાં મોડું થાય તો ગ્રાહકે ક્યાં ફરિયાદ કરવી અને શું છે RBIના નિયમો.
HDFC Bank Complaint: HDFC બેંકમાં પતિના મૃત્યુના 1 વર્ષ પછી પણ દીકરીને પૈસા ન મળતા મહિલાએ સોશિયલ મીડિયા પર વ્યથા ઠાલવી.
HDFC Bank Complaint: આજના સમયમાં આપણે ભવિષ્યની સુરક્ષા માટે બેંકમાં નોમિનીનું નામ અવશ્ય લખાવતા હોઈએ છીએ, જેથી આપણા પછી પરિવારને કોઈ મુશ્કેલી ન પડે. પરંતુ દેશની મોટી પ્રાઈવેટ બેંક HDFC Bankમાં સામે આવેલા એક કિસ્સાએ ગ્રાહકોની ચિંતા વધારી દીધી છે. પતિના મૃત્યુના એક વર્ષ પછી પણ બેંકે તેમના એકાઉન્ટમાં જમા રકમ નોમિની (દીકરી)ને ટ્રાન્સફર નથી કરી. આ બાબતે સોશિયલ મીડિયા પર એક ફાઈનાન્શિયલ જર્નાલિસ્ટે પોતાની આપવીતી શેર કરી છે.
શું છે સમગ્ર મામલો?
ફાઈનાન્શિયલ જર્નાલિસ્ટ વીણા વેણુગોપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની મુશ્કેલી વર્ણવતા લખ્યું છે કે, તેમના પતિના મૃત્યુને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આમ છતાં, HDFC બેંકે હજુ સુધી એકાઉન્ટમાં રહેલી રકમ તેમની દીકરીને ટ્રાન્સફર કરી નથી, જે તે એકાઉન્ટની રજિસ્ટર્ડ નોમિની છે.
બેંકની બેદરકારી અને બહાના
વીણા વેણુગોપાલના જણાવ્યા મુજબ, પતિના મૃત્યુના તરત જ પછી તેમણે બેંકને ડેથ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દીધા હતા. પરંતુ થોડા સમય પછી બેંકે પરિવારને કહ્યું કે જૂનો સ્ટાફ નોકરી છોડીને જતો રહ્યો છે, તેથી ડોક્યુમેન્ટ્સ મળી રહ્યા નથી. બેંકે ફરીથી તમામ કાગળો, સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ ડોક્યુમેન્ટ્સ અને મૃત્યુ બાદ થયેલા ઓટો-ડેબિટની વિગતો માંગી. હદ તો ત્યારે થઈ જ્યારે બેંકે ઓટો-ડેબિટ માટે વીમા કંપની પાસેથી મંજૂરી લાવવાનું પણ કહ્યું.
20 વર્ષની દીકરીને ધક્કા ખાવા પડ્યા
સૌથી દુઃખદ બાબત એ હતી કે નોમિની તરીકે નામ હોવાથી તેમની 20 વર્ષની દીકરીને વારંવાર બેંકના ધક્કા ખાવા પડ્યા. જ્યારે પણ તે બેંકમાં જતી, ત્યારે નવા અધિકારીઓ સામે આવતા અને તેણે દરેક વખતે પોતાના પિતાના મૃત્યુની આખી વાત ફરીથી સમજાવવી પડતી હતી. વેણુગોપાલે સ્પષ્ટ કર્યું કે આ એકાઉન્ટને લઈને કોઈ વિવાદ નથી અને પરિવાર સિવાય બીજું કોઈ દાવેદાર પણ નથી.
બીજી બેંકનો અનુભવ તદ્દન અલગ
પોતાના અનુભવની સરખામણી કરતા તેમણે જણાવ્યું કે, તેમના પતિનું બીજું એકાઉન્ટ IndusInd Bank માં હતું. ત્યાં માત્ર એક જ વિઝિટમાં અને 2 અઠવાડિયાની અંદર બધું સેટલમેન્ટ થઈ ગયું હતું. તેમણે ચિંતા વ્યક્ત કરી કે તેમનો પરિવાર આર્થિક રીતે સધ્ધર છે એટલે વાંધો નથી આવ્યો, પરંતુ જે પરિવાર ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિના મૃત્યુ બાદ બેંકમાં પડેલા પૈસા પર જ નિર્ભર હોય, તેમની શું હાલત થતી હશે?
બેંકનો જવાબ અને RBI ના નિયમો
આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, HDFC બેંકે 1 જાન્યુઆરીએ જવાબ આપતા માફી માંગી હતી અને તપાસ માટે એકાઉન્ટની વિગતો માંગી હતી. બેંકે ખાતરી આપી છે કે આ સમસ્યાને જલ્દી ઉકેલવામાં આવશે.
જો તમારી સાથે આવું થાય તો શું કરવું?
દરેક ગ્રાહકે બેંકિંગના આ નિયમો ખાસ જાણી લેવા જોઈએ:
ફરિયાદ ક્યાં કરવી: જો નોમિની ક્લેમમાં વધારે પડતું મોડું થાય, તો ગ્રાહક બેંકના 'ગ્રીવન્સ રિડ્રેસલ ડિપાર્ટમેન્ટ' (Grievance Redressal Department) માં લેખિત ફરિયાદ કરી શકે છે.
RBI ઓમ્બડ્સમેન: જો બેંક તરફથી યોગ્ય જવાબ ન મળે, તો તમે મામલો RBI Banking Ombudsman પાસે લઈ જઈ શકો છો.
સમય મર્યાદા: નિયમો મુજબ, તમામ ડોક્યુમેન્ટ્સ મળ્યા પછી બેંકે 15 દિવસની અંદર ક્લેમ સેટલ કરવો ફરજિયાત છે.
વ્યાજ: જો બેંક નક્કી કરેલા સમયમાં પૈસા ચૂકવવામાં નિષ્ફળ જાય અને મોડું કરે, તો બેંકે તે સમયગાળાનું વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે.